અમેરિકાએ ટેરિફ બોંબ ઝિંકતા જાપાનના વડાપ્રધાન નારાજ, ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું- ‘રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નહીં’
America Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ બોંબ ઝિંકવાની જાહેરાત કરી છે. તેમણે જાપાનથી લઈને દક્ષિણ કોરિયા પર 25 ટકાથી લઈને 36 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે અનેક દેશો નારાજ થયા છે. આ ક્રમમાં જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ અમેરિકાની ટેરિફ નીતિથી નારાજ થયા છે. તેમણે મંગળવારે (8 જૂન) કહ્યું કે, ‘ટ્રમ્પનો જાપાન પર 25 ટકા ટેરિફ ઝિંકવાનો નિર્ણય ખૂબ જ નિરાશાજનક છે. સમસ્યાનો ઉકેલ લાવવા અને પરસ્પર લાભ માટે દ્વિપક્ષીય ચર્ચા-વિચારણા કરવાના પ્રયાસો ચાલુ રહેશે.’ તેમણે ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમારો દેશ રાષ્ટ્ર હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે.
‘અમે અમેરિકા સાથે વાત ચાલુ રાખીશું, પણ અમારા રાષ્ટ્ર હિતને નુકસાન નહીં પહોંચાડીયે’
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા (Japan PM Shigeru Ishiba)એ ટાસ્ક ફોર્સની બેઠકમાં કહ્યું કે, ‘અમેરિકા અને જાપાન વચ્ચે ફાયદાકારક સમજૂતી થઈ શકે તે માટે અમે અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખીશું. જોકે અમે અમારા રાષ્ટ્ર હિતોથી પીછેહઠ નહીં કરીએ.’ અમેરિકા સાથે વેપાર સમજૂતી ધીમી ગતિએ આગળ વધવા મામલે તેમણે કહ્યું કે, ‘અમારે અમારા રાષ્ટ્ર હિત સાથે સમજૂતી ન કરવી પડે, જે જરૂરી છે અને તેની રક્ષા થઈ શકે તે માટે જાપાન સરકાર અમેરિકા સાથે વેપાર સમજૂતી મામલે ઉતાવળિયું પગલું ભરવા માંગતી નથી’
અમેરિકાએ આ 14 દેશો પર ઝિંક્યો ટેરિફ બોંબ
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ પહેલી ઓગસ્ટથી જાપાન, દક્ષિણ કોરિયા સહિત 14 દેશો પર નવી ટેરિફ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા જાપાનમાંથી કાર, કારના સ્પેરપાર્ટ્સ, ફાર્માસ્યૂટિકલ્સ અને મશીન ડિવાઈસની આયાત કરે છે. અમેરિકાએ જે 14 દેશો પર નવો ટેરિફ બોંબ ઝિંક્યો છે, તેમાં બાંગ્લાદેશ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કંબોડિયા, ઇન્ડોનેશિયા, જાપાન, કઝાકિસ્તાન, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, સર્બિયા, ટ્યુનિશિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
પહેલી ઓગસ્ટથી લાગુ થશે નવી ટેરિફ નીતિ
આ ટેરિફ પહેલી ઓગસ્ટથી લાગુ થશે. નવા ટેરિફ દર સ્ટીલ, એલ્યુમીનિયમ અને ઓટો પાર્ટ્સ પર પહેલાથી લાગુ કરાયેલા ટેરિફથી અલગ હશે. વોશિંગ્ટને ચેતવણી આપી છે કે, જો કોઈ દેશ ત્રીજા દેશો મારફતે માલ-સામાન મોકલીને ટેરિફથી બચવાનો પ્રયાસ કરશે, તો તેના પર પણ ઊંચા દર સાથે દંડ લગાવવામાં આવશે.
જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા ટેરિફ
અમેરિકાએ જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જ્યારે લાઓસ પર 40 ટકા, દક્ષિણ આફ્રિકા પર 30 ટકા, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા અને ઈન્ડોનેશિયા પર 32 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) એવી પણ ચેતવણી આપી હતી કે, જો આ દેશોએ કોઈ બદલો લીધો તો તેઓ આ દેશોમાંથી આવતા માલ પર આયાત ડ્યુટી પણ લાદશે.