World

નેતન્યાહુના ખતરનાક ઈરાદા પર આઈઝનકોટે સકંજો કસ્યો, કહ્યું- નવી સરકાર ના બને ત્યાં સુધી ઈરાન પર હુમલો ના કરતા

By GS Team
13 Nov 20263 mins read
TukuTouch Logo
ઇઝરાયલમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ વચ્ચે પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝેનકોટે વડાપ્રધાન નેતન્યાહૂને પત્ર લખી ચેતવણી આપી છે. તેમણે નવી સરકાર રચાય ત્યાં સુધી ઈરાન સામે કોઈ મોટો સૈન્ય નિર્ણય ન લેવા અપીલ કરી. આઇઝેનકોટે રાષ્ટ્રીય સુરક્ષાના નિર્ણયો નવી બહુમતીવાળી સરકારને લેવા દેવા જણાવ્યું છે. આ પત્ર નેતન્યાહૂના કાર્યકાળ લંબાવવાના પ્રયાસો વચ્ચે મહત્ત્વનો મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેતન્યાહુના ખતરનાક ઈરાદા પર આઈઝનકોટે સકંજો કસ્યો, કહ્યું- નવી સરકાર ના બને ત્યાં સુધી ઈરાન પર હુમલો ના કરતા

Benjamin Netanyahu Iran Attack Warning : ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સત્તા સામે પડકાર ઊભો થયો છે. આ દરમિયાન વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર અને ઇઝરાયલના પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝેનકોટે નેતન્યાહૂને પત્ર લખીને મોટી ચેતવણી આપી છે. તેમણે નવી સરકારની રચના અને શપથવિધિ થાય ત્યાં સુધી ઈરાન સામે કોઈ મોટો સૈન્ય નિર્ણય ન લેવાની અપીલ કરી છે. આઇઝેનકોટના મતે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના નિર્ણયો લેતા પહેલાં નવી સરકારની રચનાની રાહ જોવી જોઈએ. ઇઝરાયલમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ વચ્ચે આ પત્રને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પોતાની કાર્યકારી સરકારનો કાર્યકાળ લંબાવવા માટે નેતન્યાહૂ ઈરાન સામે હુમલો કરી શકે છે. આ ચર્ચાઓને ત્યારે વધુ વેગ મળ્યો હતો, જ્યારે ઈરાન મુદ્દે નેતન્યાહૂ અને ઇઝરાયલના સેનાપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીર વચ્ચે મતભેદના અહેવાલો સામે આવ્યા હતા.

નેતન્યાહૂને પત્ર લખીને શું કહ્યું?

'ધ જેરુસલેમ પોસ્ટ'ના અહેવાલ અનુસાર, ગાદી આઇઝેનકોટે નેતન્યાહૂને લખેલા પત્રમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે નવી સરકારના શપથગ્રહણ સુધી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે અને કોઈ પણ મોટા નિર્ણયનો અમલ કરતાં પહેલાં નવી સરકારની રચનાની રાહ જોવામાં આવે. આઇઝેનકોટે પત્રમાં જણાવ્યું હતું કે નવી સરકાર પાસે નેસેટમાં બહુમતી હશે. તેથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા નિર્ણયો લેવાનો અધિકાર નવી સરકારને મળવો જોઈએ.

દરરોજ ગુપ્તચર અને રાજદ્વારી માહિતી આપવાની માગ

આઇઝેનકોટે આ મામલે એટર્ની જનરલ ગાલી બહરાવ-મિયારાને પણ હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન કાર્યાલય પાસે દરરોજ ગુપ્તચર અને રાજદ્વારી બાબતો અંગે બ્રીફિંગ આપવાની માગ કરી હતી. ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે તેમને સરકાર રચવા માટે બહુમતી સાબિત કરવાની તક આપી છે. આઇઝેનકોટ પાસે સરકાર રચવા માટે 28 દિવસનો સમય છે. જરૂર પડ્યે તેમને વધુ 14 દિવસ મળી શકે છે. આઇઝેનકોટની માગણી બાદ વડાપ્રધાન કાર્યાલયે તેમને બ્રીફિંગ આપવા સંમતિ આપી હતી. બુધવારે લખાયેલા પત્ર બાદ ગુરુવારે તેમને ઈરાન સંબંધિત મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી.

નેતન્યાહૂ અને આઇઝેનકોટ વચ્ચે સત્તાની લડાઈ

ગાદી આઇઝેનકોટ ઇઝરાયલના પૂર્વ સેનાપ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ સૈન્ય અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરીનો લાંબો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ નેતન્યાહૂ સાથે પણ કામ કરી ચૂક્યા છે. તેથી ઇઝરાયલની સુરક્ષા નીતિ અને રાજકીય પરિસ્થિતિ બંનેથી સારી રીતે પરિચિત છે. એક તરફ નેતન્યાહૂ પોતાની સત્તા બચાવવાના પ્રયાસમાં છે, તો બીજી તરફ આઇઝેનકોટ નવી ગઠબંધન સરકાર રચવા માટે બહુમતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. ઇઝરાયલની રાજનીતિમાં હવે બંને નેતાઓ વચ્ચેનો સત્તાસંઘર્ષ નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે.

અરબ પક્ષો બની શકે છે કિંગમેકર

ઇઝરાયલમાં નવી સરકારની રચનામાં અરબ પક્ષોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે. નેતન્યાહૂ સતત અરબ પક્ષોનો વિરોધ કરતા રહ્યા છે. બીજી તરફ, આઇઝેનકોટે શરૂઆતમાં આ પક્ષોનો વિરોધ કર્યો હોવા છતાં હવે સરકાર રચવા માટે તેમના સમર્થન પર આધાર રાખવો પડી શકે છે. આ સ્થિતિમાં બે સંભાવનાઓ છે. પ્રથમ, નેતન્યાહૂના કેટલાક સાથી પક્ષો આઇઝેનકોટ સાથે જોડાઈને નવી સરકારમાં ભાગીદાર બની શકે છે. બીજી તરફ, અરબ પક્ષો સરકાર રચવામાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. આ બંનેમાંથી કોઈ પણ સ્થિતિ સર્જાય તો ઇઝરાયલની રાજકીય દિશામાં મોટો ફેરફાર આવી શકે છે. હાલ સૌથી મોટો સવાલ એ છે કે સત્તા બચાવવા માટે પ્રયાસ કરી રહેલા નેતન્યાહૂ કેટલો સમય ટકી શકશે અને આઇઝેનકોટ નવી સરકાર રચવામાં સફળ થશે કે નહીં