Get The App

ટ્રમ્પની ધમકીઓ છતાં BRICS સામેલ થવા માંગે છે આ દેશ, ભારત પાસે માંગી મદદ

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની ધમકીઓ છતાં BRICS સામેલ થવા માંગે છે આ દેશ, ભારત પાસે માંગી મદદ 1 - image


Thailand Join BRICS: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) જૂથને 'એન્ટી અમેરિકન બ્લોક' ગણાવીને ટેરિફ લાદવાની વારંવાર ધમકીઓ આપવા છતાં, થાઈલેન્ડ આ જૂથમાં પૂર્ણ સભ્યપદ મેળવવા માટે સક્રિય બન્યું છે. થાઇલેન્ડે આ માટે તેના મહત્ત્વપૂર્ણ ભાગીદાર એવા ભારત પાસે ખાસ સમર્થનની અપીલ કરી છે.

ભારત પાસે મદદની અપીલ

થાઇલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓ સોમવારે (પહેલી ડિસેમ્બર) ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક માટે ભારતની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન થાઇલેન્ડના વિદેશ મંત્રીએ BRICSમાં જોડાવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. થાઇલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓએ જણાવ્યું કે, 'અમારો દેશ BRICSમાં જોડાવામાં રસ ધરાવે છે અને આ માટે અમને ભારતની મદદની જરૂર છે.'

થાઇલેન્ડના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, 'અમે ASEAN, APEC અને BIMSTEC જેવા પ્રાદેશિક મંચો સાથે BRICSને જોડતો સેતુ બનવા માટે તૈયાર છે, અને આ દિશામાં ભારતની ભૂમિકાને તેઓ મહત્ત્વપૂર્ણ માને છે.' નોંધનીય છે કે, ભારત વર્ષ 2026માં બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાને હદ કરી... શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી

થાઇલેન્ડની BRICS યાત્રા

BRICSમાં જોડાવા માટે થાઇલેન્ડે તબક્કાવાર રીતે પગલાં લીધા છે. ઓક્ટોબર 2024માં રશિયાના કાઝાનમાં યોજાયેલી BRICS સમિટ દરમિયાન થાઇલેન્ડને 13 અન્ય દેશો સાથે ભાગીદાર દેશનો દરજ્જો મળ્યો. આ દરજ્જો પહેલી જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે. જૂન 2024માં તત્કાલીન વડાપ્રધાન શ્રેથા થાવિસિનના નેતૃત્વ હેઠળની થાઈ સરકારે BRICSમાં જોડાવા માટે ઔપચારિક ઇરાદા પત્ર રજૂ કર્યો હતો.

હવે 2025માં બ્રાઝિલની અધ્યક્ષતા દરમિયાન, થાઈલેન્ડે સંકેત આપ્યો છે કે તે તેની અરજી પ્રક્રિયાને ઝડપી બનાવશે. થાઇલેન્ડ માને છે કે આ ભાગીદારી વેપાર, રોકાણ, પર્યટન અને ખાદ્ય-ઊર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ઉભરતી અર્થતંત્ર સાથે સહયોગ વધારવાની તક પૂરી પાડે છે.

ટ્રમ્પની ધમકીઓ નિષ્ફળ!

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે BRICSને સતત નકારાત્મક રીતે જોયો છે. તેમણે BRICSને એન્ટી અમેરિકન બ્લોક ગણાવતા વારંવાર 100% સુધીના ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં જાહેરમાં કહ્યું હતું કે, BRICS મૃત્યુ પામ્યો છે અને ઓક્ટોબર 2025માં દાવો કર્યો હતો કે બધા દેશો BRICSમાંથી ખસી રહ્યા છે. જાન્યુઆરી 2025માં તેમણે BRICSને યુએસ ડોલર પર હુમલો ગણાવ્યો હતો.

જો કે, થાઇલેન્ડ જેવી શક્તિશાળી ASEAN અર્થવ્યવસ્થાની BRICSમાં જોડાવાની ઉત્સુકતા ટ્રમ્પના દાવાઓથી વિપરીત BRICSના વધતા આકર્ષણ અને વૈશ્વિક મહત્ત્વને દર્શાવે છે.

Tags :