પાકિસ્તાને હદ કરી... શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી

Pakistan and Sri lanka News : કહેવાય છે કે, 'દુશ્મન ભલે હજાર મળે, પણ દોસ્ત કંગાળ ન મળે'. આ કહેવત આજે શ્રીલંકાની સરકાર અને ત્યાંના પૂર પીડિતો પાકિસ્તાન માટે ચોક્કસપણે બોલી રહ્યા હશે. 'દિતવાહ' વાવાઝોડાથી બેહાલ બનેલા શ્રીલંકાને પાકિસ્તાને મદદના નામે જે રાહત સામગ્રી મોકલી છે, તે એક્સપાયર થયેલી નીકળતા પાકિસ્તાનની આખી દુનિયામાં ફજેતી થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આબરુના ધજાગરા
શ્રીલંકામાં ભારતના રાહત અને બચાવ કાર્યની વાહવાહી થતી જોઈને, પાકિસ્તાન પણ 'બડાઈ' મારવા માટે મેદાનમાં કૂદી પડ્યું. શહબાઝ શરીફ સરકારે તાત્કાલિક ધોરણે શ્રીલંકા માટે ફૂડ આઈટમ્સ રવાના કરી. આ 'મહાન' કાર્યના ફોટા શ્રીલંકામાં આવેલા પાકિસ્તાની દૂતાવાસે ગર્વભેર 'X' (ટ્વિટર) પર શેર પણ કર્યા. પરંતુ, તેમની આ હોશિયારી થોડા કલાકો પણ ન ટકી. જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ ફૂડ પેકેટના ફોટાને ઝૂમ કરીને જોયું, તો તેના પર એક્સપાયરી ડેટ 2024ની લખેલી હતી! મતલબ કે, મદદના નામે પાકિસ્તાને પહેલાથી જ પરેશાન શ્રીલંકાના લોકોને દાઝ્યા પર ડામ આપ્યો હતો. આ મામલો સામે આવતા જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા.

જ્યારે તુર્કિયેનો જ માલ તૂર્કિયેને પધરાવી દીધો!
આવી શરમજનક હરકત પાકિસ્તાને પહેલીવાર નથી કરી. તમને યાદ હશે કે 2023માં તૂર્કિયેમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ ભારતે 'ઓપરેશન દોસ્ત' હેઠળ મોટા પાયે મદદ મોકલી હતી. ભારતની વાહવાહી થતી જોઈને પાકિસ્તાન પણ પાછળ રહેવા માંગતું ન હતું. ખુદ વડાપ્રધાન શહબાઝ શરીફ રાહત સામગ્રી લઈને પહોંચી ગયા. પણ પછી ખબર પડી કે આ એ જ રાહત સામગ્રી હતી જે તૂર્કિયેએ થોડા સમય પહેલાં પાકિસ્તાનમાં આવેલા પૂર વખતે પાકિસ્તાનને મોકલી હતી. મતલબ કે, પાકિસ્તાને તૂર્કિયેનો જ માલ, તૂર્કિયેને જ શરમ વગર પકડાવી દીધો હતો. આ ઘટનાઓ પરથી એવું લાગે છે કે, ભારતની બરાબરી કરવાની ઉતાવળમાં પાકિસ્તાન વારંવાર એવી ભૂલો કરી બેસે છે, જેનાથી મદદ ઓછી અને મજાક વધુ થાય છે.

