World

અલ નીનોએ વધાર્યું વિશ્વનું ટેન્શન! 2026-27માં ગરમીના કહેરથી 4.5 લાખથી વધુ લોકોના મોતનું અનુમાન, ભારત માટે ચિંતાજનક રિપોર્ટ

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ-નીનો 2026-27માં વૈશ્વિક તાપમાન જોખમી સ્તરે વધારશે. યુનિવર્સિટી ઓફ શિકાગોના રિપોર્ટ મુજબ, જૂન 2026 થી ફેબ્રુઆરી 2027 દરમિયાન વિશ્વમાં ગરમીથી 4,51,000 વધારાના મૃત્યુનો અંદાજ છે, જેમાં ભારતમાં 15,800 લોકોના મોતની સંભાવના છે. આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી વધુ અસર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ નીનોએ વધાર્યું વિશ્વનું ટેન્શન! 2026-27માં ગરમીના કહેરથી 4.5 લાખથી વધુ લોકોના મોતનું અનુમાન, ભારત માટે ચિંતાજનક રિપોર્ટ

El Nino 2026, Global Heat Deaths Report : પ્રશાંત મહાસાગરમાં સક્રિય થઈ રહેલો અત્યંત શક્તિશાળી અલ-નીનો આગામી મહિનાઓમાં સમગ્ર વિશ્વમાં તાપમાનનો પારો જોખમી સ્તરે વધારી શકે છે. યુનિવર્સિટી ઓફ શિકાગોની ‘ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ’ દ્વારા જાહેર કરાયેલા નવા રિપોર્ટ અનુસાર, જૂન 2026થી ફેબ્રુઆરી 2027 વચ્ચે સામાન્ય વર્ષોની સરખામણીએ અંદાજે 4,51,000 વધારાના લોકો ગરમીના પ્રકોપને કારણે જીવ ગુમાવી શકે છે. આ આંકડો પહેલાથી નોંધાયેલા મોતોનો નથી, પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા દુનિયાના 24,000થી વધુ વિસ્તારોના તાપમાન અને મૃત્યુદરના ડેટાના આધારે લગાવવામાં આવેલો એક ગંભીર અંદાજ છે. આ વૈશ્વિક જોખમમાં ભારત પણ બાકાત નથી અને દેશમાં અંદાજે 15,800 વધારાના મોતોની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વૈશ્વિક તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઉછાળો અને હીટવેવના દિવસોમાં 44 ટકા વધારો

રિપોર્ટના તારણો દર્શાવે છે કે, આ અલ-નીનો દરમિયાન વિશ્વના જમીની વિસ્તારોનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં આશરે 1.2 ડિગ્રી સેલ્સિયસ વધારે રહી શકે છે. આ સાથે જ અતિશય ગરમ દિવસોની સંખ્યામાં પણ લગભગ 44 ટકાનો જંગી વધારો થવાની ધારણા છે. ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વી પહેલેથી જ ગરમ થઈ રહી છે, ત્યારે આ કુદરતી ઘટના સામાન્ય કરતાં ઘણા વધુ દિવસો સુધી આકરી લૂ અને અસહ્ય તાપમાન ઊભું કરશે. પહેલેથી ગરમ રહેતા પ્રદેશોમાં તાપમાનમાં થોડો પણ વધારો લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

ભારતમાં 15,800 મોતનું અનુમાન

ભારતમાં અલ-નીનોની વ્યાપક અને ઘાતક અસર જોવા મળી શકે છે. દેશમાં જૂન 2026 થી ફેબ્રુઆરી 2027 દરમિયાન ગરમી સંબંધિત 15,800 જેટલા વધારાના મોત થવાનું અનુમાન છે. આશ્ચર્યજનક રીતે, ડિસેમ્બર 2026 થી ફેબ્રુઆરી 2027 વચ્ચેના સમયગાળામાં જ આશરે 7,400 વધારાના મોતોની આશંકા દર્શાવવામાં આવી છે, જે દર્શાવે છે કે પરંપરાગત શિયાળાના મહિનાઓમાં પણ તાપમાન અસામાન્ય રીતે ઊંચું રહી શકે છે. આ ગરમીનો સૌથી વધુ ભોગ વૃદ્ધો, બહાર મજૂરી કરતા શ્રમિકો અને ગંભીર બીમારીઓથી પીડાતા નાગરિકો બનશે. ખાસ કરીને પૂરતા પાણી, હોસ્પિટલ કે કૂલિંગ સુવિધાઓનો અભાવ ધરાવતા વિસ્તારોમાં સંકટ વધુ ઘેરું બનશે.

આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા બનશે ગરમીના મુખ્ય કેન્દ્રો

આ વિનાશક ગરમીની સૌથી વધુ અસર એવા દેશો પર પડશે જ્યાં ગરમી સામે રક્ષણ મેળવવાના સંસાધનો અત્યંત મર્યાદિત છે. આફ્રિકાનો સાહેલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા છે, જ્યાં અંદાજે 66,800 વધારાના મોત થઈ શકે છે. દેશવાર આંકડા જોઈએ તો નાઇજીરિયામાં આશરે 31,400 અને સુદાનમાં 17,600 મોતનો અંદાજ છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ફિલિપાઇન્સ, વિયેતનામ, થાઇલેન્ડ અને કંબોડિયા મળીને આશરે 19,400 તેમજ ઇન્ડોનેશિયામાં 19,300 વધારાના મોતોની ભીતિ છે, જ્યારે બ્રાઝિલમાં આ આંકડો 13,300 સુધી પહોંચી શકે છે.

ફેબ્રુઆરી 2027 સુધી અલ-નીનોની અસર રહેવાની WMOની ચેતવણી

વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી અલ-નીનો ફેબ્રુઆરી 2027 સુધી સક્રિય રહી શકે છે. પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધી ગયું છે, જે વૈશ્વિક સ્તરે વરસાદ, પવન અને તાપમાનની પેટર્ન ખોરવી નાખશે. વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે ફેબ્રુઆરી 2027 માં અલ-નીનો સમાપ્ત થાય તો પણ તેની ગરમીની અસરો લાંબા સમય સુધી યથાવત રહેશે, ખાસ કરીને ઉત્તરી ગોળાર્ધના દેશોમાં પછીની ગરમીની ઋતુ પણ વધુ આકરી સાબિત થઈ શકે છે.

દુષ્કાળ, પૂર અને જંગલની આગનું જોખમ વધશે

અલ-નીનો માત્ર સીધા તાપમાનથી જ નહીં પરંતુ હવામાનની ચરમસીમાઓ દ્વારા પણ તબાહી મચાવી શકે છે. કેટલાક પ્રદેશોમાં ભયાનક દુષ્કાળ અને જંગલોમાં દાવાનળ ફાટી નીકળશે, જ્યારે અન્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ, તોફાનો અને વિનાશક પૂરની સ્થિતિ સર્જાશે. આ કુદરતી આફતોના કારણે કૃષિ ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા, જાહેર આરોગ્ય અને અર્થતંત્રને મોટો ફટકો પડશે.

પૂર્વતૈયારીઓ દ્વારા માનવીય નુકસાન ઘટાડવાની સલાહ

શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ ગ્રીનસ્ટોને સ્પષ્ટ કર્યું છે કે 4.51 લાખ મોતનો આંકડો કોઈ ચોક્કસ ભવિષ્યવાણી નથી પરંતુ એક ગંભીર સંભવિત ખતરાનું આકલન છે. આ રિપોર્ટનો હેતુ વિવિધ દેશોની સરકારો અને સ્થાનિક પ્રશાસનને સમયસર જાગૃત કરવાનો છે. અલ-નીનોને સંપૂર્ણપણે રોકવો અશક્ય છે, પરંતુ હીટવેવની સચોટ આગાહી, કૂલિંગ સેન્ટર્સની સ્થાપના, હોસ્પિટલોમાં વધારાના સ્ટાફ અને બેડની વ્યવસ્થા તેમજ ખુલ્લામાં કામ કરતા શ્રમિકો માટે યોગ્ય નિયમો બનાવીને આ મહામારી જેવા માનવીય નુકસાનને મોટા પાયે નિયંત્રિત કરી શકાય છે.