ટ્રમ્પે કરાવેલું સીઝફાયર 45 દિવસમાં ખોરંભે! થાઈલેન્ડની કમ્બોડિયા પર ફરી એરસ્ટ્રાઈક, F16થી હુમલો

Thailand Launches Air Strikes on Cambodia: શાંતિના પ્રયાસો છતાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી મધ્યસ્થીથી માત્ર 45 દિવસ પહેલાં જ જે સીઝફાયર કરાર થયો હતો, તેને તોડીને થાઇલેન્ડે ફરી એકવાર કંબોડિયાની સરહદ પર એર સ્ટ્રાઇક કરી છે. થાઇલેન્ડની સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇ સુવારીના સોમવારના નિવેદન મુજબ, થાઇલેન્ડે તેની વિવાદાસ્પદ સરહદ પર હવાઈ હુમલા કર્યા છે, જ્યારે બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામ ભંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે દક્ષિણ-પૂર્વ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
એર સ્ટ્રાઇક્સથી થાઇ સેનાને જાનહાનિ
થાઇલેન્ડે કંબોડિયાની સરહદ પર હુમલા કરવા માટે F-16 ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. થાઇ સેનાએ જાહેર કરેલા નિવેદન અનુસાર, ઉબોન રાચથાની પ્રાંતના પૂર્વીય વિસ્તારમાં થયેલી બે નવી અથડામણોમાં એક થાઇ સૈનિક શહીદ થયો અને અન્ય ચાર ઘાયલ થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને અનવર ઇબ્રાહિમે કરાવી હતી મધ્યસ્થી
આ સરહદી વિવાદ જુલાઈમાં પાંચ દિવસના સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ, અમેરિકન પ્રલુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે યુદ્ધવિરામ કરાર કરાવ્યો હતો. ઑક્ટોબરમાં કુઆલાલંપુરમાં યોજાયેલા એક મોટા યુદ્ધવિરામ કરાર પર થયેલા હસ્તાક્ષરના ટ્રમ્પ સાક્ષી બન્યા હતા, તેમ છતાં આ યુદ્ધવિરામ બે મહિના કરતાં પણ ઓછો સમય ટક્યો.
થાઇલેન્ડનો આરોપ: કંબોડિયાએ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી
થાઇલેન્ડે કંબોડિયા પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. થાઇલેન્ડના મીડિયા અહેવાલ મુજબ, રોયલ થાઇ આર્મીના કમાન્ડરોએ થાઇ-કંબોડિયાઈ સરહદ પરના ઘણા વિસ્તારોમાં સંઘર્ષ વધી રહ્યાની માહિતી આપી. થાઇ સેનાએ આ પરિસ્થિતિનો નિયમો અનુસાર જવાબ આપ્યો અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં તાત્કાલિક મદદ કરી.
આ ઉપરાંત, 7 ડિસેમ્બરે સતત લડાઈ ચાલુ રહ્યા પછી, કંબોડિયાના સૈનિકોએ સી સા કેટ પ્રાંતના કંથારાલાક જિલ્લામાં આવેલા ફૂ ફા લેક-પ્લાન હિન પટ કોન વિસ્તાર પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: ગૂગલ AI ગ્લાસથી અજાણ્યા લોકોની અંગત માહિતીઓ પણ જાણી શકાશે
રાષ્ટ્રીય સુરક્ષાના જોખમ સામે થાઇલેન્ડનો જવાબ
થાઇ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇના જણાવ્યા મુજબ, સોમવારે વહેલી સવારે 5.05 વાગ્યે ઉબોન રાચથાની પ્રાંતના ચોંગ આન મા વિસ્તારમાં અથડામણ શરૂ થઈ. કંબોડિયાના સૈનિકોએ નાના અને પરોક્ષ-ફાયર હથિયારોથી ગોળીબાર શરૂ રાખ્યો હતો.
રોયલ થાઇ એર ફોર્સ(RTAF)ના પ્રવક્તા એર માર્શલ જૈક્રિટ થમ્માવિચઈએ જણાવ્યું કે આ ઓપરેશન સુરનારી ટાસ્ક ફોર્સ સાથે મળીને કરવામાં આવ્યું. આ કાર્યવાહી કંબોડિયાની લશ્કરી કાર્યવાહીના જવાબમાં હતી, જેનાથી થાઇલેન્ડની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને સીધો ખતરો હતો.
થાઇ સેનાએ દાવો કર્યો છે કે કંબોડિયાએ સરહદ પર ભારે હથિયારો અને લડાકુ યુનિટ્સ તૈનાત કર્યા હતા. આ ગતિવિધિઓથી થાઇ સરહદ વિસ્તાર માટે ખતરો પેદા થઈ શકે તેમ હતો. તેથી, કંબોડિયાની સૈન્ય ક્ષમતાઓને રોકવા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે હવાઈ તાકાતનો ઉપયોગ કરવો જરૂરી બન્યો.
થાઇલેન્ડ પર 'ક્રૂર અને અમાનવીય' હુમલાનો આરોપ
કંબોડિયાના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયે થાઇ સૈન્ય દળો પર ક્રૂર અને અમાનવીય હુમલાઓ શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે. કંબોડિયાએ આ હુમલાઓને માત્ર છ અઠવાડિયા પહેલાં હસ્તાક્ષર કરાયેલા દ્વિપક્ષીય શાંતિ કરારનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું.
આ પણ વાંચો: 29 વર્ષીય લુઆના લોપેઝ લારા વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ બની
કંબોડિયાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ મેલી સોચિયાટાએ જણાવ્યું કે હુમલા 8 ડિસેમ્બરે સવારે 5:04 વાગ્યે આન સેસ વિસ્તારમાં શરૂ થયા. થાઇ સેનાએ પ્રીહ વિહાર મંદિર સહિતના અનેક વિસ્તારો તરફ દારૂગોળા વરસાવ્યા, જેને કંબોડિયાએ ઉશ્કેરણી બાદનો સંકલિત હુમલો ગણાવ્યો.
મંત્રાલયે કહ્યું કે, આ હુમલો થાઇ સેના દ્વારા થયેલી ઘણી ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ પછી થયો હતો. જોકે, બે અલગ-અલગ હુમલાઓ છતાં કંબોડિયાની સેનાએ મહત્તમ સંયમ જાળવ્યો, વળતો ગોળીબાર ન કર્યો અને શાંતિપૂર્ણ સમાધાનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. કંબોડિયાઈ કમાન્ડર પરિસ્થિતિ પર સંપૂર્ણ સતર્કતા અને સાવધાનીથી નજર રાખી રહ્યા છે.
ટ્રમ્પે 45 દિવસ પહેલાં કરાવ્યું હતું સીઝફાયર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 45 દિવસ પહેલાં જ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સીમા વિવાદમાં સીઝફાયર કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના 2025માં બની હતી, જ્યારે જુલાઈના અંતમાં સરહદ પર અથડામણો થઈ. ટ્રમ્પે 26 જુલાઈ, 2025ના રોજ બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી અને વેપારના દબાણની ધમકી આપીને તાત્કાલિક સીઝફાયર માટે રાજી કર્યા. ત્યારબાદ 28 જુલાઈ, 2025થી સીઝફાયર પ્રભાવી થઈ ગયો. તેની ઔપચારિક ઘોષણા અને વિસ્તૃત કરાર 26 ઑક્ટોબર, 2025ના રોજ મલેશિયાના કુઆલાલંપુરમાં આસિયાન શિખર સંમેલન દરમિયાન થયો, જ્યાં ટ્રમ્પ પણ સામેલ હતા.

