World

પેરાગ્વેમાં પૈસા માટે અડધો દેશ રઝળી પડ્યો, ડિજિટલ બૅંકિંગ સિસ્ટમ ખાડે જતા રાષ્ટ્રપતિએ ખુરશી ગુમાવી

By GS Team
6 Nov 20265 mins read
TukuTouch Logo
પેરાગ્વેમાં ueno નિયોબેંકના પતનથી રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાને રાજીનામું આપવું પડ્યું છે. આ ડિજિટલ બેંકે ભ્રષ્ટાચાર આચરી, જોખમી લોન આપી અને નિયમોનો ભંગ કર્યો. 30 લાખ ગ્રાહકોના $850 મિલિયન ફસાયા, જેને કારણે દેશમાં આર્થિક અને રાજકીય સંકટ ઊભું થયું. સેન્ટ્રલ બૅંકે બૅંકનું સંચાલન સંભાળી લીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેરાગ્વેમાં પૈસા માટે અડધો દેશ રઝળી પડ્યો, ડિજિટલ બૅંકિંગ સિસ્ટમ ખાડે જતા રાષ્ટ્રપતિએ ખુરશી ગુમાવી

How a Neobank Meltdown Collapsed Paraguay’s Presidency: જો દેશની કોઈ મોટી બૅંક અચાનક ડૂબી જાય અને અડધાથી વધુ વસ્તીના ખાતા ફ્રીઝ થઈ જાય તો શું થાય? દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં અત્યારે આવો જ ખૌફનાક માહોલ છે. લોકોની આખી જિંદગીની કમાણી અટવાઈ ગઈ છે, કર્મચારીઓ રસ્તા પર ઉતરીને પોતાના ક્રેડિટ કાર્ડ સળગાવી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે આ કટોકટીના કારણે દેશના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાએ પણ ખુરશી છોડવાનો વારો આવ્યો છે.

ચાલો જાણીએ કે આખરે પેરાગ્વેમાં આટલો મોટો ભૂકંપ કેવી રીતે આવ્યો અને તેમાં ueno બૅંકની શું ભૂમિકા છે.

ueno બૅંક શું છે, તે આટલી મોટી કેવી રીતે બની?

ueno એક ડિજિટલ બૅંક છે. આ બૅંક કોઈ પરંપરાગત શાખાઓ ધરાવતી બૅંક નથી, પરંતુ સંપૂર્ણપણે સ્માર્ટફોન અને ટૅક્નોલૉજી આધારિત ચાલતી એક 'નિયો બૅંક' (Neobank) એટલે કે ફિનટેક પેઢી છે.

વર્ષ 2023માં બૅંકિંગ લાયસન્સ મેળવ્યા પછી આ બૅંકે કરિયાણા પર ભારે કેશબેક આપીને ગ્રાહકોને આકર્ષ્યા અને 70થી વધુ સ્થળે વિસ્તરણ કર્યું. તે પેરાગ્વેની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની સ્પોન્સર પણ બની. આક્રમક માર્કેટિંગ અને ડિજિટલ સર્વિસના કારણે ueno ટૂંકા ગાળામાં જ પેરાગ્વેના નાણાકીય ક્ષેત્રમાં એક ક્રાંતિ તરીકે ઉભરી આવી. ખાસ કરીને જે લોકો પરંપરાગત બૅંકિંગ સેવાઓથી દૂર હતા, તેમને આ પ્લેટફોર્મે ખૂબ જ સરળતાથી બૅંકિંગ સાથે જોડ્યા. માત્ર થોડા જ સમયમાં, 65 લાખની વસ્તી ધરાવતા પેરાગ્વેના લગભગ 30 લાખ લોકો આ બૅંકના ગ્રાહક બની ગયા. બૅંક પાસે સરકારી સંસ્થાઓ અને પેન્શન ફંડના આશરે $850 મિલિયન જેટલા જંગી ભંડોળનું સંચાલન પણ હતું. આટલી જંગી મૂડી અને લોકોના વિશ્વાસને કારણે ueno દેશની સૌથી પ્રભાવશાળી અને સફળ નાણાકીય સંસ્થાઓમાંની એક ગણાવા લાગી હતી.

તો પછી કટોકટી કેમ સર્જાઈ?

અહેવાલો મુજબ, આ બૅંકે નિયમો નેવે મૂકી દીધા તેથી એની પડતી થઈ છે. જેમ કે…

કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને જોખમી લોન આપી

કોઈપણ બૅંક સામાન્ય માણસ કે કંપનીને લોન આપે ત્યારે તેમની આવક અને લોન ચૂકવવાની ક્ષમતાની કડક ચકાસણી કરે છે. પરંતુ ueno બૅંકના કિસ્સામાં મોટો ભ્રષ્ટાચાર થયો. બૅંક પર જે જૂથનો કાબૂ હતો (જેમ કે, ગ્રુપો વાઝક્વેઝ) તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો. તેમણે બૅંકના નિયમોને નેવે મૂકીને પોતાની જ અન્ય ખાનગી કંપનીઓને આડેધડ લોન આપી દીધી. આ લોન 'જોખમી' હતી કારણ કે તેની સામે કોઈ યોગ્ય ગેરંટી લેવાઈ નહોતી અને તે કંપનીઓ કદાચ પૈસા પાછા આપી શકે તેમ નહોતી.

સપ્ટેમ્બર 2025ના રોજ $39 મિલિયનનો ખેલ

આ કૌભાંડમાં સપ્ટેમ્બર 2025નો એક દિવસ સૌથી મોટો વળાંક સાબિત થયો. માત્ર 24 કલાકની અંદર બૅંકમાંથી $39 મિલિયન જેટલી જંગી રકમ માલિકો સાથે જોડાયેલી અન્ય કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ. આ પૈસા બૅંકના માલિકોના ન હતા, સામાન્ય ગ્રાહકોની બચત અને સરકારી પેન્શન ફંડના હતા. એક જ દિવસમાં આટલી મોટી રકમ સગેવગે થવાથી નાણાકીય નિયામકો (રેગ્યુલેટર્સ)ના રડારમાં આ બૅંક આવી ગઈ.

સોલ્વન્સી નિયમોનો ભંગ, બૅંકનો ખજાનો ખાલી

બૅંકિંગ સિસ્ટમમાં 'સોલ્વન્સી' (Solvency)નો નિયમ બહુ મહત્ત્વનો છે. આ નિયમ મુજબ, દરેક બૅંકે પોતાની પાસે અમુક ચોક્કસ ટકાવારીમાં રોકડ (અનામત) હંમેશાં રાખવી જ પડે છે. આ એટલા માટે જરૂરી છે જેથી ગ્રાહકો જ્યારે પોતાના પૈસા ઉપાડવા માંગે ત્યારે બૅંક તેમને તરત ચૂકવી શકે.

પરંતુ ueno બૅંકે પોતાના જ માલિકોની કંપનીઓને કરોડો ડોલરની લોન આપી દીધી હોવાથી બૅંક પાસે રોકડની ભારે અછત ઊભી થઈ. જ્યારે સામાન્ય ગ્રાહકો પોતાના જમા પૈસા પાછા લેવા આવ્યા, ત્યારે બૅંક પાસે તેમને ચૂકવવા માટે પૂરતા પૈસા બચ્યા જ નહોતા. એટલે કે બૅંક નાદાર (કંગાળ) થવાની અણી પર આવી ગઈ હતી, જે સોલ્વન્સી નિયમનો ભંગ હતો.

સેન્ટ્રલ બૅંકની લાલ આંખઃ કાર્યવાહી કરી

દેશની સેન્ટ્રલ બૅંકને ખબર પડી કે ueno બૅંક પાસે ગ્રાહકોને ચૂકવવાના પૈસા નથી અને મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે ત્યારે તેણે ગ્રાહકોના હિતના રક્ષણ માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો. ત્યાર પછી 3 નવેમ્બર, મંગળવારે સેન્ટ્રલ બૅંકે કડક પગલાં લઈને ueno બૅંકનું આખું સંચાલન પોતાના હાથમાં (ટેકઓવર) લઈ લીધું. તેણે તાત્કાલિક અસરથી બૅંકની તમામ બ્રાન્ચ, મોબાઈલ એપ અને ઓનલાઈન ટ્રાન્સફર સર્વિસ બંધ કરી દીધી. આ પગલું લેવાનું કારણ એ હતું કે, બૅંકના સંચાલકો બાકી બચેલા પૈસા પણ સગેવગે ન કરી શકે અને અન્ય બૅંકોની મદદથી ગ્રાહકોને તેમના પૈસા ધીમે ધીમે પાછા આપી શકાય.

સામાન્ય જનતા અને કર્મચારીઓ પર અસર

આ કટોકટીથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. બૅંકની એપ, કાર્ડ અને તમામ ટ્રાન્સફર સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અન્ય બૅંકોમાં ખાતા ખોલાવવા જતાં તેમની મોબાઇલ ઍપ્લિકેશનો પણ ક્રેશ થઈ ગઈ છે. ueno બૅંક બંધ થવાને કારણે લગભગ 7000 જેટલા યુવા કર્મચારીઓના પગાર અટકી ગયા. તેથી તેઓ શ્રમ મંત્રાલયની બહાર વિરોધ કરવા બેસી ગયા છે. ઉપરાંત, અંદાજે 32000 જેટલા પેન્શનરો પણ પ્રભાવિત થયા છે; તેમના ખાતા હવે અન્ય બૅંકોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સત્તાવાળાઓ નાના ખાતાધારકોને(લગભગ $1600 સુધીના) પાંચ દિવસમાં પૈસા ચૂકવવાની ખાતરી આપીને માહોલ શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજકીય ભૂકંપ, રાષ્ટ્રપતિનું પતન

આ આખી ઘટનામાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાનું નામ ઉછળતાં મોટો રાજકીય વિવાદ સર્જાયો. પેના અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. બૅંક ચલાવતા જૂથ સાથે તેમના જૂના વ્યાપારી સંબંધો હતા. વિપક્ષે તેમના પર પેન્શન ફંડનો દુરુપયોગ અને કૌભાંડ છુપાવવાનો ગંભીર આરોપ લગાવ્યો. સત્તાધારી કોલોરાડો પાર્ટીમાં પણ મોટું ભંગાણ પડ્યું. પાર્ટીના વરિષ્ઠ નેતા હોરાસિયો કાર્ટેસે મહાભિયોગની માંગણી કરી. જનતાનો રોષ અને મહાભિયોગની કાર્યવાહીના દબાણ હેઠળ રાષ્ટ્રપતિ પેનાએ ગુરુવારે રાજીનામું આપવું પડ્યું.

પેરાગ્વેની બૅંકિંગ શાખ ધોવાઈ ગઈ

હાલમાં બૅંકના પ્રમુખે આત્મસમર્પણ કર્યું છે અને અન્ય આઠ ઉચ્ચ અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કરાયા છે. સેન્ટ્રલ બૅંકના પ્રમુખ કાર્લોસ કાર્વાલોએ પણ રાજીનામું આપી દીધું છે. પેરાગ્વેએ વર્ષોથી વિદેશી રોકાણકારો માટે પોતાને એક સ્થિર દેશ તરીકે રજૂ કર્યો હતો, પરંતુ આ બૅંકિંગ કટોકટીએ દેશના અર્થતંત્ર અને રાજકીય સ્થિરતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.