Get The App

છેવટે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પાટા પરથી કેમ ઊતરી, શું અમેરિકા ભારતની 'ઓળખ' પર હુમલો કરવા માગે છે?

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
છેવટે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પાટા પરથી કેમ ઊતરી, શું અમેરિકા ભારતની 'ઓળખ' પર હુમલો કરવા માગે છે? 1 - image


US-India Tariff: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલી રહી હતી પરંતુ છેવટે આ ટ્રેડ ડીલ પાટા પરથી ઉતરી ગઈ છે. હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25% ટેરિફ અને વધારાનો દંડ ઝિંકવાની જાહેરાત કરી છે. નવો ટેરિફ પહેલી ઓગસ્ટથી લાગુ થશે. ટ્રમ્પે આની પાછળનું કારણ ભારતના ઊંચા ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ગણાવ્યું છે. આ સાથે જ અમેરિકાએ રશિયા સાથે ભારતના સંબંધો અંગે એક વધારાની દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરી છે. 

ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર મંત્રણાનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 બિલિયન ડોલર સુધી વધારવાનો હતો. જોકે, અમેરિકા દ્વારા ભારતના કૃષિ અને ડેરી બજારોમાં વધુ પહોંચની માગના કારણે આ પ્રક્રિયાને જટિલ બનાવી દીધી. ભારતે હંમેશા આ ક્ષેત્રોને મુક્ત વેપાર કરારોથી દૂર રાખ્યા છે, કારણ કે તે દેશની લગભગ 1.4 અબજ વસ્તીના લગભગ અડધા ભાગ માટે આજીવિકાનો આધાર છે.

કૃષિને લઈને તણાવ

અમેરિકા ઈચ્છે છે કે ભારત પોતાના કૃષિ અને ડેરી ઉત્પાદનોના બજારને ખુલ્લા મૂકે, પરંતુ ભારતનો તર્ક છે કે આમ કરવાથી લાખો ગરીબ ખેડૂતોની આજીવિકા પર સંકટ આવી જશે. ભારતની નીતિ રહી છે કે તે પોતાના કૃષિ ક્ષેત્રને મુક્ત વેપાર કરારો (FTA)થી દૂર રાખે જેથી સ્થાનિક ઉત્પાદકોની રક્ષા થઈ શકે.

ભારતે મકાઈ, સોયાબીન, ઘઉં અને ઈથેનોલ જેવા યુએસ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકા પોતાના કૃષિ ઉત્પાદનોને ભારે સબસિડી આપે છે, જે ભારતીય ખેડૂતોને અસમાન સ્પર્ધામાં ફસાવી શકે છે. અમેરિકન ખેડૂતોને દર વર્ષે સરેરાશ 61,000 ડોલરની સબસિડી મળે છે, જ્યારે ભારતીય ખેડૂતોને માત્ર 282 ડોલર મળે છે.

આ પણ વાંચો: ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ-દંડ ઝીંક્યો: કાલથી અમલ

આ ઉપરાંત ભારતમાં જેનેટિકલી મોડિફાઈડ (GM) પાક પર પ્રતિબંધ છે, જ્યારે અમેરિકામાં મકાઈ અને સોયાબીનનું મોટાભાગનું ઉત્પાદન GM આધારિત છે. ભારતીય વાહન ઉદ્યોગ, ફાર્મા કંપનીઓ અને નાના ઉદ્યોગોએ પણ બજારને અચાનક અને સંપૂર્ણ ખોલવાનો વિરોધ કર્યો છે, તેમને ડર છે કે તેનાથી અમેરિકન આયાતના કારણે તેમના વ્યવસાય પર અસર પડશે.

અમેરિકાનો આરોપ

વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે ભારત કૃષિ ઉત્પાદનો પર સરેરાશ 39% 'મોસ્ટ ફેવર્ડ નેશન' (MFN) ડ્યુટી વસૂલે છે, જ્યારે અમેરિકા માત્ર 5% ડ્યુટી વસૂલે છે. અનેક મામલે ભારત 50% સુધીની ડ્યુટી વસૂલે છે, જેને ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં સૌથી મોટો અવરોધ માને છે.

અમેરિકા ઈચ્છે છે કે ભારત કૃષિ, ઈથેનોલ, ડેરી, દારૂ, વાહનો, ફાર્મા અને તબીબી ઉપકરણોમાં પોતાના બજારો વધુ ખોલે. આ સાથે જ અમેરિકા ડિજિટલ વેપાર, ડેટા ફ્લો, પેટન્ટ કાયદા અને નોન-ટેરિફ પ્રતિબંધોમાં સુધારાની માગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું'

જોકે, ભારતે કેટલાક અમેરિકન ઉર્જા અને સંરક્ષણ ઉત્પાદનોની આયાતમાં વધારો કર્યો છે અને મર્યાદિત ટેરિફ ઘટાડાની ઓફર કરી છે, તેમ છતાં નવી દિલ્હીની કહેવું છે કે તેને હજુ સુધી વોશિંગ્ટન તરફથી સ્પષ્ટ પ્રસ્તાવ નથી મળ્યો. ભારતીય અધિકારીઓ ટ્રમ્પની અણધારી વેપાર નીતિઓ અંગે ચિંતિત છે.

ખેડૂતોનું રાજકારણ

ભારતની લગભગ 4 ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં કૃષિનું યોગદાન માત્ર 16% છે, પરંતુ તે દેશની લગભગ અડધી વસતીની આજીવિકાનો આધાર છે. આ જ કારણ છે કે ખેડૂતોને ભારતમાં સૌથી પ્રભાવશાળી વોટ બેંક માનવામાં આવે છે. ચાર વર્ષ પહેલાં જ્યારે મોદી સરકારે કૃષિ સુધારા કાયદા લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ભારે વિરોધને કારણે તેમને પીછેહઠ કરવી પડી હતી. આવી સ્થિતિમાં અમેરિકાથી સસ્તી કૃષિ આયાતની શક્યતા સ્થાનિક ભાવો પર દબાણ વધારી શકે છે અને વિપક્ષને સરકાર પર હુમલો કરવાની નવી તક મળી શકે છે.

એક્સપર્ટનું કહેવું છે કે, જો ભારત કૃષિ ક્ષેત્રમાં અમેરિકાને બજાર પ્રવેશ આપે, તો તેણે અન્ય વેપાર ભાગીદારોને પણ સમાન છૂટ આપવી પડી શકે છે, જે તેની સમગ્ર વેપાર વ્યૂહરચનાને બગાડી શકે છે.

Tags :