US-Israel War With Iran : અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા ચાર દિવસથી ડ્રોન અને મિસાઇલથી ઈરાન પર હુમલા કરી રહ્યા છે. આના કારણે મિડલ ઈસ્ટમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આ યુદ્ધના કારણે સાત દેશોમાં કુલ 866 લોકોના મોત થયા છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ભયાનક ચેતવણી આપી છે.
ઈરાનનું બધું જ ખતમ : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આજે (3 માર્ચ) ફરી કહ્યું છે કે, ‘ઈરાન અમારી સાથે વાતચીત કરવા ઇચ્છે છે, જો કે મેં તેમને સ્પષ્ટ કહી દીધું છે કે, હવે તમે મોડું કરી દીધું છે.’ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘ઈરાનનું એર ડિફેન્સ, એર ફોર્સ, નેવી અને લીડરશિપ બધું જ ખતમ થઈ ગયું છે. હવે તેઓ વાતચીત કરવા ઇચ્છે છે. મેં તેમને કહ્યું, ખૂબ મોડું થઈ ગયું છે.’
ઈરાને ટ્રમ્પ સાથે વાતચીત કરવાની માંગ કરી હોવાના દાવા ફગાવાયા
ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ઈરાન અમેરિકા સાથે વાતચીત કરતા માંગે છે.’ ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા હેડ અલી લારીજાનીએ કહ્યું હતું કે, ‘ઈરાન અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત નહીં કરે.’ લારીજાનીએ મીડિયાના તે દાવાઓને ખોટા ગણાવ્યા હતા, જેમાં કહેવાયું છે કે, ‘ઈરાનના અધિકારીઓએ ટ્રમ્પ સાથે વાતચીત કરવાની માંગ કરી હતી.’
યુદ્ધનો આજે ચોથો દિવસ
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે શનિવારથી ઈરાન પર ડ્રોન અને મિસાઇલથી હુમલા ચાલી કરી દીધા છે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અને તેમની પત્ની મંસૂરેહ ખોજસ્તેહનીનું મોત થયું છે. ચાર દિવસથી ચાલી રહેલું આ યુદ્ધ ક્યારે અટકશે, તેના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈઝરાયલે મંગળવારે કહ્યું કે, તેની એર ફોર્સે ઈરાનમાં સરકારી સ્થળો પર આખી રાત હુમલા કર્યા છે, તેમાં પ્રેસિડેન્શિયલ કૉમ્પલેક્સ અને દેશની ટૉપ સિક્યોરિટી બોડીની બિલ્ડિંગો પણ સામેલ છે.
ઈરાને વળતો જવાબ આપી ઈઝરાયલ તેમજ ખાડી દેશોમાં અમેરિકન સૈન્ય બેઝ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ શનિવારથી અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે.
ઘણાં દેશોમાં યુદ્ધની અસર, 800થી વધુ લોકોના મોત
ઈરાન : અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ ઈરાની રેડ ક્રેસેન્ટના હવાલે જણાવ્યું છે કે, સમગ્ર ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 787 લોકોના મોત થયા છે. રાજ્ય મીડિયાના અહેવાલ મુજબ, શનિવારે છોકરીઓની એક પ્રાથમિક શાળા પર થયેલા હુમલામાં 168 બાળકો અને 14 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે.
લેબેનૉન : લેબેનૉન સરકારના જણાવ્યા અનુસાર, સોમવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા છે અને 154 લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલ : ઈઝરાયેલની કટોકટી સેવા 'મેગેન ડેવિડ એડોમ' અનુસાર, ઈરાન પર હુમલો થયા બાદ ઈઝરાયેલમાં પણ વળતી અસરમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈરાક : મિલિશિયાના મીડિયા ડિરેક્ટોરેટે રવિવારે માહિતી આપી હતી કે, ઈરાકના દિયાલા વિસ્તારમાં અમેરિકા-ઈઝરાયેલના હવાઈ હુમલામાં 'પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સ'ના ઓછામાં ઓછા ચાર સૈનિકો માર્યા ગયા છે.
કુવૈત : દેશની સેના અને સેન્ટકોમના જણાવ્યા અનુસાર, કુવૈતમાં શનિવારથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. જેમાં અમેરિકાના 6 સર્વિસ મેમ્બર અને કુવૈતના 2 સર્વિસ મેમ્બરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રવિવારે થયેલા હુમલામાં અન્ય એક વ્યક્તિનું મોત થયું હોવાનું આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે.
યુએઈ : સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં થયેલી હિંસક ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે.
બહેરીન : બહેરીનના રાજ્ય મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે, સલમાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક "વિદેશી જહાજ" પર મિસાઇલનો કાટમાળ પડવાને કારણે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ફફડ્યું! કહ્યું- અમે ભારત સાથે વાતચીત માટે તૈયાર


