World

ઈરાનનાં પરમાણુ સંસ્થાનો પર એરસ્ટ્રાઇક કર્યા પછી સમગ્ર અમેરિકામાં હાઈ-એલર્ટ

By GS Team
23 Jun 20253 mins read
This article was originally published on 23 Jun 2025
ઈરાનનાં પરમાણુ સંસ્થાનો પર એરસ્ટ્રાઇક કર્યા પછી સમગ્ર અમેરિકામાં હાઈ-એલર્ટ

પહેલાં કદી ન જોઈ હોય તેવી તબાહી માટે અમેરિકા તૈયાર રહે : ખામેનેઇ

સત્તાવાળાઓની નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ પદાર્થ કે હિલચાલથી દૂર રહેવા અને પોલીસને જાણ કરવા તાકીદ

વૉશિંગ્ટન: ઇરાનનાં પરમાણુ સંસ્થાનો પર એર-સ્ટ્રાઈક પછી સમગ્ર અમેરિકામાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. દરમિયાન ઈરાનનાં પરમાણુ સંસ્થાનોના નાશ પછી ધૂંધવાઈ ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીએ ખુલ્લો પડકાર ફેંકતાં જણાવી દીધું છે કે, પૂર્વે કદી ન જોઈ હોય તેવી તબાહી માટે હવે અમેરિકા તૈયાર રહે. આ સાથે ન્યૂયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ઓસામા બિન લાદેને કરાવેલા સંહારક એરોપ્લેન-હુમલાની યાદ પણ તાજી થઈ ગઈ છે.

સંભવ બહુ સ્પષ્ટ છે કે ટ્રમ્પે આ પ્રચંડ હુમલાઓ પૂર્વે દેશની આંતરિક સલામતી વિષે વિચારી જ લીધું હશે.

અમેરિકાનાં દરેક શહેરોમાં વિશેષતઃ મોટાં શહેરોમાં નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ વસ્તુથી દૂર રહેવા જણાવી દીધું છે. સાથે તેવી પણ સૂચના આપી છે કે કોઈપણ શંકાસ્પદ હીલ-ચાલ જોવા મળે કે કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તુર્ત જ પોલીસને જાણ કરવી. વાત બહુ સીધી છે. મધ્યપૂર્વની સ્થિતિ લગભગ વિસ્ફોટક બની રહેતાં સત્તાવાળાઓએ આ ચેતવણી આપી છે, સાથે અગ્નિ-શામકો અને આપત્તિ કાલીન સહાયકર્મીઓ તેમજ સ્વયં સેવકોને તૈનાત રહેવા જણાવી દેવાયું છે.

ન્યૂયોર્ક સીટી પોલીસે જણાવ્યું હતું કે ઇરાનમાં બની રહેલી ઘટનાઓ ઉપર તેઓ સતત નજર રાખી રહ્યાં છે. ન્યૂયોર્કમાં રહેલાં તમામ ધાર્મિક સંસ્થાનો, સાંસ્કૃતિક કેન્દ્રો, શૈક્ષણિક કેન્દ્રો અને રાજદ્વારી કાર્યાલયોની સલામતી માટે સવિશેષ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. મિત્ર દેશોના દૂતાવાસોનાં રક્ષણ માટે પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની ભીતિ માટે અમે સતત જાગૃત છીએ.

આ પછી લગભગ તુર્ત જ પાટનગર વૉશિંગ્ટન (ડીસી)નાં પોલીસ તંત્રે એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે, અમે સ્થાનિક, રાજ્યસ્તરની અને સમવાયતંત્રી લૉ-એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે માહિતીની આપ-લે કરતા જ રહીએ છીએ. તેમજ જાસૂસી માહિતી પણ મેળવતા રહીએ છીએ. જેથી શહેરીજનો અને વ્યાપાર સંકુલો તેમજ ધાર્મિક સંસ્થાનોનું રક્ષણ કરવા પૂરી વ્યવસ્થા ગોઠવી રહ્યાં છીએ. અત્યારે કોઈ ભીતિ દેખાતી નથી પરંતુ ક્યારે શું થશે તે કહી શકાય તેમ નથી. લોસએન્જલસનાં મેયર કોરન બાસે ઠ ઉપરના પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન પર હવાઈ હુમલા થયા પછી શહેરમાં નાગરિકોની સલામતી માટે અમે સતત સતર્ક રહ્યાં છીએ. ભલે તત્કાળ કોઈ ભીતિ દેખાતી ન હોય છતાં પરિસ્થિતિનો તકાદો જ તેવો છે કે જનતાની સલામતી માટે સતત તૈયાર રહેવું જ પડે તેમ છે.

દરમિયાન ખામેનીએ કહી દીધું છે કે પહેલાં કદી ન જોઈ હોય તેવી તબાહી માટે અમેરિકા તૈયાર રહે. ઈરાનનાં સ્ટેટ ટેલિવિઝને પણ ટ્રમ્પને ચેતવણી આપતાં કહ્યું છે કે, અમેરિકાએ અમારી આકાશ સીમા ભેદી છે. હવે પશ્ચિમ એશિયામાં રહેલાં દરેક અમેરિકન સૈનિક કે અમેરિકન નાગરિક અમારાં નિશાન પર છે. મિ. પ્રેસિડેન્ટ યુ સ્ટાર્ટેડ ઈટ એન્ડ વી વિલ એન્ડ ઈટ.

તેના વળતા જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો વળતો હુમલો કરાશે તો તેનો તેથી પણ કટ્ટર જવાબ અપાશે.

ટૂંકમાં મધ્યપૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક બની રહી છે. ભીતિ તે છે કે આ મહાયુદ્ધ વિશ્વયુદ્ધને ન નોતરે.