ઈઝરાયલનો ફરી ગાઝામાં ભયાનક હુમલો, 100 ઠેકાણાને નિશાન બનાવ્યા, 17 મહિલા, 10 બાળકો સહિત 40ના મોત
Israel-Gaza War : ઈઝરાયલે ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યો છે. ઈઝરાયેલી સેનાએ ગાઝામાં 100 ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં 17 મહિલાઓ, 10 બાળકો સહિત 40 લોકોના મોત થયા છે. એકતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વોશિંગ્ટન જઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત મુલાકાત કરી છે. અમેરિકા ઈઝરાયલ-હમાસનું યુદ્ધ બંધ કરાવવા સંઘર્ષ વિરામ યોજનાને અંતિમ રૂપ આપવામાં માંગે છે, તો બીજીતરફ ગાઝામાં રોજબરોજ થતા હુમલાઓમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.
એક જ પરિવારના 10 લોકોના મોત
ગાઝાના ખાન યુનુસ શહેરના નાસિર હોસ્પિટલે કહ્યું કે, ‘મૃતકોમાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત 10 લોકોના મોત થયા છે.’ 40 લોકોને મોતને ઘાટ ઉતારવા છતાં ઈઝરાયલી સેનાએ હુમલાની પુષ્ટી કરી નથી, પરંતુ સેનાએ કહ્યું કે, ‘છેલ્લા 24 કલાકમાં જ્યાં હમાસના લોકો, હથિયારોનો જથ્થો, સુરંગો, રૉકેટ લોન્ચર હતા, તેવા 100 ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.’
આ પણ વાંચો : ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ ભારત માટે 'વોટર બોમ્બ'... અરૂણાચલના CMની ચેતવણી
યુદ્ધમાં 57000 પેલેસ્ટાઈનીઓના મોત
વર્ષ 2023માં સાતમી ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર ઘાતક હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકોના મોત થયા હતા. આ દરમિયાન હમાસના લોકો 251 ઈઝરાયલીઓને બંધક બનાવીને લઈ ગયા હતા. ત્યારબાદ ઈઝરાયલે ગાઝામાં સૈન્ય અભિયાન શરૂ કરી હમાસના અનેક લોકોને ઠાર કર્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં 57000થી વધુ લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : હુથી બળવાખોરોનો રાતા સમુદ્રમાં મિસાઈલ હુમલો, ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ, જુઓ VIDEO