ભારતને રશિયાના ઓઈલની જરૂર છે એ ફાલતુ વાત... ચીન મુદ્દે 'ચૂપ' અમેરિકાની ભારત સાથે આડોડાઈ
Russia-Ukraine War: અમેરિકા ફરી એકવાર ભારતને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કઠેડામાં આવી ગયું છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ ગુરૂવારે કહ્યું કે, ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે યુદ્ધ વધુ લાંબુ ખેંચાઈ રહ્યું છે. આ સાથે વ્હાઇટ હાઉસે એ વાતનું પુનરાવર્તન કર્યું કે, બમણા ટેરિફ અને કડક પ્રતિબંધ લગાવવામાં આવે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, શાંતિનો રસ્તો ભારત થઈને જાય છે. જોકે, તેમના આ તર્કને અમેરિકન મીડિયાએ નકારી દીધો હતો. તેમના આ જ તર્ક પર ચીનને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
ભારત યુદ્ધ વધારી રહ્યું છેઃ નવારો
પીટર નવારોએ કહ્યું કે એ ફાલતુ વાત છે કે ભારતને રશિયાના ઓઈલની જરૂર છે. ભારતની રિફાઈનરીઓ નફાખોરી કરી રહી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી કે ડોનાલ્ડ ટ્રમ્પ મોસ્કો પાસેથી ઓઈલ ખરીદવાની સજા તરીકે ભારત પર બમણો ટેરિફ ઝીંકવાની 27 ઓગસ્ટ સુધીની ડેડલાઈનને આગળ નહીં વધારે. હવે ફક્ત 6 દિવસ બાકી છે. એવું લાગે છે કે યુક્રેનમાં જે લોહિયાળ સંઘર્ષ થઈ રહ્યો છે તેમાં ભારત તેની ભૂમિકાને સ્વીકારવા તૈયાર નથી. ભારતની જિનપિંગ સાથે મિત્રતા વધી રહી છે.
ભારત વિશે વધુ વાત કરતા નવારોએ કહ્યું કે, 'શાંતિનો રસ્તો ભારત થઈને જાય છે. હું ભારતને પ્રેમ કરૂ છું, મોદી એક મહાન નેતા છે. પરંતુ, ભારતે જોવું જોઇએ કે, આ તે વૈશ્વિક અર્થતંત્રમાં શું કરી રહ્યું છે. આ યુદ્ધને રોકવાની બદલે વધારવામાં આવી રહ્યું છે.'
આ વિશે વધુ વાત કરતા નવારોએ કહ્યું કે, 'ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી તેને રિફાઇન કરે છે અને તેમાંથી નફો કમાય છે. રશિયાને મળતા પૈસામાંથી હથિયાર બને છે અને તે યુક્રેનના લોકોની હત્યા કરે છે. પરિણામે, અમેરિકન કરદાતાને વધુ સૈન્ય સહાય આપવી પડે છે. આ ગાંડપણ છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પે તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.' નવારોનો આરોપ છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે અમેરિકન ગ્રાહકોના પૈસાનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે તેને "રિફાઇનિંગ પ્રોફિટિયરિંગ સ્કીમ" ગણાવી.
ચીન પર બોલતી બંધ
અમેરિકન મીડિયા અને નિષ્ણાતોએ વ્હાઇટ હાઉસના આ તર્ક પર પ્રશ્ન કર્યા. વિશ્લેકો અને નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકા ચીનની મોટા પાયે કરવામાં આવતી ક્રૂડ ઓઇલની ખરીદી પર ચૂપ છે. જોકે, ચીન રશિયા પાસેથી ભારત કરતા અનેકગણું વધારે ક્રૂડ ઓઇલ ખરીદે છે. ટીકાકારોએ એ પણ યાદ અપાવ્યું કે, પહેલા અમેરિકાએ જ વૈશ્વિક ક્રૂડની કિંમતોને સંતુલિત રાખવા માટે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપી હતી.
નોંધનીય છે કે, નવારોએ આ પહેલાં પણ કહ્યું હતું કે, અમેરિકા ચીનની ક્રૂડ ઓઇલની ખરીદી પર કાર્યવાહી ન કરી શકે. કારણ કે, ચીનનું અમેરિકા પર આર્થિક દબાણ છે.