For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતી ડૉ. ધર્મેશે 'સંતાનોના રક્ષણ' માટે કાર 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી, ડૉક્ટરનો ખુલાસો

જાન્યુઆરી ૨૦૨૩ની દુર્ઘટનામાં બે મનોવૈજ્ઞાનિકોનો નવો ખુલાસો

Updated: Apr 29th, 2024

ગુજરાતી ડૉ. ધર્મેશે 'સંતાનોના રક્ષણ' માટે કાર 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી, ડૉક્ટરનો ખુલાસો

US NEWS | અમેરિકાના કેલિફોર્નિયામાં જાન્યુઆરી ૨૦૨૩માં ગુજરાતી રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલે પત્ની અને ૪ તથા ૭ વર્ષના સંતાનો સાથે તેમની કાર તિવ્ર ગતિએ ૨૫૦ ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી. આ ઘટનામાં હવે નવો ખૂલાસો થયો છે. બે મનોવૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે કે પરિવારની હત્યાના આરોપોનો સામનો કરનારા ડૉ. ધર્મેશ પટેલ માનસિક બીમારીથી પીડીત છે અને દુર્ઘટના સમયે માનસિક હતાશામાં સંતાનોનું રક્ષણ કરવા માટે તેમની કાર હાફ મૂન ડે હાઈવે નજીક ડેવિલ્સ સાઈડની ૨૫૦ ફૂટ ઊંડી ખાઈમાં નાંખી હતી.

અમેરિકામાં કેલિફોર્નિયાના પસાડેનાના રહેવાસી ૪૨ વર્ષીય ગુજરાતી ડૉ. ધર્મેશ પટેલ ટેસ્લા કારમાં પત્ની અને ચાર તથા સાત વર્ષના સંતાનો સાથે હાફ મૂન ડે નજીક હાઈવે-૧ પર ડેવિલ્સ સાઈડ ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમણે કાર ૨૫૦ ફૂટ ઊંડી ખીણમાં નાંખી દીધી હતી. જોકે, આ દુર્ઘટનામાં પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. 

આ દુર્ઘટના સમયે શરૂઆતમાં ડૉ. ધર્મેશ પટેલે કહ્યું હતું કે ટાયરની સમસ્યાના કારણે તેમની ટેસ્લા કાર ખીણમાં પડી હતી. પરંતુ પાછળથી તેની પત્નીએ કહ્યું હતું કે, તેનો પતિ ડિપ્રેશનમાં હતો અને તેણે ઈરાદાપૂર્વક કારને ઊંડી ખીણમાં નાંખી છે. આ ઘટના પછી ધર્મેશ પટેલ સામે પરિવારની હત્યાનો ત્રણ કાઉન્ટનો આરોપ મૂકાયો હતો અને તેને જેલમાં મોકલી દેવાયો હતો. જોકે, હવે આ ઘટનામાં નવો ખુલાસો થયો છે.

ડૉ. માર્ક  પેટરસનનું કહેવું છે કે ધર્મેશ પટેલ 'સાયકોસિસ'નામની માનસિક બીમારીથી પીડિત હતો, જેના કારણે તેણે કાર ઊંડી ખીણમાં નાંખવાનું આઘાતજનક પગલું લીધું હતું. ધર્મેશ પટેલને એવો ભ્રમ હતો કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. તેને સતત એવો ભય હતો કે સંતાનોનું સેક્સ ટ્રાફિકિંગ માટે અપહરણ થઈ જશે. આવા સમયે 'પરિવારના રક્ષણ' માટે તેણે અચાનક જ કારને ઊંડી ખીણમાં નાંખવાનું આઘાતજનક પગલું લીધું હતું.

આ કેસમાં માર્ક પેટરસન અને જેમ્સ આર્મોન્ટ્રોટ નામના બે મનોવૈજ્ઞાાનિકોએ ૨૪ એપ્રિલે ધર્મેશ પટેલના બચાવમાં જુબાની આપી હતી. હવે ધર્મેશ પટેલે માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમની માગ કરી છે. આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ ધર્મેશને માનસિક સારવારની જરૂર હોવાનો નિર્ણય કરે તો તેને જેલમાંથી છોડી મુકવામાં આવે તેવી શક્યતા છે. જો કે ફરિયાદીઓએ કેસમાં આવેલા માનસિક બીમારીના વળાંકનો વિરોધ કર્યો છે અને દલીલ કરી છે કે તેમના ડોક્ટરના મતે પટેલને 'સાયકોટિક' માનસિક બીમારી નહોતી પણ તે 'સિઝોઅફેક્ટીવ' બીમારીથી પીડાતો હતો અને તેના પર પ્રસ્તાવિત સારવારની કોઈ અસર નહિ થાય.

Gujarat