'...તો શાંતિ સમજૂતી માટે પણ કોઈ નહીં બચે, યુરોપ યુદ્ધ ઈચ્છે છે તો અમે તૈયાર', પુતિનની ધમકી

Putin War Threat : ભારતના પ્રવાસના બરાબર પહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુરોપના નેતાઓને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું, "જો તમે યુદ્ધ ઈચ્છતા હોવ, તો રશિયા તમને હરાવી દેશે. યુરોપિયન શક્તિઓની હાર એટલી નિશ્ચિત અને સંપૂર્ણ હશે કે શાંતિ કરાર કરવા માટે પણ કોઈ બચશે નહીં." પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધને રોકવા માટે અમેરિકી દૂતો મોસ્કોમાં હાજર હતા.
4 ડિસેમ્બરે ભારત આવશે પુતિન
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ પહેલા, મોસ્કોમાં રોકાણ ફોરમને સંબોધિત કરતા પુતિને કહ્યું કે તેમને લડાઈની કોઈ ઈચ્છા નથી, પરંતુ તેમણે ચેતવણી આપી કે, "જો યુરોપ અચાનક અમારી સાથે યુદ્ધ કરવા માંગે અને શરૂ કરે, તો અમે તરત જ તૈયાર છીએ." તેમણે આરોપ લગાવ્યો કે યુરોપ શાંતિ પ્રસ્તાવોમાં એવા ફેરફાર કરી રહ્યું છે જે રશિયાને મંજૂર નથી, અને પછી શાંતિ પ્રક્રિયા રોકવા માટે રશિયાને દોષી ઠેરવી રહ્યું છે.
ટ્રમ્પના દૂતો સાથે 5 કલાકની બંધ બારણે બેઠક
જે સમયે પુતિન આ આક્રમક નિવેદન આપી રહ્યા હતા, તે જ સમયે અમેરિકન પ્રમુખના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર યુક્રેન શાંતિ યોજના પર ચર્ચા કરવા માટે મોસ્કોમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધિત કર્યા પછી, પુતિન અમેરિકી પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ બેઠક લગભગ 5 કલાક સુધી બંધ બારણે ચાલી હતી.
બેઠકમાં શું થયું?
બેઠક બાદ, રશિયન અધિકારીઓએ વાતચીતને 'ઉપયોગી', 'રચનાત્મક' અને 'ખૂબ જ નક્કર' ગણાવી હતી. જોકે, ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી અને બંને પક્ષોએ હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે વાતચીત આગળ પણ ચાલુ રહેશે.

