ફ્રાન્સના મેક્રોને ટ્રમ્પ સ્ટાઈલમાં જ ચીનને આપી ધમકી, ભારત માટે કેમ 'ગોલ્ડન ચાન્સ'?

Global Trade War: વૈશ્વિક વ્યાપાર યુદ્ધમાં હવે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પણ પ્રવેશ કર્યો છે અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. મેક્રોને બેઇજિંગને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ચીન યુરોપ સાથેની વધતી જતી વેપાર ખાધ ઓછી નહીં કરે, તો યુરોપિયન યુનિયન(EU) પણ અમેરિકાની તર્જ પર ચીની વસ્તુઓ પર ભારે ટેરિફ લગાવશે. એક ઈન્ટરવ્યૂમાં મેક્રોને આ મુદ્દાને યુરોપિયન ઉદ્યોગ માટે જીવન અને મૃત્યુનો સવાલ ગણાવ્યો, સાથે જ એક નવી ડીલનો પ્રસ્તાવ મૂક્યો જે ભારત માટે સુવર્ણ તક સમાન છે.
મેક્રોને ચીનની એકતરફી વ્યાપાર નીતિ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'ચીન પોતાનો માલ વેચીને પોતાના જ ગ્રાહકોને આર્થિક રીતે નબળા બનાવી રહ્યું છે, જે લાંબા ગાળે અસ્થિર છે. યુરોપ હવે ચીનનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બનવા તૈયાર નથી, કારણ કે હાલનું વ્યાપાર અસંતુલન હવે સહન થઈ શકે તેમ નથી.'
આવતા મહિનાઓમાં કડક પગલાં ઉઠાવાશે: મેક્રોન
મેક્રોને પોતાની વાતચીતમાં માત્ર ફરિયાદો જ નથી કરી, પરંતુ એક સમય મર્યાદા સાથે ધમકી પણ આપી છે. તેમણે કહ્યું કે, 'મેં ચીનને જણાવી દીધું છે કે જો તેઓ પ્રતિક્રિયા નહીં આપે અને હાલત નહીં સુધારે, તો અમે યુરોપિયન લોકો મજબૂર થઈ જઈશું. આવતા મહિનાઓમાં અમારે અમેરિકાનું ઉદાહરણ અનુસરવું પડશે અને ચીની ઉત્પાદનો પર સખ્ત ટેરિફ લગાવવા જેવા કડક પગલાં ઉઠાવવા પડશે.'
આ નિવેદન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અત્યાર સુધી યુરોપ, અમેરિકાની તુલનામાં ચીન પ્રત્યે થોડું નરમ વલણ અપનાવતું આવ્યું છે. પરંતુ મેક્રોનનું આ નિવેદન 'સોફ્ટ ડિપ્લોમસી'ના અંતનો સંકેત છે.
આ પણ વાંચો: 29 વર્ષીય લુઆના લોપેઝ લારા વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ બની
EUની ચીન સાથેની વેપાર ખાધમાં 60% નો જંગી વધારો
યુરોપની નારાજગી કારણ વગરની નથી. આંકડા દર્શાવે છે કે 2019 પછી યુરોપિયન યુનિયન(EU)ની ચીન સાથેની માલ વેપાર ખાધ લગભગ 60% જેટલી વધી ગઈ છે. ફ્રાન્સની સ્થિતિ પણ તેનાથી અલગ નથી. 19 ટ્રિલિયન ડોલર વાળી ચીની અર્થવ્યવસ્થાની સામે ફ્રાન્સનું વેપાર સંતુલન સતત બગડી રહ્યું છે. ચીનમાંથી સસ્તા ઇલેક્ટ્રિક વ્હીકલ, સોલાર પેનલ અને સ્ટીલ યુરોપના બજારોમાં છલકાઈ ગયા છે, જ્યારે યુરોપિયન કંપનીઓને ચીની બજારમાં પ્રવેશવા માટે કડક નિયમો અને પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.
યુરોપ 'બે પાટો વચ્ચે' પિસાઈ રહ્યું છે: મેક્રોન
મેક્રોને યુરોપિયન ઉદ્યોગની વર્તમાન સ્થિતિને અત્યંત નાજુક ગણાવી છે, જે બે પાટોની વચ્ચે પિસાઈ રહ્યું છે. એક તરફ, અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ દ્વારા સંરક્ષણવાદને પ્રોત્સાહન આપે છે, જ્યારે બીજી તરફ, ચીન તેની સબસિડીવાળી મેન્યુફેક્ચરિંગ દ્વારા બજારો પર કબજો કરી રહ્યું છે. મેક્રોનના મતે, આ સ્થિતિ યુરોપના ઔદ્યોગિક અને ઇનોવેશન મોડેલ માટે મોટો ખતરો છે અને તે જીવન-મૃત્યુનો સવાલ છે. તેમણે ચેતવણી આપી કે યુરોપ વિશ્વનું 'એડજસ્ટમેન્ટ માર્કેટ' બની ગયું છે, જ્યાં અમેરિકન ટેરિફ બાદ ચીન પોતાનો વધારાનો માલ ઠાલવી દે છે, જેનાથી યુરોપિયન બજારો બરબાદ થઈ રહ્યા છે.
મેક્રોનનો 'સેમિકન્ડક્ટર Vs રેર અર્થ'નો સુલહ પ્રસ્તાવ
મેક્રોને ચીન સામે દંડને બદલે સુલહનો એક દ્વિ-પક્ષીય ફાયદાકારક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમના પ્રસ્તાવ મુજબ, યુરોપ સેમિકન્ડક્ટર મશીનરી(ચિપ બનાવવાની મશીનો)ના નિકાસ પ્રતિબંધોમાં ઢીલ આપી શકે છે, જેની ચીનને તેની ટેક ઇન્ડસ્ટ્રી માટે સખત જરૂર છે. બદલામાં, ચીને 'રેર અર્થ મિનરલ્સ'(બેટરી, ફોન અને સંરક્ષણ ઉપકરણો માટે મહત્ત્વપૂર્ણ ખનીજો)ના નિકાસ પરની સીમાઓ હટાવવી પડશે. આ ઉપરાંત, મેક્રોને ચીની કંપનીઓને યુરોપમાં માત્ર માલ વેચવાને બદલે રોકાણ કરવા અને ફેક્ટરીઓ સ્થાપવા માટે પણ આહ્વાન કર્યું, જેથી યુરોપ માટે તક અને મૂલ્ય પેદા થઈ શકે.
ભારત માટે 'ગોલ્ડન ચાન્સ' શા માટે?
નિષ્ણાતો કહી રહ્યા છે કે જો યુરોપ ચીની વસ્તુઓ પર ભારે ટેરિફ લગાવશે, તો ત્યાં ચીની માલ મોંઘો થઈ જશે. આવી સ્થિતિમાં, ભારતીય ઉત્પાદનો માટે યુરોપના બજારમાં જગ્યા બનશે.
- ચીન ટેક્સટાઇલનો મોટો નિકાસકાર છે. જો તેના પર પ્રતિબંધ લાગશે, તો ભારત, જે ટેક્સટાઇલનો ગઢ છે, તે યુરોપની માગ પૂરી કરી શકે છે.
- યુરોપ દવાઓ અને રસાયણો માટે ચીન પર નિર્ભર છે. ભારત આ ખાધને સરળતાથી ભરી શકે છે.
- ચીની સ્ટીલ પર પાબંદી લાગવાથી ભારતીય ટાટા સ્ટીલ અને JSW જેવી કંપનીઓને યુરોપમાં મોટું બજાર મળી શકે છે.
- યુરોપિયન કંપનીઓનો ચીન પરનો ભરોસો ઓછો થશે. આ યુરોપિયન કંપનીઓ પોતાની સપ્લાય ચેઇનને ચીનમાંથી બહાર કાઢવા માંગશે. ભારત તેની PLI(પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમ અને સસ્તા શ્રમના કારણે આ કંપનીઓ માટે સૌથી સારો વિકલ્પ બનીને ઉભરશે. વિયેતનામ સાથે ભારતની સ્પર્ધા રહેશે, પરંતુ ભારતનું મોટું બજાર આપણને વધુ ફાયદો અપાવે છે. યુરોપને ચીનના વિકલ્પ તરીકે એક મોટા અને ભરોસાપાત્ર બજારની જરૂર છે. આ ઉપરાંત, ભારત યુરોપિયન યુનિયન સાથે વેપાર સમજૂતી કરવાની પણ તૈયારીમાં છે.

