ઈમરાન ખાનની મોતની અટકળો પર વિરામ: જેલમાં મુલાકાત બાદ બહેને કહ્યું- તેમને ટૉર્ચર કરાયા

Pakistan Imran Khan News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને મંગળવારે (2 ડિસેમ્બર) તેમની બહેન ડૉ. ઉઝમા ખાનને જેલમાં મળવાની મંજૂરી આપવામાં આવી હતી. ઓગસ્ટ-2023થી જેલમાં બંધ ઈમરાન ખાન સાથેની આ મુલાકાત લગભગ એક મહિનાના લાંબા સમય પછી થઈ હતી. આ મુલાકાત બાદ ઈમરાનના મોત અંગે ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
ઈમરાનની તબિયત ઠીક હોવાનો બહેન ઉઝમાનો દાવો
બહેન ડૉ. ઉઝમા ખાને (Uzma Khan) ઈમરાન સાથે મુલાકાત કર્યા બાદ જેલમાંથી બહાર આવીને પુષ્ટિ કરી છે કે, ‘ઈમરાન ખાનની તબિયત ઠીક છે, પરંતુ તેમને જેલમાં પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમને આખો દિવસ એક રૂમમાં બંધ રાખવામાં આવે છે.’ લાંબા સમયથી પરિવારજનોને ઈમરાન ખાનને મળવા દેવામાં આવતા ન હતા, જેના કારણે તેમનું મોત થયું હોવાની અફવા ફેલાઈ હતી.
આ પણ વાંચો : પાકિસ્તાને હદ કરી... શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી
પંજાબમાં કલમ 144 લાગુ
ઈમરાન ખાન મુદ્દે ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે અડિયાલા રોડ પર સંપૂર્ણ રાવલપિંડી પોલીસ ફોર્સ તહેનાત કરી દીધી છે. ઈમરાનની પાર્ટીના વિરોધ પ્રદર્શનોને રોકવા માટે રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, આઠ કિલોમીટરનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્કૂલો અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.
પુત્રએ માંગી હતી જીવિત હોવાની સાબિતી
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી મુલાકાતની મંજૂરી ન મળવાને કારણે ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને એક્સ પર પોસ્ટ કરી હતી. કાસિમે તેમના પિતાના જીવિત હોવાનો પુરાવો રજૂ કરવાની માંગણી કરી હતી. વકીલોના એક જૂથે ઈમરાન ખાનને એકાંતમાં રાખવા બદલ સરકાર વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર પ્રદર્શન પણ કર્યું હતું. ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં અડિયાલા જેલની બહાર છે.
આ પણ વાંચો : ટ્રમ્પની ધમકીઓ છતાં BRICS સામેલ થવા માંગે છે આ દેશ, ભારત પાસે માંગી મદદ

