હોર્મુઝમાં ફરી ધડાધડ ફાયરિંગ ! જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Strait Of Hormuz Closed : પશ્ચિમ એશિયામાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને આગામી સૂચના સુધી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતના તુરંત જ બાદ અમેરિકાએ ઈરાન પર આ અઠવાડિયાનો ત્રીજો સૈન્ય હુમલો શરૂ કરી દીધો. અમેરિકાનો આરોપ છે કે, ઈરાને હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા સાયપ્રસના ધ્વજવાળા એક કોમર્શિયલ કન્ટેનર જહાજ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈરાનનો દાવો- જહાજે નિયમો તોડ્યા એટલે રોક્યું
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ જણાવ્યું કે, એક જહાજ નક્કી કરેલા દરિયાઈ માર્ગનું પાલન નહોતું કરી રહ્યું, અને વારંવારની ચેતવણીઓ છતાં તેણે પોતાનો રસ્તો બદલ્યો ન હતો. આથી ચેતવણીના ભાગરૂપે ફાયરિંગ કરીને જહાજને રોકવામાં આવ્યું હતું. આ સાથે ઈરાને જાહેરાત કરી છે કે, જ્યાં સુધી અમેરિકાની દખલગીરી બંધ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી કોઈ પણ જહાજને પસાર થવા દેવામાં આવશે નહીં. ઈરાને એવી ચેતવણી પણ આપી છે કે, કોઈ પણ વળતી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ઈરાને MOUનો ઉલ્લેખ કર્યો
હૈદરાબાદ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર જણાવવામાં આવ્યું કે, સમજૂતી (MOU)એ બંને પક્ષોની પરસ્પર જવાબદારી છે, અને જ્યારે બીજો પક્ષ પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી ન કરે, ત્યારે માત્ર એક પક્ષ પાસેથી પાલનની અપેક્ષા રાખી શકાય નહીં. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, MOU અનુસાર ઈરાન 60 દિવસ સુધી કોઈ પણ ચાર્જ લીધા વિના પર્શિયન ગલ્ફથી ઓમાન સમુદ્ર સુધી કોમર્શિયલ જહાજોની સુરક્ષિત અવરજવરની વ્યવસ્થા કરવા માટે સંમત થયું હતું.
ઘણા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, ઈરાનના હુમલામાં કન્ટેનર જહાજના ક્રૂ મેમ્બરમાંથી એક નાગરિક ગુમ થયો છે, અને જહાજના એન્જિન રૂમમાં આગ લાગવાને કારણે તેને ભારે નુકસાન થયું છે. ત્યારબાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકન સેનાએ ઈરાનના અનેક ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, 'ઈરાને ખોટો નિર્ણય લીધો છે, હવે તેણે આની કિંમત ચૂકવવી પડશે.'
ખાડી દેશોમાં એલર્ટ
ઈરાનના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં વિસ્ફોટોના અહેવાલો આવ્યા છે. બીજી તરફ સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન અને કતારમાં મિસાઈલ અને ડ્રોન એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના તેલ અને ગેસના વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ માર્ગ બંધ થવાથી અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા અને તેલ બજાર પર મોટી અસર પડવાની આશંકા વધી ગઈ છે.









