For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુક્રેન-રશિયાના યુધ્ધ વચ્ચે ગ્રીસ અને તુર્કીએ પણ એક બીજા સામે બાંયો ચઢાવી, યુરોપ ટેન્શનમાં

Updated: Nov 4th, 2022

યુક્રેન-રશિયાના યુધ્ધ વચ્ચે ગ્રીસ અને તુર્કીએ પણ એક બીજા સામે બાંયો ચઢાવી, યુરોપ ટેન્શનમાં

નવી દિલ્હી,તા.4 નવેમ્બર 2022,શુક્રવાર

રશિયા અને યુ્ક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના માહોલમાં નાટો જૂથના બે શક્તિશાળી દેશ ગ્રીસ અને તુર્કી વચ્ચે પણ ટકરાવના ભણકારા વાગી રહ્યા છે અને તેના કારણે યુરોપ વધારે ટેન્શનમાં છે.

 આ બંને દેશો નાટોમાં 1952માં એક સાથે સામેલ થયા હતા.જોકે તે પહેલાથી બંને દેશો વચ્ચે સબંધ ખરાબ રહ્યા છે.એજિયન સમુદ્ર પર પોતાના અધિકારીને લઈને આ બંને દેશો ફરી એક બીજાની સામે બાથ ભીડવા માટે બાંયો ચઢાવી રહ્યા છે.

ગ્રીસ અને તુર્કી નાટો માટે વ્યૂહાત્મક રીતે બહુ મહત્વના છે.બંને દેશો પાસે નોંધપાત્ર સૈન્ય શક્તિ પણ છે.તુર્કી સાથેના વિવાદના કારણે ગ્રીસ પોતાના કુલ બજેટના બે ટકા સતત સંરક્ષણ પાછળ ખર્ચ કરતુ આવ્યુ છે.

ગ્રીસ પોતાની વાયુસેનાને મજબૂત બનાવવા માટે ફ્રાન્સ પાસેથી 24 રાફેલ વિમાન ખરીદી ચુકયુ છે.ગ્રીસ પાસે અમેરિકન બનાવટના એફ-16 વિમાનોનો મોટો કાફલો છે.જેને તે અપડેટ પણ કરી રહ્યુ છે.તુર્કીના ડ્રોનનો મુકાબલો કરવા માટે ગ્રીસે ઈઝરાયેલની આયરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે.ગ્રીસ સબમરિન વિરોધી હેલિકોપ્ટર્સ પણ ખરીદવા જઈ રહ્યુ છે.

ગ્રીસ પાસે ટેન્કોનો પણ મોટો કાફલો છે.તો બીજી તરફ તુર્કી પાસે પોતાના ઘાતક બયરક્તાર પ્રકારના ડ્રોન છે.જેણે યુક્રેન અને રશિયા યુધ્ધથી દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે.અન્ય નાટો દેશો કરતા તુર્કી પાસે સૌથી મોટી નૌસેના અને મોટી સંખ્યામાં ફાઈટર જેટસ મોજુદ છે.

તુર્કી ગ્રીસનો મુકાબલો કરવા માટે જર્મની પાસેથી છ સબમરિન પણ ખરીદવા જઈ રહ્યુ છે.ગ્રીસ પાસે જર્મનીની જ ચાર સબમરિન છે.તુર્કીની ઈકોનોમી પણ ગ્રીસ કરતા વધારે મોટી છે.તુર્કી ડિફેન્સ બજેટ પણ વધારવા જઈ રહ્યુ છે.

આ બંને દેશો વચ્ચે 1974માં સાઈપ્રસ વોર વખતે અને 1996માં ઈમિયા નામના વિસ્તાર માટે ઘર્ષણ થયુ હતુ.બંને દેશો વચ્ચે વિવાદનુ એક કારણ સાઈપ્રસના ભાગલા પણ છે.જોકે વધારે વિવાદ એજિયન અને પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ટાપુઓના અધિકારીને લઈને છે.

બંને દેશ પોતાના પોતાની હવાઈ સીમાના ભંગનો સામેના દેશ પર આરોપ લગાવતા આવ્યા છે.તુર્કીનુ કહેવુ છે કે, ગ્રીસ એજિયન સમુદ્રમાં ટાપુઓ પર કબ્જો કરી રહ્યુ છે અને તેના માટે અમે જે પણ જરુરી હશે તે કાર્યવાહી કરશે.

તો ગ્રીસે કહ્યુ છે કે, જો તુર્કીએ કોઈ પણ જાતનો હુમલો કર્યો તો ગ્રીસ પણ તબાહી સર્જાય તેવો જવાબ આપશે.

Gujarat