ભારત-બ્રિટન વચ્ચે એફટીએ કરારથી આર્થિક ક્ષેત્રે અસીમ તકો: સ્ટાર્મર

- બંને દેશ વચ્ચે હાલનો વેપાર 5.2 લાખ કરોડનો છે
- વર્તમાન કરારથી બ્રિટિશ ઉત્પાદનો પર ભારતનો ટેરિફ 15 ટકાથી ઘટીને ત્રણ ટકા જેટલો થઈ જશે : વ્હિસ્કીના ઉત્પાદનો પર પણ ટેરિફ 150 ટકાથી ઘટીને 75 ટકા થઈ જતાં યુકેના વાઇન ઉત્પાદકોને ફાયદો
મુંબઈ : ભારતીય અર્થતંત્ર ૨૦૨૮માં વિશ્વમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે અને બ્રિટન તેની સાથે જબરદસ્ત વ્યાપારિક સંબંધો વિકસાવવા ઇચ્છુક છે, આ શબ્દો છે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરના.તેમણે બંને દેશ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ને વ્યાપારિક સંબંધોની વૃદ્ધિના આગામી તબક્કા માટે લોન્ચપેડ સમાન ગણાવ્યો હતો.
અહીં મહત્ત્વની વાત એ છે કે બ્રિટનના વડાપ્રધાન અત્યાર સુધી ક્યારેય ન લાવ્યા હોય તેટલું મોટું ૧૨૫ બ્રિટિશ બિઝનેસમેનના પ્રતિનિધિમંડળ લઈને ભારત આવ્યા છે. આના પરથી જ તેમના માટે ભારતનું મહત્ત્વ તેમના માટે કેટલું છે તેનો અંદાજ આવી જાય છે. તેઓ ભારતની સાથેનો દ્વિપક્ષીય વેપાર વધારવા તત્પર છે. બંને દેશ વચ્ચે ગયા નાણાકીય વર્ષમાં ૪૪.૧ અબજ પાઉન્ડ એટલે કે લગભગ ૫.૨ લાખ કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો. તેમા યુકેએ ભારતમાં ૧૭.૧ અબજ પાઉન્ડની નિકાસ કરી હતી અને ભારતમાંથી ૨૬.૬ અબજ પાઉન્ડની આયાત કરી હતી.
જુલાઈમાં પીએમ મોદીની લંડનની મુલાકાત દરમ્યાન કરવામાં આવેલા લેન્ડમાર્ક વેપાર કરારથી ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થવાની, માર્કેટ પહોંચ વધવાની અને ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. આ કરારથી બ્રિટિશ ઉદ્યોગપતિઓ ૨૦૨૮ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવાની સંભાવના ધરાવતા ભારતમાં લાભકારક સ્થિતિમાં રહેશે.
યુકે સરકારના જણાવ્યા અનુસાર આ સોદાથી બ્રિટિશ ઉત્પાદનો પર ભારતની સરેરાશ ટેરિફ પંદર ટકાથી ઘટીને ત્રણ ટકા જેટલી થઈ શકે છે જેના કારણે કોસ્મેટીક્સ, વાહનો અને મેડિકલ ઉપકરણો જેવી વસ્તુઓ વધુ સ્પર્ધાત્મક દરે વેંચી શકાશે. નોંધનીય છે કે વ્હીસ્કી ટેરિફમાં પણ તાત્કાલિક ધોરણે ૧૫૦ ટકાથી ઘટાડો થઈને ૭૫ ટકા થઈ જશે અને આગામી વર્ષોમાં વધુ ઘટીને ૪૦ ટકા થશે જેના કારણે યુકેના ઉદ્યોગપતિઓને સ્પષ્ટ લાભ થશે.
સ્ટાર્મરે વધુમાં જણાવ્યું કે ભારતના ઝડપી વિકાસથી બ્રિટનને વધુ વિકલ્પ, સ્થિરતા અને રોજગાર મળશે. વેપાર સચિવ પીટર કાઈલે આ સોદાને ભારત સાથે કરાયેલા કરારને વિશ્વના કોઈપણ દેશ સાથે કરાયેલા કરારમાં સૌથી શ્રેષ્ઠ ગણાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તેનાથી બંને આર્થિક સત્તાઓ વચ્ચે વેપારને વધુ વેગ મળશે.
બંને દેશના નેતાઓ ટેકનોલોજી સેક્યુરિટી ઈનિશિયેટીવ હેઠળ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, ટેલીકોમ અને ડીફન્સ ટેકનોલોજીમાં સહયોગ વધારશે જેનાથી ભારતના વૈશ્વિક ટેક હબ તરીકેના વધતા દરજ્જાની નોંધ લેવાઈ રહી છે. રોલ્સ રોઈસ, બ્રિટિશ એરવેઝ અને ડીએગો જેવી કંપનીઓની આગેવાની સાથે આ ભાગીદારી ભારત અને યુકેના આર્થિક અને ટેકનોલોજી સહયોગમાં પરિવર્તનકારી પ્રકરણ ચિહ્નિત કરે છે.
યશરાજ આગામી વર્ષથી મુખ્ય પ્રોજેક્ટ યુકેમાં શૂટ કરશે
યુકે પીએમ સ્ટાર્મરની યશરાજ સ્ટુડિયો મુલાકાતથી સિનેમેટીક સહયોગ વધશે
- બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે સહયોગ વધારવા વિશે ચર્ચા થઈ, ભારતીય સર્જકો યુકેમાં વધુ પ્રમાણમાં શૂટીંગ કરશે
મુંબઈ : સાંસ્કૃતિક અને સર્જનાત્મક સંબંધોને મજબૂત બનાવવાના એક પગલા તરીકે યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે બુધવારે મુંબઈના અંધેરીમાં યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) સ્ટુડિયોની મુલાકાત લીધી અને જાહેરાત કરી કે વાયઆરએફ સહિત અગ્રણી ભારતીય ફિલ્મ પ્રોડક્શન હાઉસ ટૂંક સમયમાં યુકેના વિવિધ સ્થળોએ ફિલ્મોના શૂટીંગ કરશે. આ મુલાકાતથી ભારતીય ફિલ્મ સર્જકો અને બ્રિટનના ફિલ્મ ઉદ્યોગ વચ્ચે સહયોગ વધવાની આશા જાગી છે.
ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા સ્ટાર્મરની સાથે બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટયુટના પ્રતિનિધિઓ, બ્રિટિશ ફિલ્મ કમિશન, પાઈનવૂડ સ્ટુડિયોસ, એલ્સ્ટ્રી સ્ટુડિયોસ અને સિવિસ સ્ટુડિયોસ સહિત બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હતું. અક્ષય વિધવાની (વાયઆરએફ સીઈઓ), રાણી મુખર્જી, દિનેશ વિજન, રિતેશ સિધવાની અને અપૂર્વ મહેતા જેવા ભારતીય નિર્માતાઓ સાથેની બેઠક લગભગ ૩૦થી ૪૦ મિનિટ ચાલી હતી.
યુકે વડા પ્રધાને આ ભાગીદારી વિશે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે બોલીવૂડની બ્રિટનમાં વાપસી થઈ રહી છે અને તેનાથી રોજગારી, રોકાણ અને તકો વધવા ઉપરાંત યુકેને વૈશ્વિક ફિલ્મ સર્જન માટે વિશ્વ કક્ષાના સ્થળ તરીકે રજૂ કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે આવા સહયોગ આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક સાથે ભારત અને યુકે વચ્ચે થયેલા કરાર સાથે મેળ ખાય છે.
વાઆરએફના સીઈઓ અક્ષય વિધવાનીએ જણાવ્યું કે યુકે વડા પ્રધાનની મુલાકાત અમારા માટે સન્માનની બાબત હતી. તેમણે જણાવ્યું કે યુકે કાયમ વાયઆરએફની સફરમાં મહત્વનું સ્થળ રહ્યું છે, ખાસ કરીને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના મોટાભાગના હિસ્સા યુકેમાં જ શૂટ થયા હતા. દિલવાલેની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે વાયઆરએફ આગામી વર્ષથી તેના નવા પ્રોજેક્ટનું શૂટ યુકેમાં કરશે.
યુકેના અદ્વિતીય ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્રતિભા અને ટેકનોલોજીની નોંધ કરીને વિધવાનીએ ઉમેર્યું કે આ સહયોગમાં વૈશ્વિક કન્ટેન્ટ રચના પ્રત્યે વાયઆરએફની પ્રતિબદ્ધતાનો પડઘો પડે છે. ઉલ્લેખનીય છે કે સ્ટાર્મરની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે વાયઆરએફ સ્ટુડિયો ૧૯૭૦માં યશ ચોપરા દ્વારા સ્થાપના થયા પછી ૧૨ ઓક્ટોબરે તેની વીસમી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે.