મ્યાનમારમાં ચીનના સાયબર માફિયાથી જીવ બચાવી ભાગ્યા ભારતીયો, હવે થાઇલૅન્ડમાં ફસાયા

Indians in KK Park Myanmar: થાઇલૅન્ડમાં હાલમાં લગભગ 500 ભારતીયો અટકાયતમાં છે. આ તમામની ત્યાંની સરકારે ધરપકડ કરી છે, કારણ કે તેઓ જીવ બચાવવા માટે સરહદ ઓળંગીને મ્યાનમારથી થાઇલૅન્ડ આવ્યા છે. અજાણતાં, આ બધા લોકો મ્યાનમારના કેકે પાર્કમાં ચાલી રહેલા એક ચીની સાયબર ક્રાઇમ નેક્સસનો ભાગ બની ગયા હતા, જે રેકેટ ચીનનું માફિયા ચલાવે છે.
ગયા અઠવાડિયે, મ્યાનમારની મિલિટરી જુન્ટાએ સાયબર ક્રાઇમ થતી જગ્યા પર દરોડો પાડ્યો. આનો ફાયદો ઉઠાવીને, જબરદસ્તીથી કામ કરાવવામાં આવતાં લગભગ 700 લોકો ભાગી નીકળ્યા, જેમાંથી લગભગ 500 લોકો ભારતીય છે. આ નાગરિકોને પાછા લાવવા માટે, ભારત સરકાર હાલમાં થાઇલૅન્ડની સરકાર સાથે સંપર્કમાં છે.
ભારત સરકારનું નિવેદન
ભારતીય વિદેશ મંત્રાલય(MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, 'મંત્રાલય થાઇલૅન્ડમાં અટકાયત કરાયેલા ભારતીયોની સ્થિતિથી વાકેફ છે. તેમને ઘરે પાછા લાવવા માટે MEA થાઈ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. અમને તે ભારતીય નાગરિકો વિશે જાણ છે, જેમની થાઇ અધિકારીઓએ અટકાયત કરી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોમાં મ્યાનમારથી થાઇલૅન્ડમાં પ્રવેશ્યા હતા. થાઇલૅન્ડમાં અમારું મિશન થાઇ અધિકારીઓ સાથે મળીને તેમની નાગરિકતા ચકાસવા અને થાઇલૅન્ડમાં જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂરી થયા બાદ તેમને પાછા મોકલવા માટે કામ કરી રહ્યું છે.'
થાઇલૅન્ડના PMની ટિપ્પણી
રોયટર્સ સાથે વાત કરતાં થાઇલૅન્ડના PM અનુતિને કહ્યું કે, 'ભારતીય રાજદૂત ઇમિગ્રેશન હેડને મળશે, જેથી લગભગ 500 ભારતીય નાગરિકો માટે કાનૂની ચકાસણી પ્રક્રિયાને ઝડપી બનાવવા પર વાત થઈ શકે, જેથી તેઓ ભારત પાછા જઈ શકે. ભારતે થાઇલૅન્ડ પાસેથી મદદ માંગી છે. તેઓ નથી ઈચ્છતા કે તેનાથી અમારા પર બોજ પડે. તેઓ આ પીડિતોને લેવા માટે એક પ્લેન મોકલશે. પ્લેન સીધું માઈ સોટમાં લૅન્ડ કરશે.'
કેકે પાર્ક: સાયબર ક્રાઇમનું ગઢ
જે જગ્યાએથી આ તમામ લોકો જીવ બચાવીને ભાગ્યા, તે સ્થળ 'કેકે પાર્ક' તરીકે ઓળખાય છે. મ્યાનમારની સેનાએ KK Park સાયબરક્રાઇમ કમ્પાઉન્ડ વિરુદ્ધ અનેક સૈન્ય કાર્યવાહીઓ કરી છે. પરિણામે, ત્યાં કામ કરતાં વિદેશી નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો થાઇલૅન્ડના સરહદી શહેર માઈ સોટ તરફ ભાગી ગયા. સ્થાનિક અધિકારીઓના નિવેદન મુજબ, 28 દેશોના 1500થી વધુ લોકોએ ત્યાંથી પલાયન કર્યું છે.
આ પણ વાંચો: સદીના સૌથી ખતરનાક વાવાઝોડામાં 29ના મોત, હજુ ટળ્યો નથી 'મેલિસા ચક્રવાત'નો ખતરો!
ટ્રાન્સનેશનલ સાયબર સ્કેમમાં સામેલ થવા બદલ મ્યાનમારનું KK Park જાણીતું છે. આ ઉપરાંત, KK Park અને આસપાસના અન્ય કમ્પાઉન્ડ ચીનના ક્રિમિનલ ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે અને તેમની રખવાળી મ્યાનમારની સેના સાથે જોડાયેલા સ્થાનિક મલેશિયા ગ્રૂપ કરે છે. કોવિડ મહામારી પછી, થાઇલૅન્ડ, મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા વચ્ચેના સરહદી વિસ્તારો ઓનલાઇન ફ્રોડના હબ બની ગયા છે. યુએન(UN)ના અહેવાલ પ્રમાણે, આ કમ્પાઉન્ડ્સમાં જબરન કામ કરવા માટે મજબૂર કરાયેલા લાખો લોકોની તસ્કરી કરીને અબજો ડૉલર કમાવવામાં આવ્યા છે.

