અમેરિકામાં બે જગ્યાએ ગોળીબારમાં 4 લોકોના મોત, હુમલાખોરની પણ ગોળી મારી આત્મહત્યા

US Shooting: અમેરિકાના હ્યુસ્ટનમાં બુધવારે (8 ઓક્ટોબર) બે અલગ-અલગ જગ્યાએ ગોળીબારથી ચાર લોકોના મૃત્યુ થયા હતા, જેમાં હુમલો કરનાર પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં બંને ઘટના એકબીજા સાથે જોડાયેલી હોય તેવું જણાય છે.
કારચાલક પર ગોળીબાર કરાતા મોત
હ્યુસ્ટનના ઉપનગર શુગર લેન્ડમાં બપોરે આશરે 1 વાગ્યે એક કાર ચાલકે બીજી કાર પર ગોળીબાર કર્યો હતો. બીજી કારના ડ્રાઇવરને આ ઘટનામાં ગંભીર ઈજા થઈ અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે, હોસ્પિટલમાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તે રોડ રેજનો મામલો હતો કે, કોઈ કારણે ઝઘડો થયો હતો.
મેકેનિકની દુકાનમાં ગોળીબાર
આ ઘટનાના આશરે અડધા કલાક બાદ પહેલી ઘટના બની તેનાથી 11 કિ.મી દૂર એક મેકેનિકની દુકાનમાં ગોળીબાર કરવામાં આવ્યો. ત્યાં હુમલાખોરે મેકેનિક અને એક સાક્ષીને ગોળી મારી. સાક્ષી આ ગોળીબાર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો તેના પર પણ આરોપીઓએ ગોળીબાર કર્યો.
આ પણ વાંચોઃ ભારત-બ્રિટન વચ્ચે એફટીએ કરારથી આર્થિક ક્ષેત્રે અસીમ તકો: સ્ટાર્મર
ગોળીબાર કરનાર આરોપીએ કર્યો આપઘાત
પોલીસના જણાવ્યા અનુસાર, બંને ઘટનામાં હુમલાખોર અને વાહનનું વર્ણન એકસમાન હતું. થોડીવાર બાદ પોલીસને મૃતદેહ આશરે 6 કિ.મી દૂર એક વાહનમાં મળ્યો. તપાસમાં જાણ થઈ કે, ગોળીબાર કરનાર આરોપીએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.