World

અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલના પાડોશી જોર્ડન સહિત કુવૈત, બહેરીનમાં ડ્રોન-મિસાઇલ ઝીંક્યા

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
મિડલ-ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ઈરાની સૈન્ય 'IRGC' દ્વારા જોર્ડન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર એકસાથે અનેક મિસાઇલો છોડવામાં આવી છે. ઈરાને જોર્ડનમાં અમેરિકન એરબેઝ અને ડ્રોન હેંગર્સ તબાહ કર્યાનો દાવો કર્યો છે. જોર્ડને પોતાની સરહદ તરફ આવી રહેલી 4 ઈરાની મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલના પાડોશી જોર્ડન સહિત કુવૈત, બહેરીનમાં ડ્રોન-મિસાઇલ ઝીંક્યા
IMAGE - IANS

US Iran War 2026: મિડલ-ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને અમેરિકા તેમજ ઈરાન વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ હવે આસપાસના દેશોને પણ પોતાની લપેટમાં લઈ રહ્યું છે. ઈરાનની સૈન્ય પાંખ 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) દ્વારા જોર્ડન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર એકસાથે અનેક મિસાઇલો છોડવામાં આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

ઈરાનનો દાવો: જોર્ડનમાં અમેરિકન એરબેઝ અને ડ્રોન હેંગર્સ તબાહ

ઈરાને દાવો કર્યો છે કે આ હુમલામાં ઈઝરાયલના પાડોશી દેશ જોર્ડનમાં સ્થિત અમેરિકન એરબેઝના કમાન્ડ સેન્ટર અને ડ્રોન હેંગર્સને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઈરાનની સરકારી મીડિયા 'IRIB' દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે જોર્ડનમાં અમેરિકન સૈન્ય મથકો પર થયેલા આ હુમલા બાદ ત્યાં તમામ ફ્લાઇટ્સની અવરજવર પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં પણ ઈરાને જોર્ડનના 'પ્રિન્સ હસન એરબેઝ' પર ઘણી બેલિસ્ટિક મિસાઇલો છોડીને તેના કમાન્ડ સેન્ટર અને MQ9 ડ્રોનના હેંગર્સને નિશાન બનાવ્યા હતા.

જોર્ડનની સેનાએ હવામાં જ ઈરાની મિસાઇલોને તોડી પાડી

બીજી તરફ, જોર્ડને સત્તાવાર જાહેરાત કરી છે કે તેણે પોતાની સરહદ તરફ આવી રહેલી ઈરાનની ચાર મિસાઇલોને હવામાં જ તોડી પાડી છે. જોર્ડનની સરકારી સમાચાર એજન્સી 'પેટ્રા'એ સેનાના હવાલાથી જણાવ્યું છે કે, આ એન્ટી-મિસાઇલ એક્શન દરમિયાન કોઈ નાગરિકના હતાહત થવાના કે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.

ઈરાની સૈન્યની ચેતવણી: 'અમને અજમાવવાનો પ્રયાસ કરાયો'

ઈરાની સેના (IRGC)એ એક નિવેદન જાહેર કરીને આ હુમલા પાછળનું કારણ જણાવ્યું છે. ઈરાને આક્ષેપ કર્યો છે કે, અપરાધી અમેરિકન સરકારે ઓમાનની સરકાર પર પોતાની મરજી થોપીને ફરી એકવાર અમને અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમેરિકાએ કેટલાક જહાજોને ઉશ્કેરીને 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ની દક્ષિણમાં એક ગેરકાયદેસર દરિયાઈ રસ્તો બનાવવાની કોશિશ કરી હતી, જેને ઈરાનની નૌસેનાએ કડક કાર્યવાહી કરીને રોકી દીધી હતી. આ હારની અકળામણમાં અમેરિકાએ ઈરાનના દક્ષિણી તટ પર આવેલા કેટલાક તટીય વિસ્તારો અને ટેલિકોમ ટાવર્સ પર હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં ઈરાને તુરંત જ આ વળતો પ્રહાર કર્યો છે.

કુવૈત અને બહેરીન પણ ઈરાની મિસાઇલોના નિશાને

સોમવારે સવારે જોર્ડનની સાથે-સાથે બહેરીન અને કુવૈત પણ ઈરાની મિસાઇલો અને રોકેટના નિશાને રહ્યા હતા. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાન દ્વારા થઈ રહેલા આ પલટવારના કારણે બહેરીનમાં સોમવારે ત્રીજી વખત મિસાઇલ એલર્ટના સાયરન ગુંજી ઉઠ્યા હતા, જેના લીધે આખો દેશ હાઈ એલર્ટ પર છે. ઈરાનના મીડિયા અહેવાલ મુજબ, ઈરાની સેનાએ કુવૈતમાં હાજર અમેરિકન સેનાના બે 'હિમાર્સ' (HIMARS) મિસાઇલ લોન્ચર અને તેમના મુખ્ય મિસાઇલ ડેપોને પણ સંપૂર્ણપણે તબાહ કરી દીધા છે.