Get The App

અમેરિકામાં ખોટા આરોપસર 43 વર્ષ જેલવાસ, છેવટે મુક્તિ મળી પરંતુ હવે દેશનિકાલનો ખતરો

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ખોટા આરોપસર 43 વર્ષ જેલવાસ, છેવટે મુક્તિ મળી પરંતુ હવે દેશનિકાલનો ખતરો 1 - image


Subu Vedam Case: દેશમાં બળાત્કાર અને હત્યાના ખોટા આરોપસર 12 વર્ષની જેલ પછી એક નાગરિકને સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડ્યાના સમાચારની શાહી હજુ તાજી છે, ત્યાં અમેરિકાથી એના કરતાં વધુ પીડાદાયક સમાચાર આવ્યા છે. ભારતમાં જન્મેલા સુબ્રમણ્યમ 'સુબુ' વેદમને હત્યાના ગુનામાં અમેરિકાની જેલમાં કેદ કરાયા હતા. હવે 43 વર્ષની સજા કાપ્યા બાદ તેમને નિર્દોષ ગણાવીને મુક્ત કરાયા છે. જો કે, તેમને જેલમુક્તિ તો મળી, પરંતુ હવે સુબુ પર દેશનિકાલનો ખતરો છે. 

સુબુની વેદનામય કહાની

સુબુ ફક્ત નવ મહિનાના હતા ત્યારે 1961 માં તેમના પરિવાર સાથે ભારત છોડીને અમેરિકા ગયા હતા. ત્યાં જ ઉછર્યા અને ભણ્યા. સુબુ કોલેજમાં ભણતા હતા ત્યારે 19 વર્ષનો થોમસ કિન્સર નામનો યુવાન તેમનો રૂમમેટ હતો. ડિસેમ્બર 1980માં થોમસ પેન્સિલવેનિયાના સેન્ટર કાઉન્ટીમાં ગાયબ થઈ ગયો. નવ મહિના પછી તેનો મૃતદેહ એક ખાડામાંથી મળી આવ્યો. તેની ખોપરીમાં ગોળીનો ઘા હતો. હત્યાનો આરોપ સુબુ પર આવ્યો. સુબુના ગ્રીન કાર્ડ અને પાસપોર્ટ જપ્ત કરી લેવાયા. તેઓ ભારતીય મૂળના હોવાથી 'વિદેશી ભાગી જવાની શક્યતા’ હોવાનો હવાલો આપીને તેમના જામીન પણ નકારી દેવાયા. કોઈ હેતુ, કોઈ પ્રત્યક્ષદર્શી, કોઈ પ્રત્યક્ષ પુરાવા વગર, ફક્ત પરિસ્થિતિજન્ય સાક્ષીઓને આધારે કેસ ચાલ્યો અને ત્રણ વર્ષને અંતે એવો ચુકાદો અપાયો કે સુબુએ .25-કેલિબરની ગોળી ચલાવીને થોમસની હત્યા કરી હતી. 1983માં તેમને આજીવન કારાવાસની સજા ફટકારાઈ.

દાયકાઓ બાદ સત્ય પરથી પડદો કઈ રીતે હટ્યો?

સુબુના પરિવારે વર્ષો સુધી અપીલો કર્યા કરી, પણ કશો લાભ ન થયો. દાયકાઓ બાદ છેક 2022માં આ કેસમાં નોંધપાત્ર વળાંક આવ્યો. કાનૂની ટીમને ફરિયાદ પક્ષની ફાઈલોમાંથી એક મહત્ત્વપૂર્ણ FBI રિપોર્ટ મળી આવ્યો. એવો રિપોર્ટ કે જેને ફરિયાદીઓ દ્વારા જાણીબૂઝીને છુપાવાયો હતો! તેમાં જણાવ્યું હતું કે, મૃત થોમસ કિન્સરની ખોપરીમાં જે ગોળી લાગી હતી, તે .25-કેલિબરની હતી જ નહીં! આ ખુલાસાએ સમગ્ર કેસનો પાયો હલાવી નાખ્યો.

અંતે સુબુને જેલમુક્તિ મળી

આ નવા અને નિર્ણાયક પુરાવાના આધારે 2025માં એક ખાસ સુનાવણી યોજાઈ. ફોરેન્સિક નિષ્ણાતોએ સાબિત કર્યું કે મૂળ કેસ જ ખોટો હતો. ન્યાયાધીશે સુબુની સજા રદ કરી. આખરે 3 ઓક્ટોબર, 2025ના રોજ સુબુ 43 વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા. 64 વર્ષીય સુબુ પેન્સિલવેનિયા રાજ્યના ઇતિહાસમાં ખોટી રીતે દોષિત ઠેરાવાઈને સૌથી લાંબો સમય કેદ ભોગવનાર વ્યક્તિ બન્યા. 

જેલમુક્તિ પછી અટકાયત થઈ

જો કે, સુબુની મુક્તિનો આનંદ ક્ષણિક નીવડ્યો. તેઓ જેલમાંથી છૂટ્યા એના થોડા જ સમય બાદ યુ.એસ. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના અધિકારીઓએ તેમની અટકાયત કરી હતી. 1980ના દાયકામાં સુબુ પર LSD ડ્રગ રાખવા અને તેનું વિતરણ કરવાનો આરોપ લાગ્યો હતો. તેમને હત્યા બદલ તો મુક્તિ મળી ગઈ પણ અટકાયત LSDના ગુના બદલ કરાઈ. 

સુબુનો સંઘર્ષ જારી છે

હાલમાં સુબુને તેમના પરિવારથી દૂર પેન્સિલવેનિયાની એક ઇમિગ્રેશન અટકાયત સુવિધામાં રખાયા છે. તેમને દેશનિકાલ કરીને ભારત મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. એ ભારત, જેની કોઈ પણ યાદ સુબુના મનમાં નથી! સુબુનો અમેરિકામાં રહેતો પરિવાર તેમને દેશનિકાલથી બચાવવા માટે કાનૂની લડત ચલાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે, જો સુબુને દેશનિકાલ કરાશે, તો ભારતમાં તેમને અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડશે. આટલા વર્ષોમાં ટેક્નોલોજી અને સામાજિક રીતે દુનિયા ખૂબ બદલાઈ ગઈ હોવાથી સુબુને એડજસ્ટ થવા માટે પરિવારના સભ્યોની મદદની જરૂર પડશે. કેવી કરુણતા કે કોઈ પણ પ્રકારનો ગુનો આચર્યા વિના જીવનના ચાર કરતાં વધુ દાયકા જેલમાં વિતાવનાર નિર્દોષ વ્યક્તિ હવે દેશનિકાલથી બચવા માટે સંઘર્ષ કરી રહી છે. દુઃખની બાબત એ છે કે સુબુની મુક્તિ માટે ખૂબ પરિશ્રમ કરનારા એના માતા-પિતા હવે દીકરાની જેલમુક્તિ જોવા માટે હયાત નથી રહ્યા. 

જેલવાસ દરમિયાન પણ હિંમત ન હાર્યા

જિંદગીએ સુબુની ધીરજ અને હિંમતની આકરી અગ્નિપરીક્ષા લીધી, પણ તેમણે હાર ન માની. જેલવાસ દરમિયાન પણ તેમણે પત્રવ્યવહાર દ્વારા MBAની અને બીજી બે ડિગ્રી મેળવી. તેમણે સાક્ષરતા કાર્યક્રમો વિકસાવવામાં પણ મદદ કરી, જેના માટે તેમની ખૂબ પ્રશંસા થઈ હતી.

Tags :