UK, કેનેડા બાદ ફ્રાંસે પણ પેલેસ્ટાઈનને માન્યતા આપતા ઈઝરાયલ અને અમેરિકાને ઝટકો
Israel-Palestine conflict: ફ્રાન્સના પ્રમુખ મૈક્રોંએ સોમવારે કહ્યું કે, ફ્રાન્સ સત્તાવાર રીતે પેલેસ્ટાઇનને માન્યતા આપે છે. આ પગલું ફ્રાન્સ અને સાઉદી અરબની અધ્યક્ષતામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દરમિયાન લેવામાં આવ્યું હતું, જેનો હેતું ઈઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદને ટૂ-નેશન સમાધાન માટે નવા સ્તરે સમર્થન અને પ્રોત્સાહન આપવાનો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હૉલમાં હાજર 140થી વધુ નેતાઓએ ફ્રાન્સના પ્રમુખ મેક્રોનની જાહેરાતને વધાવી લીધી. મેક્રોને કહ્યું કે, 'મધ્ય પૂર્વમાં અને ઈઝરાયલીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચે શાંતિ માટે મારા દેશની ઐતિહાસિક પ્રતિબદ્ધતા અનુસાર, હું આજે જાહેર કરું છું કે ફ્રાન્સ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપે છે.'
જોકે, આ બેઠક અને પેલેસ્ટિનિયન રાજ્યની વિસ્તૃત માન્યતાનો જમીન પર કોઈ વાસ્તવિક પ્રભાવ પડવાની શક્યતા ઓછી છે, જ્યાં ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં વધુ એક મોટું આક્રમણ કરી રહ્યું છે અને કબજા હેઠળના પશ્ચિમ કાંઠે વસાહતોનો વિસ્તાર કરી રહ્યો છે.
પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત
મેક્રોને બેઠકની શરૂઆતમાં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની જાહેરાત કરી, જ્યાં ઘણા વિશ્વ નેતાઓ બોલે તેવી અપેક્ષા હતી. પેલેસ્ટાઇનના પ્રમુખ મહેમૂદ અબ્બાસ વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠકને સંબોધિત કરે તેવી અપેક્ષા છે, કારણ કે તેમને અને ડઝનબંધ અન્ય વરિષ્ઠ પેલેસ્ટાઇન અધિકારીઓને કોન્ફરન્સમાં હાજરી આપવા માટે અમેરિન વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
પેલેસ્ટિનિયનો માટે રાજ્યનો દરજ્જો એક અધિકાર છે
સંયુક્ત રાષ્ટ્ર સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે, પેલેસ્ટિાઇનના નાગરિકો માટે રાજ્યનો દરજ્જો એક અધિકાર છે, પુરસ્કાર નહીં. આ ઈઝરાયલી સરકારના વિરોધમાં હતું, જે દલીલ કરે છે કે રાજ્યનો દરજ્જો આપવાથી હમાસને ફાયદો થશે, જેણે ગાઝામાં 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો જેના કારણે બે વર્ષ પહેલાં યુદ્ધ શરૂ થયું હતું.
બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પેલેસ્ટાઇન આપી માન્યતા
બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે રવિવારે પેલેસ્ટાઇનને માન્યતા આપી, અને પેલેસ્ટાઇનીઓને આશા છે કે આગામી દિવસોમાં કુલ 10 દેશો આવું કરશે. 193 સભ્યોવાળા સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપે છે, પરંતુ મુખ્ય પશ્ચિમી દેશોએ હાલ આ માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે, તેમનું કહેવું છે કે, આ ફક્ત ઈઝરાયલ સાથે વાટાઘાટો દ્વારા જ શક્ય છે. પેલેસ્ટાઇનના નાગરિકોએ માન્યતા આપવાના આ પગલાંનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી કે, તેને ક્યારેક સફળતા જરૂર મળશે.
નેતન્યાહૂ સરકારનો વિરોધ
ઈઝરાયલની બેન્જામિન નેતન્યાહૂ સરકારે યુદ્ધ પહેલા પણ પેલેસ્ટાઇનને રાજ્ય તરીકેની માન્યતાનો વિરોધ કર્યો હતો. હવે, તેમણે કહ્યું છે કે, આવા પગલાથી હમાસને ફાયદો થશે, જે આતંકવાદી જૂથ છે જે હજુ પણ ગાઝાના કેટલાક ભાગો પર નિયંત્રણ રાખે છે. તેઓએ સંકેત આપ્યો છે કે ઈઝરાયલ તેના જવાબમાં એકપક્ષીય પગલાં લઈ શકે છે, જેમાં પશ્ચિમ કાંઠાના કેટલાક ભાગોને ભેળવવાનો પણ સમાવેશ થાય છે, જે પેલેસ્ટાઇન રાજ્યના સ્વપ્નને વધુ દૂર કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત
નેતન્યાહુએ જણાવ્યું હતું કે, તેમણે આવતા અઠવાડિયે વ્હાઇટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કર્યા પછી પેલેસ્ટાઇને રાજ્યની રચના અંગે ઈઝરાયલના પ્રતિભાવ અંગે નિર્ણય લેશે. ટ્રમ્પે પદ સંભાળ્યા પછી આ તેમની ચોથી મુલાકાત છે. ઈઝરાયલી નેતા શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ નેતાઓનું સંબોધન પણ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્ર પેલેસ્ટાઇનની રાજ્યની વધતી જતી માન્યતાનો પણ વિરોધ કરે છે અને હમાસ સાથે યુદ્ધવિરામ વાટાઘાટોને પાટા પરથી ઉતારવા માટે તેને દોષી ઠેરવે છે. ટ્રમ્પના રાજદૂત, સ્ટીવ વિટકોફ, જુલાઈમાં વાટાઘાટોમાંથી ખસી ગયા હતા અને આ મહિનાની શરૂઆતમાં ઈઝરાયલી હુમલામાં કતરમાં હમાસ વાટાઘાટકારોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે એક મુખ્ય મધ્યસ્થી હતા.