Get The App

પર્યાવરણને નુકસાન કરનારા દેશો સામે હવે કેસ કરી શકાશે, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે ICJનું અનોખું વલણ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
પર્યાવરણને નુકસાન કરનારા દેશો સામે હવે કેસ કરી શકાશે, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે ICJનું અનોખું વલણ 1 - image

Image: IANS



Climate Change: ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) દ્વારા તાજેતરમાં એક મહત્ત્વનો નિર્ણય કરાયો છે. મોટા દેશો દ્વારા જે રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે ICJએ મોટી જાહેરાત કરી છે. તેમાં જણાવાયું છે કે, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે કામગીરી કરવામાં નિષ્ફળ રહેલા મોટા દેશો સામે નાના દેશઓ દ્વારા કેસ કરી શકાશે. અમેરિકા, ચીન જેવા પ્રદૂષણ ફેલાવનારા મોટા દેશો સામે હવે આઇસીજેમાં નાના દેશો ફરિયાદ કરી શકશે અને તેના મુદ્દે કેસ પણ ચાલશે. 

આ પણ વાંચોઃ કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્રેમમાં પડ્યાં! રેસ્ટોરાંમાં સીક્રેટ ડીનરનો વીડિયો વાઈરલ

હાલમાં જળવાયુ સંકટ હવે વધારે તીવ્ર બની રહ્યું છે. લોકો માટે પ્રદૂષણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ સંજોગોમાં નાના દેશો વધારે ભોગ બની રહ્યા છે. ખાસ કરીને ટાપુ દેશોને વધારે ભોગવવું પડતું હોવાથી તેમણે આઇસીજેમાં અરજી કરી હતી. આ મુદ્દે આઇસીજેએ કાયદાકીય મત આપતાં જણાવ્યું કે, નાના દેશો આ મુદ્દે મોટા દેશો સામે કેસ કરી શકશે. ક્લાઇમેટ ચેન્જ વર્તમાન સમયની સૌથી મોટી આપત્તિ છે અને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં માનવીય કામગીરીઓ સ્પષ્ટ રીતે જોડાયેલી છે. આ ઉત્સર્જનની સીમા હવે માત્ર ક્ષેત્રીય, પ્રાંતિય કે પછી દેશ સુધી મર્યાદિત નથી રહી. આગામી સમયમાં જો દેશો પોતાના નક્કી કરેલા ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યો પ્રાપ્ત નહીં કરી શકે તો તેને રોંગફૂલ ઍક્ટ ગણાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દુનિયાભરની અદાલતોમાં 2600થી વધારે કેસો ક્લાઇમેટ ચેન્જ અને તેની વિધ્વંશક અસરો માટેના ચાલી રહ્યા છે. તે સંજોગોમાં આ કાયદાકીય સલાહ નવા સમીકરણો રચી શકે તેમ છે. 

આગામી કાયદા રચવામાં ઘણી સરળતા ઊભી થશે

જાણકારોના મતેઆઇસીજે દ્વારા જે મત રજૂ કરવામાં આવ્યો છે અને જે કાયદાકીય સલાહ આપવામાં આવી છે તે આફ્રિકાના કિનારે આવેલા અને અન્ય નાના દ્વિપદેશો માટે ખૂબ જ ફાયદાકારક છે. જેઓ ખાસ પ્રદૂષણ કરતા નથી પણ મોટા દેશોના પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. આવા મોટા દેશો સામે નાના દેશો કેસ કરી શકશે તે ગંભીર બાબત છે. સેન્ટર ફોર ઇન્ટરનેશનલ એન્વાર્યમેન્ટલ લૉના એક વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, આઇસીજેની સલાહને આધારે આગામી સમયમાં આ મુદ્દે કાયદા રચવામાં ઘણી સરળતા ઊભી થશે. નવી ગાઇડલાઇન પ્રમાણે વધારે કાર્બન ઉત્સર્જન કરનારા દેશોને જવાબદાર ગણાવીને કાયદાના કઠેડામાં ઊભા કરી શકાશે. તેમાંય આઇસીજેએ જણાવ્યું છે કે, માત્ર કાર્બન ઉત્સર્જન જ નહીં પણ આવા ઉદ્યોગોને લાયસન્સ આપવા, ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ જેવા જીવાશ્મ ઇંધણોની સબસિડી આપવી અને જળવાયુને નુકસાન પહોંચાડવું પણ ગેરકાયદે કામ જ ગણાશે. કોલસાના ખાણના લાયસન્સ આપવા, તેલ-ગેસ કંપનીઓને સબસિડી આપવી અથવા તો ક્લાઇમેટ ચેન્જ માટે નિયમો થોડા ઢીલા રાખવા જેવી કામગીરથી બીજા દેશને નુકસાન થતું હશે તો મોટા દેશોની આ કામગીરી ચલાવી લેવામાં નહીં આવે. આવી કામગીરી આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદામાં આવશે અને કેસ ચાલી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈંગ 787ના વધુ એક વિમાનમાં સર્જાઈ ખામી, May Day કોલ આપ્યો

અમેરિકા અને ચીન દુનિયાના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક

જાણકારોના મતે, અમેરિકા અને ચીન દુનિયાના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક દેશ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ શાસન દ્વારા થોડા સમય પહેલાં જ ક્લાઇમેટ ચેન્જ એક્શન અંગે પીછેહઠ કરવામાં આવતાં અમેરિકાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. તેના કારણે જ આઇસીજે દ્વારા અપાયેલી સલાહ બાદ નાના દેશો દ્વારા અમેરિકા અને ચીન ઉપર કેસ કરવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. અહીં આઇસીજે દ્વારા ખાસ ટકોર પણ કરવામાં આવી હતી કે, સમુદ્રની સપાટી વધવાના કારણે દેશોના ભૌગોલિક અસ્તિત્વ ઉપર ખતરો સર્જાઈ રહ્યો છે. આગામી સમયમાં જો ભૂભાગ દરિયામાં સમાઈ જાય તો દેશનું અસ્તિત્વ ભૂસાતું નથી. આ સંજોગોમાં તુવાલુ અને વનુઆત જેવા નાના દેશોને રાહત મળી શકે તેમ છે. સૂત્રોના મતે આગામી સમયમાં બ્રાઝિલમાં યોજનારી યુએન ક્લાઇમેટ સમિટ COP30 દરમિયાન આ મુદ્દો ખૂબ જ ગાજવાનો છે. હવે મોટા દેશોની ક્લાઇમેટ ચેન્જ એક્શનની નબળી નીતિઓ અને કામગીરીઓ દરકિનાર કરવામાં આવે તેમ લાગતું નથી. હવે દરેક દેશની જવાબદારી નક્કી કરીને પગલાં લેવાય તેવી સ્થિતિ આવી ગઈ છે. 


Tags :