નેપાળમાં બૂઢી ગંડક નદીમાં પૂર : 35 મકાન, 10 પુલ તણાયા, સેંકડો લોકો લાપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાઠમંડુ : નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે ફરી એક વખત કુદરત કોપાયમાન બની છે. નેપાળમાં બૂઢી ગંડક અને ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. આ ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં આવતા ૩૫થી વધુ મકાન અને ૧૦ જેટલા પૂલ તણાઈ ગયા હતા. સાથે અનેક ગામડા ડૂબી ગયા હતા અને સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે.
નેપાળમાં રવિવારે સવારે લગભગ ૪.૦૦ કલાકે ગોરખા જિલ્લાના ઉત્તરીય હિસ્સામાં અચાનક પૂર આવ્યું હતું, જેનાથી સ્થાનિક લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. આજુબાજુ પાણીના તિવ્ર પ્રવાહોથી ચુમલિંગ અને લોકપા જેવી વસતીઓના લોકો તથા ત્યાં રોકાયેલા પ્રવાસીઓ જીવ બચાવવા સુરક્ષિત સ્થળ તરફ ભાગ્યા હતા.
પૂરના આ તિવ્ર પ્રવાહમાં ૧૦ જેટલા પૂલ તણાઈ ગયા છે, જેમાં બે મોટરેબલ પુલ તથા ચાર સસ્પેન્શન (ઝૂલા) પૂલનો સમાવેશ થાય છે. અરુઘાટ, ત્રિપુરસુંદરી અને સોતી-માનબુના પૂલોની સાથે ધારચે ગ્રામીણ પાલિકાનો એક બેલી બ્રિજ પણ તણાઈ ગયો હતો. આ સિવાય પદયાત્રીઓ માટેના નાના અનેક પૂલો પણ તણાઈ ગયા હતા.
બૂઢી ગંડક નદીમાં પૂર આવતા સાલેરી, પૈયુકા અને જગતના નદી કિનારાના વિસ્તારોમાં બનેલા અનેક ડઝન મકાનો પાણીમાં તણાઈ ગયા હતા. આ સિવાય એક ઝૂલતો પૂલ તથા અન્ય એક પૂલ તણાઈ ગયા હતા. જોકે, નદીમાં અચાનક આવેલા પૂરનું કારણ હજુ સ્પષ્ટ નથી.
ગોરખાના મુખ્ય જિલ્લા અધિકારી ધર્મેન્દ્ર કુમાર મિશ્રાએ જણાવ્યું કે, પ્રારંભિક રિપોર્ટ મુજબ સિઉરિબાસથી ઉપર ભૂસ્ખલન થયું હતું. બીજીબાજુ સ્થાનિક લોકોને આશંકા છે કે ચુમનુવી-૬માં લોકપા અને ચુમલિંગ વચ્ચે બૂઢી ગંડકની સહાયક નદી સ્યરનો માર્ગ અવરોધાતા અચાનક આ પૂર આવ્યું હોવાની શક્યતા છે.
ગૃહમંત્રી સુદન ગુરુંગે કહ્યું કે, નદીનું જળસ્તર સતત વધવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય, રાહત સામગ્રી વહેંચવા અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે એમઆઈ-૧૭ સહિત ચાર હેલિકોપ્ટરો તૈનાત કરી દેવાયા છે. જગતથી ગોરખા સુધીના વિસ્તારોમાં અનેક લોકોને બચાવી લેવાયા હતા. સેનાએ આ આપત્તિમાં અંદાજે ૪૯ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.




