મસ્કને ટ્રમ્પ સાથે જીભાજોડી અને રાજકારણમાં એન્ટ્રી કરવી ભારે પડી, 24 કલાકમાં 1.31 લાખ કરોડ ગુમાવ્યા
Elon Musk And Donald Trump Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન, દક્ષિણ કોરિયા સહિત 14 દેશો પર નવો ટેરિફ ઝિંકવાની જાહેરાત કર્યા બાદ અમેરિકન શેર બજારમાં ધરખમ ઘટાડો થયો છે. બીજીતરફ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કને ટ્રમ્પ સાથે જીભાજોડી કરવી તેમજ ટ્રમ્પની વિરુદ્ધમાં નવી રાજકીટ પાર્ટી બનાવવાની જાહેરાત કરવી ભારે પડી છે. ટ્રમ્પ સાથે દુશ્મની કરનાર મસ્કની કંપની ટેસ્લાના શેર ક્રેશ થયા છે અને કંપનીએ 24 કલાકમાં 15.3 અબજ ડૉલર (લગભગ 1.31 લાખ કરોડ રૂપિયાથી વધુ)નું નુકસાન થયું છે. જ્યારથી ટ્રમ્પ સાથે શિંગડા ભેરવ્યા છે, ત્યારથી મસ્કની નેટવર્થમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે.
મસ્કને ટ્રમ્પ સાથે વિવાદ ભારે પડ્યો, નેટવર્થમાં ધરખમ ઘટાડો
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા તેમજ સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્ક અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરની ઘટનાની વાત કરીએ તો અમેરિકાના 249માં સ્વતંત્રતા દિવસ પર ટ્રમ્પે ‘બિગ બ્યૂટીફુલ બિલ’ લાગુ કર્યું છે, જેના કારણે ઈલોન મસ્કે ટ્રમ્પની ભારે ટીકા કરી છે. ટ્રમ્પે મસ્કની મુશ્કેલીનું કારણ જણાવતા કહ્યું કે, આ બિલમાં ઈવી ખરીદવા પર મળી રહેલ ટેક્સ ફાયદો ખતમ થઈ ગયો છે, જેના કારણે મસ્ક પરેશાન છે. ટ્રમ્પના પ્રહારો પણ મસ્કો પણ જવાબ આપ્યો છે. ટેસ્લાના માલિકે ટ્રમ્પના જવાબમાં ‘અમેરિકન પાર્ટી’ નામથી નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.
મસ્કની નેટવર્થ 2025માં 15.3 અબજ ડૉલર ગગડી
ટ્રમ્પ સાથે વિવાદ ઉભો કર્યા બાદ મસ્ક મોટા નુકસાનીનો સામનો કરી રહ્યા છે અને તેમની નેટવર્થ દિવસે ને દિવસે ઘટી રહી છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સના ડેટા મુજબ માત્ર 24 કલાકની અંદર મસ્કની સંપત્તિ 15.3 અબજ ડૉલર ઘટી ગઈ છે, ત્યારબાદ તેમની નેટવર્ગ ગગડીને 345 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. આ સાથે મસ્કને 2025માં કુલ 86.7 અબજ ડૉલરનું નુકસાન વેઠ્યું છે.