જાપાનમાં 6.0 ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, સુનામીનું એલર્ટ નહીં

Earthquake in Japan: જાપાનની ધરતી ફરી એકવાર શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠી. જાપાનના હોન્શુના પૂર્વ કિનારા નજીક આ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ ભૂકંપની પુષ્ટિ કરી અને જણાવ્યું કે તેનું કેન્દ્ર તાકાસાકી શહેરથી આશરે 262 કિલોમીટર ઉત્તરપૂર્વમાં, 50 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.
જોકે સુનામીનું એલર્ટ નહીં
જોકે જાપાન વેધર એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી નથી પરંતુ તેમ છતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે જાપાનના સ્થાનિક સમય મુજબ 5 ઓક્ટોબરના રોજ રાત્રે 12:21 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ટોક્યો, સેન્ડાઈ અને ઇવાકી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચોઃ એચ-1બી વિઝા ફી 1 લાખ ડોલર કરવા સામે ફેડરલ કોર્ટમાં કેસ
ડરના માર્યા લોકો ઘરની બહાર દોડ્યા
આ શહેરોમાં ભૂકંપના આંચકા હળવા હોવા છતાં લોકો ભૂકંપ અનુભવતાની સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ઘણા ઘરો અને ઇમારતોમાં તિરાડો પડી ગયાના અહેવાલ છે. પોલીસ અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે.