Get The App

UNSCમાં એકલું પડ્યું પાકિસ્તાન: TRF મુદ્દે ભારતને મળ્યો USAનો સાથ, ચીનનું મૌન

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
UNSCમાં એકલું પડ્યું પાકિસ્તાન: TRF મુદ્દે ભારતને મળ્યો USAનો સાથ, ચીનનું મૌન 1 - image


India big victory in UNSC: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતને મોટી સફળતા મળી છે. પહલગામ હુમલામાં સામેલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને પહેલીવાર આતંકવાદી હુમલા સાથે સીધી રીતે જોડવામાં આવ્યું છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં TRFની ભૂમિકા સ્પષ્ટ રીતે ઓળખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, TRFને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)નો મોરચો માનવામાં આવે છે.

UNSCની અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ મોનિટરિંગ ટીમના દ્વિવાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, '22 એપ્રિલના રોજ પાંચ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક પર્યટન સ્થળ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા. TRF એ તે જ દિવસે હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને હુમલા સ્થળની તસવીર પણ જારી કરી હતી. જોકે, 26 એપ્રિલના રોજ TRF એ પોતાની જવાબદારી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ TRF દ્વારા કોઈ નિવેદન આપવામાં ન આવ્યું અને અન્ય કોઈ જૂથે પણ આ હુમલાની જવાબદારી નથી લીધી.'

TRF મુદ્દે ભારતને મળ્યો USAનો સાથ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એક સભ્ય દેશે કહ્યું હતું કે, લશ્કર-એ-તૈયબાની મદદ વિના આ હુમલો શક્ય જ નહોતો અને TRF અને LeT વચ્ચે સીધો સંબંધ છે. અન્ય એક સદસ્ય (અમેરિકા) એ કહ્યું કે, TRF અને LeT એક જ સંગઠન જેવા છે. જોકે, હાલમાં UNSCના કામચલાઉ સભ્ય પાકિસ્તાને આ અર્થઘટન સાથે અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે લશ્કર-એ-તૈયબા હવે નિષ્ક્રિય છે.

17 જુલાઈના રોજ અમેરિકાએ TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને વૈશ્વિક સ્તરે ખાસ નિયુક્ત આતંકવાદી જાહેર કર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સંસદમાં પોતાનું નિવેદન બદલ્યું હતું અને કહ્યું હતું કે, હવે અમને TRFને આતંકવાદી માનવામાં કોઈ વાંધો નથી. ડારે અગાઉ UNSC પ્રેસ સ્ટેટમેન્ટમાંથી TRFનો ઉલ્લેખ હટાવડાવ્યો હતો.

ચીનનું મૌન 

નિષ્ણાતોના મતે આ ખૂબ મહત્ત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના જૂના સાથી ચીને આ વખતે કોઈ વાંધો નથી ઉઠાવ્યો. અગાઉ, ચીને ઘણી વાર 'ટેકનિકલ હોલ્ડ' લાદીને UNમાં પાકિસ્તાનના આતંકવાદીઓને યાદીમાં સામેલ કરતા અટકાવ્યું હતું. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના કિસ્સામાં, ચીને ઘણી વખત પોતાના આ વિશેષાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

આ રિપોર્ટ પહેલા ભારતે TRFની ગતિવિધિઓ અને LeT સાથેના સંબંધો પર UN મોનિટરિંગ ટીમને નવેમ્બર 2024માં વિગતવાર જાણકારી આપી હતી. 22 એપ્રિલના હુમલા પછી ભારતે મે મહિનામાં અમેરિકાની મુલાકાત લીધી હતી અને UNOCT અને CTED જેવી સંસ્થાઓ સમક્ષ એક ડોઝિયર રજૂ કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રના આ અહેવાલે પાકિસ્તાનની એ વ્યૂહરચનાને ઝટકો આપ્યો છે જેમાં તે TRF અને People Against Fascist Front  જેવા નામોનો ઉપયોગ કરીને આતંકવાદને સ્થાનિક વિરોધ આંદોલનનું રૂપ આપવાનો પ્રયાસ કરતી હતી. આ અહેવાલ પાકિસ્તાન માટે એક મોટી રાજદ્વારી અગવડતા અને ભારત માટે એક મહત્વપૂર્ણ જીત છે, કારણ કે આંતરરાષ્ટ્રીય મંચ પર હવે TRFને LeTનું જ ફ્રન્ટ સંગઠન માનવામાં આવી રહ્યું છે.

Tags :