Get The App

ક્વોડ સમિટ માટે ભારત આવશે ટ્રમ્પ? ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધોની થઈ શકે છે નવી શરુઆત

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
ક્વોડ સમિટ માટે ભારત આવશે ટ્રમ્પ? ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધોની થઈ શકે છે નવી શરુઆત 1 - image


India-US Relations: ભારત-અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સબંધોમાં હાલમાં તણાવ ચાલી રહ્યો છે, પરંતુ શું બંને નેતાઓની મિત્રતા ફરી પાટા પર ચઢશે? આ સવાલ વૈશ્વિક રાજદ્વારીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર તણાવ અને 50%  ટેરિફ હોવા છતાં, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની તક ક્વોડ (ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ) સમિટમાં મળી શકે છે. ભારત આ વર્ષે નવેમ્બરમાં આ સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે.

ટ્રમ્પે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ભારત-અમેરિકા વેપાર સંબંધોને એકતરફી આપત્તિ ગણાવી અને ભારત પર રશિયન ઓઇલ ખરીદવા બદલ 25% વધારાનો ટેરિફ સહિત કુલ 50% ટેરિફ લગાવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, ભારતે ટેરિફ શૂન્ય કરવાની ઓફર કરી હતી, પરંતુ તેમાં ખૂબ મોડું થઈ ગયું હતું. બીજી તરફ ભારતે આ ટેરિફને અન્યાયી, અણધારી અને ગેરવાજબી ગણાવ્યો છે. તેમ છતાં પીએમ મોદીએ ટ્રમ્પ સાથે શબ્દ યુદ્ધમાં ભાગ લીધો ન હતો અને તેને આર્થિક સ્વાર્થ ગણાવીને પોતાની પ્રતિક્રિયા સંયમિત રાખી છે. 

શનિવારે ટ્રમ્પે સકારાત્મક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં, મોદી અને હું મિત્રો રહીશું. તે એક મહાન વડાપ્રધાન છે. તે મહાન છે, પરંતુ હાલ મોદી જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. જો કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે.' ત્યારબાદ જવાબમાં પીએમ મોદીએ પણ પોસ્ટ કરતાં લખ્યું કે, 'અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકાના સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ અને તેમનું સમર્થન કરીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત સકારાત્મક અને દૂરદર્શી વ્યાપક તથા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.'

બંને નેતાઓ વચ્ચે ફોન કોલની સંભાવના વધી

ભારતે ટેરિફ વિવાદને પરિપક્વ અને વ્યવહારિક રીતે સંભાળ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે ટ્રમ્પ વિરુદ્ધ કોઈ તીખી ટિપ્પણી ન કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરી જશે. ભારતની આ સંયમિત પ્રતિક્રિયાએ ટ્રમ્પને તણાવ ઘટાડવાની તક આપી છે, જેના કારણે બંને નેતાઓ વચ્ચે ટૂંક સમયમાં ફોન કોલ થવાની શક્યતા વધી ગઈ છે. બંને નેતાઓએ છેલ્લે 17 જૂને વાત કરી હતી.

ક્વોડ સમિટ માટે ભારત આવશે ટ્રમ્પ? 

જોકે, ભારતમાં ક્વોડ સમિટમાં ભાગ લેવાના ટ્રમ્પના નિર્ણય અંગેની અનિશ્ચિતતા યથાવત્ છે. એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પે ભારતની મુલાકાત લેવાની યોજના રદ કરી દીધી છે, જે અગાઉ સ્વીકારવામાં આવી હતી. આ નિર્ણય વેપાર તણાવ અને રશિયા સાથે ભારતની ઓઇલ ખરીદી નીતિ પર અમેરિકાની નારાજગી દર્શાવે છે. ભારતે સંરક્ષણ સોદા અટકાવવાના અહેવાલોને નકારી કાઢ્યા છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ તણાવ ક્વોડ જેવા સંયુક્ત પ્રાદેશિક પહેલને અસર કરી શકે છે.

ભારત આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં વિદેશ મંત્રી એસ. જયશંકરના નેતૃત્વમાં પ્રતિનિધિત્વ કરશે. પીએમ મોદી તેમાં ભાગ નથી લઈ રહ્યા. આ કોઈ અસામાન્ય બાબત નથી, કારણ કે મોદીએ તેમના 11 વર્ષના કાર્યકાળમાં માત્ર ચાર વાર UNGA ને સંબોધિત કર્યું છે. તેમ છતાં બધાની નજર ક્વોડ સમિટ પર છે, જ્યાં ટ્રમ્પ અને મોદી વચ્ચેની મુલાકાત સંબંધોને નવી દિશા આપી શકે છે.

ટ્રમ્પ અને મોદી વચ્ચે વ્યક્તિગત તાલમેલ

ટ્રમ્પ અને મોદી વચ્ચેનો વ્યક્તિગત તાલમેલ ભૂતકાળમાં પણ ભારત-અમેરિકા સંબંધોનો આધાર રહ્યો છે. 2019માં હ્યુસ્ટનમાં હાઉડી મોદી અને 2020માં અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમોએ વૈશ્વિક મંચ પર તેમની મિત્રતા દર્શાવી હતી. પરંતુ તાજેતરનો તણાવ ખાસ કરીને રશિયન તેલ અને ભારત-પાકિસ્તાન મુદ્દા પર ટ્રમ્પના દાવાઓએ સંબંધોમાં તણાવ પેદા કર્યો છે.

ક્વોડ સમિટ જેમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે, તે બંને નેતાઓ માટે સંબંધો સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ મંચ બની શકે છે. ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને રશિયા-ચીન સાથેની તેની ભાગીદારીએ અમેરિકામાં કેટલીક ચિંતાઓ ઊભી કરી છે, પરંતુ ભારત-અમેરિકા સંબંધો લાંબા ગાળે મજબૂત રહેશે કારણ કે બંને દેશો વચ્ચે સંરક્ષણ, ટૅક્નોલૉજી અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં ઊંડા હિત જોડાયેલા છે.

આ પણ વાંચો: 'અમે દિલથી આભાર માનીએ છીએ...' ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ

વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી શક્તિઓ વચ્ચેની આ મિત્રતા ભલે તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહી હોય, પરંતુ તે તૂટી નથી. આગામી મહિનાઓ નક્કી કરશે કે, ટ્રમ્પ અને મોદી વચ્ચેની વ્યક્તિગત કેમિસ્ટ્રી ફરી એકવાર ભારત-અમેરિકા સંબંધોનો આધાર બની શકે છે કે નહીં.

Tags :