Explainer: ઇથેનોલ પર પ્રતિબંધ મૂકવાની યુરોપની તૈયારીથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી, જાણો શું તે આરોગ્ય માટે હાનિકારક છે

Europe To Ban Ethanol : આધુનિક જીવનશૈલી અને પર્યાવરણ માટે વધુ સારો વિકલ્પ હોવાના કારણે આરોગ્ય માટે પણ ઇથેનોલ એક સર્વવ્યાપી નામ બની ગયું છે. સામાન્ય રીતે 'આલ્કોહોલ' તરીકે ઓળખાતું આ રસાયણિક ઘટક કોવિડ-19 મહામારી દરમિયાન હેન્ડ સેનિટાઇઝરના મુખ્ય ઘટક તરીકે વિશ્વભરના ઘરો અને સંસ્થાઓમાં પહોંચી ગયું હતું. જો કે હાલ એવી ચર્ચા શરૂ થઈ છે કે ઇથેનોલ આરોગ્ય માટે હાનિકારક છે. યુરોપિયન યુનિયન ઇથેનોલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જો એમ થયું તો આ નિર્ણયથી વૈશ્વિક આરોગ્યસંભાળ, ઉદ્યોગો અને રોજબરોજના જીવન પર ગંભીર અસર થઈ શકે છે.
ઇથેનોલથી કેન્સર થાય છે!
યુરોપિયન યુનિયનનો આ પ્રસ્તાવિત નિર્ણય કોઈ એકાએક લેવાયેલું પગલું નથી, તેનો આધાર યુરોપિયન કેમિકલ્સ એજન્સી (ECHA) દ્વારા કરવામાં આવેલા સૂક્ષ્મ અને વિસ્તૃત અભ્યાસ પર રચાયો છે. યુરોપમાં રાસાયણિક પદાર્થોના વપરાશ અને સુરક્ષા માટે જવાબદાર નિયામક સંસ્થા ‘ECHA’ દ્વારા એક અહેવાલમાં ઇથેનોલ સંબંધિત ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઈ છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે, ઇથેનોલમાં અમુક ઝેરી અને હાનિકારક તત્ત્વોનું મિશ્રણ હોય છે, જે લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી માનવ શરીર પર ગંભીર અસર પજે છે. આ ઉપરાંત ઈથેનોલ કેન્સરનું જોખમ વધારે છે અને ગર્ભાવસ્થામાં વિકાસ પામી રહેલા ભ્રૂણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી ચિંતાઓને ધ્યાનમાં લઈને, યુરોપની ‘રિસ્ક અસેસમેન્ટ કમિટી’ (જોખમ મૂલ્યાંકન સમિતિ) ઇથેનોલને 'ખતરનાક પદાર્થ'ની શ્રેણીમાં મૂકીને તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી રહી છે.
સેનિટાઇઝરની અસરકારકતા અને ચેપ નિયંત્રણમાં ઘટાડો
ઇથેનોલના સૌથી મહત્ત્વપૂર્ણ અને જીવનરક્ષક ઉપયોગોમાંનો એક છે તેનો આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝર તરીકેનો ઉપયોગ. આરોગ્યસેવા ક્ષેત્રમાં, ખાસ કરીને હોસ્પિટલોમાં, તે ચેપ નિયંત્રણનો સૌથી સારો અને પ્રચલિત વિકલ્પ છે. ઇથેનોલની ખાસિયત એ છે કે તે જીવાણુઓ (બેક્ટેરિયા), ફૂગ અને વાયરસ જેવા રોગકારક સૂક્ષ્મ જીવોને અત્યંત ઝડપથી અને અસરકારક રીતે નિષ્ક્રિય કરી દે છે. સંશોધનો દર્શાવે છે કે ઇથેનોલ-આધારિત સેનિટાઇઝરના નિયમિત અને વ્યવસ્થિત ઉપયોગથી હોસ્પિટલમાં થતા ચેપ (હોસ્પિટલ-એક્વાયર્ડ ઇન્ફેક્શન)ના દરમાં 50 ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થાય છે.
અન્ય વિકલ્પો ઇથેનોલ જેટલા અસરકારક નથી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડા મુજબ જગતભરની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થતા દર દસમાંથી એક દર્દી કોઈને કોઈ પ્રકારના ચેપનો શિકાર બને છે, પરિણામે દર વર્ષે આશરે 50 લાખ લોકો માર્યા જાય છે. ઇથેનોલથી બનેલા સેનિટાઇઝર આવા ચેપ રોકવાનું સૌથી શક્તિશાળી અને વિશ્વસનીય હથિયાર મનાય છે. જો ઇથેનોલ પર પ્રતિબંધ લાદવામાં આવે તો સ્વાસ્થ્યકર્મીઓને ચેપ નિયંત્રણ માટે ક્વાટરનરી અમોનિયમ કંપાઉન્ડ્સ જેવા વૈકલ્પિક રસાયણોનો આશરો લેવો પડશે.
આ પણ વાંચો: અમેરિકામાં ખોટા આરોપસર 43 વર્ષ જેલવાસ, છેવટે મુક્તિ મળી પરંતુ હવે દેશનિકાલનો ખતરો
મુશ્કેલી એ છે કે આ વિકલ્પો ઇથેનોલ જેટલા ઝડપી અને વ્યાપક અસરકારકતા ધરાવતા નથી. વધુમાં, આ વિકલ્પો ઘણી વખત ત્વચા પર ખંજવાળ, લાલાશ, શુષ્કતા અને બળતરા જેવી સમસ્યાઓ ઊભી કરે છે, જેથી સ્વાસ્થ્યકર્મીઓ તેનો ઉપયોગ કરવામાં ખચકાય અથવા એનો ઉપયોગ ઘટાડી દે, એવું બની શકે, જેને પરિણામે દર્દીઓમાં ચેપ ફેલાવાનું જોખમ વધી જશે.
દવાથી લઈને પરફ્યુમ સુધી ઇથેનોલનો પ્રભાવ
ઇથેનોલનો ઉપયોગ સેનિટાઇઝર સુધી જ સીમિત નથી. એક બહુમુખી ઘટક તરીકે એનો અનેક ઉદ્યોગોમાં પ્રયોગ થાય છે.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ: અનેક પ્રકારની દવાઓ, સિરપ, ટિંકચર અને રસીઓ (વેક્સીન)ના નિર્માણમાં ઇથેનોલનો ઉપયોગ થાય છે. તે ઘણી દવાઓમાં દ્રાવક (સોલ્વેન્ટ) તરીકે કામ કરે છે.
પ્રયોગશાળાઓ: નિદાન પ્રક્રિયાઓ, સૂક્ષ્મદર્શી યંત્રોની સફાઈ અને નમૂનાઓના સંરક્ષણ માટે પ્રયોગશાળાઓ ઇથેનોલ પર આધારિત છે.
સફાઈ ઉદ્યોગ: ઘરોમાં વપરાતા અનેક સફાઈ ઉત્પાદનો, જેમ કે ફ્લોર અને ગ્લાસ ક્લિનર વગેરેમાં પણ ઇથેનોલ હોય છે.
સુગંધ ઉદ્યોગ: પરફ્યુમ, ડિઓડ્રન્ટ્સ અને અન્ય સુગંધિત દ્રવ્યોમાં ઇથેનોલ એ મુખ્ય દ્રાવક તરીકે કાર્ય કરે છે, જે સુગંધના તેલને ઓગાળીને તેને ત્વચા પર લગાવવા યોગ્ય બનાવે છે.
ઇંધણ ઉદ્યોગ: પેટ્રોલ સાથે મિશ્રિત કરીને વાહનોમાં વપરાતું બાયોઇંધણ પણ ઇથેનોલથી જ બનાવવામાં આવે છે.
આમ, જો ઇથેનોલ પર પ્રતિબંધ મૂકાય તો અનેક પ્રકારના ઉદ્યોગોની ઉત્પાદન સાંકળ (સપ્લાય ચેન) અસ્થિર થઈ જશે, જેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને વૈકલ્પિક ઘટકોની શોધ કરવાની જરૂરત ઊભી થશે.
ઇથેનોલ બાબતે વૈશ્વિક અભિપ્રાય એકસમાન નથી
ઇથેનોલના ઉપયોગ અને જોખમો બાબતે વૈશ્વિક અભિપ્રાય એકસમાન નથી. અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશો એવું માને છે કે, જો યોગ્ય માત્રા અને યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરાય તો ઇથેનોલ ઘરેલુ અને તબીબી ઉપયોગ માટે સુરક્ષિત છે. તેમનો દૃષ્ટિકોણ એવો છે કે, ઇથેનોલના લાભ તેના સંભવિત જોખમો કરતાં ઘણા વધારે છે. બીજી તરફ, યુરોપના દેશો 'સાવચેતીના સિદ્ધાંત' (Precautionary Principle) પર નિર્ણયો લે છે, જે મુજબ કોઈ પણ ચીજવસ્તુ સંપૂર્ણપણે નિર્વિવાદ સાબિત ન થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
આ પણ વાંચો: મ્યાનમારમાં ચીનના સાયબર માફિયાથી જીવ બચાવી ભાગ્યા ભારતીયો, હવે થાઇલૅન્ડમાં ફસાયા
યુરોપનો નિર્ણય આખી દુનિયાને અસર કરશે
યુરોપિયન યુનિયન ઇથેનોલ પર પ્રતિબંધ મૂકે તો તેની અસર ફક્ત તેના સભ્ય દેશો સુધી જ સીમિત નહીં રહે. અન્ય દેશો પણ ફરીથી ઇથેનોલના ઉપયોગની સમીક્ષા કરવા પ્રેરિત થઈ શકે છે. પરિણામે વૈશ્વિક વેપાર પર મોટી અસર પડશે, ઇથેનોલ યુક્ત ઉત્પાદનોના નિકાસ-આયાત પર પ્રતિબંધો લાગુ થશે અને તેની સીધી અસર અર્થતંત્રો પર થશે. નિષ્ણાતોના મતે, ઇથેનોલના તબીબી ઉપયોગને ચાલુ રાખવો અત્યંત જરૂરી છે, કેમ કે તેના વિના આરોગ્યસંભાળ પર ગંભીર અને દૂરગામી અસરો પડી શકે છે.

