બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી, 100થી વધુ ઈજાગ્રસ્ત
Image Source: Twitter
Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી ગઈ છે. શુક્રવારે બાંગ્લાદેશમાં જૂમાની નમાઝ બાદ હિંસા ભડકી ઉઠી હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ બાદ બે કાળજુ કંપાવનારી ઘટનાને અંજામ આપ્યો હતો. સૌથી પહેલા આ કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ એક સૂફી સંતની કબરને અપવિત્ર કરી અને ત્યારબાદ આ કટ્ટરપંથીઓએ તેમના મૃતદેહને કબરમાંથી કાઢી આગ લગાવી દીધી. બીજી તરફ જાતીય પાર્ટીની ઓફિસને આગ લગાવી દીધી. હિંસાની આ તાજેતરની ઘટનાએ આખા બાંગ્લાદેશને હચમચાવી મૂક્યો છે. બાંગ્લાદેશમાં ગત વર્ષે થયેલા તખ્તાપલટ બાદથી દેશમાં હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. મુસ્લિમ કટ્ટરપંથી સતત દેશના લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.
જાતીય પાર્ટીની ઓફિસને આગ લગાવી
બાંગ્લાદેશની લોકલ મીડિયાએ શનિવારે જણાવ્યું કે, બાંદગ્લાદેશની જાતીય પાર્ટીના ઢાકા સ્થિત કેન્દ્રીય કાર્યાલયમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી અને આગ લગાવી દીધી. 10 દિવસમાં આ બીજી ઘટના છે. આ ઘટના શુક્રવારે મોડી સાંજે ઘટી હતી, જ્યારે અન્ય એક રાજકીય પક્ષ, ગોનો અધિકાર પરિષદના નેતાઓએ રાજધાનીના શાહબાગ ખાતે એક રેલી યોજી અને જાપા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી. આ ઘટનાની પુષ્ટિ કરતા ફાયર સર્વિસીસ અને સિવિલ ડિફેન્સ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર રોજીના અખ્તરે જણાવ્યું કે, અમને સાંજે લગભગ 7:00 વાગ્યે સૂચના મળી હતી કે કેટલાક લોકોએ જાતીય પાર્ટીના કાર્યાલય પર ઈંટો અને પથ્થર ફેંક્યા અને પછી તેને આગ લગાવી દીધી.'
100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
બાંગ્લાદેશના પશ્ચિમ રાજબારી જિલ્લામાં 5 સપ્ટેમ્બરના રોજ શુક્રવારની નમાજ પછી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. આ કટ્ટરપંથીઓએ સૂફી દરવેશ નૂરા પગલાની કબરને પોતાના આતંકનો શિકાર બનાવી. હજુ બે અઠવાડિયા પહેલા જ નૂરા પગલાનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવ્યો હતો. આ કટ્ટરપંથીઓએ સૂફી દરવેશ નૂરા પગલાની કબર ખોદી, તેમના મૃતદેહને બહાર કાઢ્યો અને તેને આગ લગાવી દીધી. આ સાથે જ તેઓએ તેમની દરગાહમાં પણ તોડફોડ કરી. આ દરમિયાન નૂરા પગલાના કેટલાક અનુયાયીઓની આ કટ્ટરપંથીઓ સાથે અથડામણ થઈ હતી. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જાતીય પાર્ટીના કાર્યાલય પર હુમલો
મોહમ્મદ યૂનુસના નેતૃત્વ વાળી વચગાળાની સરકાર હેઠળ બાંગ્લાદેશમાં વધતી રાજનીતિક હિંસા વચ્ચે એક અઠવાડિયાની અંદર આ પ્રકારનો આ બીજો હુમલો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અચાનક કેટલાક કટ્ટરપંથીઓએ જાતીય પાર્ટીના કાર્યાલય પર હુમલો કરી દીધો. તેઓએ અંદરનું ફર્નિચર તોડી નાખ્યું અને આગ લગાવી દીધી. જાપા મહાસચિવ શમીમ હૈદર પટવારીએ આ હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે પાર્ટી તેના માટે ગોનો અધિકાર પરિષદને જવાબદાર ઠેરવે છે.
સરકાર આ ઘટનાની ન્યાયિક તપાસ કરાવે: શમીમ હૈદર પટવારી
શમીમ હૈદર પટવારીએ કહ્યું કે, 'સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસ કરાવવી જોઈએ. જો દોષિત ઠરે તો ગોનો અધિકાર પાર્ટીનું રજીસ્ટ્રેશન રદ કરી દેવું જોઈએ.' પત્રકારોને સંબોધતા જાપાના પ્રેસિડિયમના સભ્ય રેઝાઉલ કરીમે આડકતરી રીતે ગોનો અધિકાર પરિષદ પર નિશાન સાધતા કહ્યું કે, 'શાહબાગમાં રેલીનું આયોજન કરનારાઓનો જ આ હુમલા પાછળ હાથ હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, વચગાળાની સરકાર સુરક્ષા પૂરી પાડવામાં અને ભીડના હુમલાઓને રોકવામાં નિષ્ફળ ગઈ છે. જાતીય પાર્ટી બાંગ્લાદેશમાં હતી અને ભવિષ્યમાં પણ રહેશે.' જોકે, ગોનો અધિકાર પરિષદે આ આરોપોને નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો: BIG BREAKING | પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના
આ અગાઉ જાપાના કેન્દ્રીય કાર્યાલયમાં 30 ઓગષ્ટના રોજ થઈ હતી તોડફોડ
રિપોર્ટ સૂચવે છે કે આવા જ એક હુમલામાં જાપાના કેન્દ્રીય કાર્યાલયમાં 30 ઓગસ્ટના રોજ તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવી દેવામાં આવી હતી, જે કકરેલમાં તેના કાર્યકરો અને ગોનો અધિકાર પરિષદના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણના એક દિવસ બાદ થયો હતો. તે હુમલા બાદ આવામી લીગે જાપા કાર્યાલયમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપીની સખત નિંદા કરી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, આ ઘટના યુનુસ શાસનના પ્રત્યક્ષ સમર્થનથી બની હતી, જેના શાસન હેઠળ બાંગ્લાદેશમાં ટોળા-આતંકવાદ વ્યાપક છે. શેખ હસીનાના નેતૃત્વ હેઠળની લોકશાહી રીતે ચૂંટાયેલી આવામી લીગની સરકારને ઉથલાવી દેવામાં આવી ત્યારથી યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર હેઠળ બાંગ્લાદેશ હિંસા અને ભારે અરાજકતાની લપેટમાં છે.