World

બાંગ્લાદેશમાં ગાર્મેન્ટ કારીગરોની હડતાળ : પગાર વધારા માટે સેંકડો કારીગરો માર્ગો પર : માર્ગો જામ

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હજારો ગાર્મેન્ટ કારીગરોએ ન્યૂનતમ મજૂરી વધારવાની માંગ સાથે પ્રચંડ વિરોધ પ્રદર્શનો કર્યા. મીરપુરમાં સૌથી વધુ રમખાણો થયા, જ્યાં વાહનોની તોડફોડ કરાઈ. ઢાકા-તંગેલ હાઇવે જામ થતાં પોલીસે ટીયરગેસ છોડવો પડ્યો. વડાપ્રધાને તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી, પરંતુ તે પહેલાં જ તોફાનો ફાટી નીકળ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં ગાર્મેન્ટ કારીગરોની હડતાળ : પગાર વધારા માટે સેંકડો કારીગરો માર્ગો પર : માર્ગો જામ
  • વડાપ્રધાને ઈમર્જન્સી કેબિનેટ બેઠક બોલાવી
  • પોલીસને ટીયરગેસ છોડવો પડયો : મીરપુરમાં સૌથી વધુ રમખાણો, ઢાકા-તંગેલ હાઇવે જામ : વાહનોની તોડફોડ કરાઈ

ઢાકા : બાંગ્લાદેશનાં આ પાટનગરમાં પ્રચંડ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. સોમવાર સવારથી જ હજારો ગાર્મેન્ટ કારીગરો માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા. તેઓ પોતાની ન્યૂનતમ મજૂરી વર્તમાન મજૂરીથી બેગણી કરતાં પણ વધુ માગી રહ્યા છે. તેઓ મુખ્ય ધોરીમાર્ગો બંધ કરી રહ્યા છે. આ દેખાવો ઢાકા ઉપરાંત અન્ય અનેક શહેરોમાં પણ ફેલાઈ ગયા છે. તેમણે ઢાકા-તંગેલ હાઇવે તો એવો સખત જામ કરી દીધો હતો કે, પોલીસને દેખાવકારોને દૂર કરવા ટીયરગેસનો ઉપયોગ કરવો પડયો હતો.
વાસ્તવમાં આવી કોઈ ઘટના બનવાની છે, તેવા જાસૂસી અહેવાલો પહોંચી જતાં વડાપ્રધાન તારિક રહેમાને તેમની કેબિનેટની આપાતકાલીન બેઠક બોલાવી હતી અને તેના નિર્ણયો પ્રસિદ્ધ થાય તે પહેલાં તો તોફાનો ફાટી નીકળ્યાં હતાં. સૌથી વધુ તોફાનો મીરપુરમાં થયા હતા ત્યાં કામદારોએ વ્યાપક તોફાનો કર્યા હતા અને અનેક વાહનોની તોડફોડ કરી હતી.
તૈયાર કપડા વિશ્વબજારમાં સૌથી વધુ વેચનાર દેશ ચીન છે, તે પછી બાંગ્લાદેશ બીજા ક્રમે છે. બાંગ્લાદેશમાં અત્યારે દર મહિને કામદારોને ૧૩,૦૦૦ ટકા મળે છે. તેઓ ૩૦,૦૦૦ ટકા માગે છે, જે ભારતીય કરન્સીમાં રૃા. ૨૩,૦૦૦ થવા જાય છે.
ગૃહમંત્રી સલાલુદ્દીન અહમદે તે પછી પત્રકારોને જણાવ્યું હતું કે, 'વડાપ્રધાને તેમ કહ્યું હતું કે આપણે કર્મચારીઓના અધિકારો નિશ્ચિત કરવા પડે, જેથી તેમના જીવન સ્તર સુધરે તેમજ ઉત્પાદન અને નિકાસનું કાર્ય વણથંભ્યું ચાલુ રાખવું પડે.'
વધુમાં કહ્યું કે અમે કાનૂન અમલી કરનારી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે, તેઓ હિંસા, ઉપદ્રવ તથા અનાવશ્યક અનુશાસન હીનતા તથા અશાંતિ ફેલાવનારાં તત્વો સામે સખત કાર્યવાહી કરે.
બીજી તરફ 'એકોતા ગારમેન્ટસ્ શ્રમિક ફેડરેશન'ના મહામંત્રી કામરૂલ હસને સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, કેટલાક મઝદૂર નેતા છુપાઈ ગયા છે. વાસ્તવમાં અશાંતિ ઈચ્છતા જ નથી. કારણ કે 'વેતન-બોર્ડ' તો પહેલાથી જ તૈયાર થઈ ગયું હતું, પરંતુ તેનો કોઈ અમલ ન થતાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
જ્યારે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પુષ્ટિ કરી હતી કે ઢાકા અને તેની આસપાસનાં ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે સાવર, અશુબિયા, જિરાની અને ગાઝીપુરમાં ૫૨૯ ફેકટરીઓમાં કર્મચારીઓ ગઈકાલે પોતાનું કામકાજ છોડી ચાલ્યા ગયા છે.