Get The App

યુદ્ધનો અંત નજીક ! યુક્રેન-રશિયા-અમેરિકા વચ્ચે ઐતિહાસિક મુલાકાત, UAEમાં યોજાશે ત્રિપક્ષીય બેઠક

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધનો અંત નજીક ! યુક્રેન-રશિયા-અમેરિકા વચ્ચે ઐતિહાસિક મુલાકાત, UAEમાં યોજાશે ત્રિપક્ષીય બેઠક 1 - image


Russia-US-Ukraine Trilateral Meeting in UAE : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે હવે નિર્ણાયક ગતિવિધિઓ શરૂ થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે, યુક્રેન, રશિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પ્રથમ વખત ત્રિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ મંત્રણા શુક્રવારથી શરૂ થઈને બે દિવસ સુધી ચાલશે.

ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ઝેલેન્સ્કીની મોટી જાહેરાત

દાવૌસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથેની મુલાકાત બાદ ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ આ મોટી જાહેરાત કરી હતી. ઝેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી છે કે આ બેઠક દ્વારા યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા માટે કોઈ નક્કર માર્ગ નીકળશે.

અમેરિકાએ યુક્રેનને સરપ્રાઈઝ આપી ! ઝેલેન્સ્કીનું નિવેદન

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકી ટીમ આજે મોસ્કો જશે. હા, તેમણે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથેની અમારી મીટિંગની રાહ જોઈ હતી, અને હવે તેઓ જશે. મારી ટીમ પણ અમેરિકી ટીમ સાથે મુલાકાત કરશે અને મને લાગે છે કે, UAEમાં આ પ્રથમ ત્રિપક્ષીય બેઠક હશે. આ બેઠક આવતીકાલે અને પરમદિવસે (શુક્રવાર અને શનિવાર) એમ બે દિવસ માટે યોજાશે. મને આશા છે કે UAEને આ બાબતે જાણ હશે. ક્યારેક આપણને અમેરિકી તરફથી આવા સરપ્રાઈઝ મળે છે, પરંતુ તેમ છતાં તેઓ ત્યાં જઈ રહ્યા છે જે સારી બાબત છે.’

આ પણ વાંચો : ટ્રમ્પની નવી કરતૂતથી ભારત-ચીનનું વધ્યું ટેન્શન, જાણો શું કર્યું

મંત્રણા થવી ઘણી સારી : ઝેલેન્સ્કી

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો ટેકનિકલ સ્તરે આપણે આ ત્રિપક્ષીય બેઠક શરૂ કરીશું, તો મને આશા છે કે આપણને કંઈક પ્રાપ્ત થશે. મને ખબર નથી, પરંતુ રશિયનોએ સમજૂતી માટે તૈયાર રહેવું પડશે કારણ કે માત્ર યુક્રેન જ નહીં, દરેક પક્ષે તૈયાર રહેવું જરૂરી છે. અમારા માટે આ ખૂબ જ મહત્વનું છે. અમે જોઈશું કે શું પરિણામ આવે છે. આપણા લોકો આજે અમેરિકનોને મળશે અને ત્યારબાદ અમેરિકી પ્રતિનિધિઓ રશિયનો સાથે મુલાકાત કરશે. કોઈપણ વાતચીત ન થવા કરતા આ મંત્રણા થવી ઘણી સારી છે."

યુદ્ધ સમાપ્ત થવું જોઈએ : ડોનાલ્ડ ટ્રમ્પ

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે સકારાત્મક વલણ અપનાવ્યું છે. ઝેલેન્સ્કી સાથેની મુલાકાતને ખૂબ સારી ગણાવતા ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, હવે આ યુદ્ધનો અંત આવવો જોઈએ. ટ્રમ્પે કહ્યું કે તેમનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં પુતિન સાથે મુલાકાત કરશે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘યુદ્ધને સમાપ્ત કરવું જ પડશે. આ જંગમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.’

આ પણ વાંચો : ટ્રમ્પને ગ્રીનલેન્ડ ખરીદવું છે, પુતિને કહી કિંમત !