શું હવે અંતરિક્ષમાં યુદ્ધ છેડાશે? ચીન-રશિયાના કિલર સેટેલાઈટની યોજનાથી જાપાન લાલઘૂમ
Image: AI |
Killer Satellites: જાપાને પોતાની પહેલી અંતરિક્ષ સંરક્ષણ ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં તેણે દાવો કર્યો કે, ચીન અને રશિયા કિલર સેટેલાઇટ વિકસિત કરી રહ્યા છે. આ સેટેલાઇટને કથિત રૂપે બીજા દેશોના સેટેલાઇટને નિષ્ક્રિય કરવા માટે બનાવવામાં આવી છે. જોકે, આ દાવાને ચીને નકારી દીધો અને જાપાનનો ખોટો પ્રચાર તેમજ સૈન્ય શક્તિ વધારવાનું બહાનું કહી દીધું.
શું છે આ મામલો?
જાપાને સોમવારે (28 જુલાઈ) પોતાની પહેલી સ્પેસ ડિફેન્સ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં તેણે કહ્યું કે, 'અમે અંતરિક્ષમાં પોતાની સંરક્ષણ ક્ષમતાને વધારવા ઈચ્છીએ છીએ. કારણ કે, ચીન અને રશિયા જેવા દેશ કિલર સેટેલાઇટ્સ બનાવી રહ્યા છે. આ સેટેલાઇટ્સ બીજા દેશના સેટેલાઇટ્સને નષ્ટ અથવા નિષ્ક્રિય કરી શકે છે. તેથી સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ખાનગી કંપનીએ મળીને સેટેલાઇટ્સની સુરક્ષા વધારવી જોઈએ. જાપાન મિસાઇલ લૉન્ચની જાણકારી મેળવવા, સેટેલાઇટ કોમ્યુનિકેશનને સુરક્ષિત કરવા અને બીજા દેશોના કોમ્યુનિકેશનને જામ કરવાની ક્ષમતા પણ વિકસિત કરવા ઈચ્છે છે.'
આ પણ વાંચોઃ UNSCમાં એકલું પડ્યું પાકિસ્તાન: TRF મુદ્દે ભારતને મળ્યો USAનો સાથ, ચીનનું મૌન
જોકે, જાપાનના દાવાને લઈને ચીને કડક વલણ અપનાવ્યું છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝાંગ શિયાઓગૈંગે કહ્યું કે, જાપાનનો આ દાવો પાયાવિહોણો છે. ચીનને બદનામ કરવાનો પ્રયાસ છે. જાપાન ચીનના જોખમના બહાને પોતાની સૈન્ય શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે.
શું હોય છે 'કિલર સેટેલાઇટ'?
કિલર સેટેલાઇટ એક એવું સેટેલાઇટ હોય છે, જે બીજા સેટેલાઇટ્સને નષ્ટ કરવા, નિષ્ક્રિય કરવા અથવા તેમના કામમાં અવરોધ ઊભો કરવા માટે બનાવવામાં આવે છે. જાપાનનો દાવો છે કે, ચીન અને રશિયા આ પ્રકારના સેટેલાઇટ્સ પર કામ કરી રહ્યા છે, જે અંતરિક્ષમાં બીજા દેશના સેટેલાઇટ્સને નિશાનો બનાવી શકે છે. જો કોઈ સેટેલાઇટ કોઈ બીજા સેટેલાઇટની પાસે જઈને નુકસાન પહોંચાડે અથવા તેનું સંચાર બંધ કરે તો તેને કિલર સેટેલાઇટ કહેવામાં આવે છે.
ચીને શું કહ્યું?
ચીને આ મુદ્દે કહ્યું કે, જાપાન પોતાની સૈન્ય શક્તિને વધારવા માટે ચીન અને રશિયાને ટાર્ગેટ કરી રહ્યું છે. ચીની પ્રવક્તા ગુઓએ કહ્યું કે, 'ચીન અંતરિક્ષનો શાંતિપૂર્ણ ઉપયોગ ઈચ્છે છે. અંતરિક્ષમાં હથિયારોના ઉપયોગની વિરૂદ્ધમાં છીએ. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અંતરિક્ષમાં હથિયાર નિયંત્રણ કાયદાકીય કરારની વાત કરી છે. પરંતુ, જાપાન પોતાના ઈતિહાસ પરથી પણ શીખવા નથી ઈચ્છતું. આ વર્ષે જાપાની આક્રમણ સામે ચીની પ્રતિરોધ યુદ્ધની જીતના 80 વર્ષ પૂરા થશે. એવામાં જાપાને પોતાના યુદ્ધ ગુનાઓની જવાબદારી લેવી જોઈએ. ઈતિહાસથી શીખીને અન્ય વિસ્તારોમાં ડર ફેલાવવાની બદલે પાડોશી દેશોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જોઈએ.'
જાપાન શું કરી રહ્યું છે?
જાપાને હાલના વર્ષોમાં પોતાની સૈન્ય શક્તિ વધારવા પર ભાર મૂક્યો છે. તે દર વર્ષે સંરક્ષણ ખર્ચ વધારી રહ્યા છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો સાથે સૈન્ય સહયોગને વધારે છે. આ સિવાય અંતરિક્ષમાં પણ જાપાન, અમેરિકા અને પશ્ચિમી દેશો મળીને સૈન્ય સહયોગ વધારી રહ્યા છે. જાપાનનું કહેવું છે કે, તે પોતાના રક્ષણ માટે આવું કરે છે, પરંતુ પાડોશી દેશને લાગે છે કે, આ જાપાની સૈન્યવાદ ફરી ઉભરશે તેવો સંકેત છે.
ભારતને થશે અસર?
ભારત પણ અંતરિક્ષમાં મજબૂત ખેલાડી છે. પોતાના સેટેલાઇટ તેમજ અંતરિક્ષ કાર્યક્રમોને વિકસિત કરી રહ્યું છે. જાપાન અને ભારચ વચ્ચે સંરક્ષણ અને અંતરિક્ષ સહયોગ વધી રહ્યો છે. પરંતુ, ચીન સાથે ભારતના તણાવપૂર્ણ સંબધોને જોતા ભારતે આ મામલે સાવધાની રાખવી પડશે. જો અંતરિક્ષમાં હથિયારોની દોડ શરૂ શરૂ થાય છે, તો તે ભારત માટે પણ મોટો પડકાર બની શકે છે. કારણ કે, અંતરિક્ષમાં સેટેલાઇટ્સની સુરક્ષા ખૂબ જ જરૂરી છે.