Trumps Christmas Offer For Illegal Migrants: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને US છોડવા માટે પ્રોત્સાહન આપવાની ઓફર કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે આ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ આ વર્ષના અંત સુધીમાં સ્વેચ્છાએ અમેરિકા છોડવા માટે સંમત થનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને 3,000 ડોલર (અંદાજિત 2.7 લાખ રૂપિયા) આપવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેમની મુસાફરીનો તમામ ખર્ચ પણ ઉઠાવશે.
વિભાગે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, 'વર્ષના અંત સુધીમાં CBP (કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન) હોમ એપ પર દેશનિકાલ માટે નોંધણી કરાવનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને મફત રિટર્ન ટિકિટ અને 3,000 ડોલરનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. જો આ એપ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનારાઓ દેશ છોડી શકતા નથી, તો તેમના દંડ માફ કરવામાં આવશે.'
ટ્રમ્પ વહીવટીતંત્રે મે મહિનામાં સમાન સ્ટાઇપેન્ડની જાહેરાત કરી હતી. દેશનિકાલ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકા વિરૂદ્ધ રશિયા અને ચીન-વેનેઝૂએલા આધુનિક યુગનું 'કુરૂક્ષેત્ર' બની રહેવાની ભીતિ
DHSના નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, 'CBP હોમ એપ દ્વારા સ્વ-દેશનિકાલ એ ગેરકાયદે ઇમિગ્રન્ટ પોતાને અને તેમના પરિવારોને આ રજાઓની મોસમમાં આપી શકે તેવી શાનદાર ભેટ છે. તે એક ઝડપી, મફત અને સરળ પ્રક્રિયા છે. ફક્ત એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારી માહિતી ભરો અને DHS બાકીનું કામ સંભાળશે. DHS તમારી ઘરે પાછા ફરવાની વ્યવસ્થા કરશે અને તમારી ટિકિટ માટે ચૂકવણી કરશે.'
તેણે ચેતવણી પણ આપી હતી કે જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ આ ખાસ ઓફરનો લાભ નહીં લે તેમની પાસે ફક્ત એક જ વિકલ્પ છે, તેમની ધરપકડ કરવામાં આવશે, દેશનિકાલ કરવામાં આવશે અને ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરી શકશે નહીં.
હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સે આ ઓફરનો લાભ લેવો જોઈએ અને પોતાની મેળે અમેરિકા છોડી દેવું જોઈએ, કારણ કે જો તેઓ નહીં કરે, તો અમે તેમને શોધીશું, તેમની ધરપકડ કરીશું, અને તેઓ ક્યારેય પાછા નહીં ફરે.
આ પણ વાંચો: માત્ર 57 હજારની વસતી ધરાવતા દેશ પર કબજો કરવા ટ્રમ્પ તલપાપડ! રશિયા-ચીનનું વધશે ટેન્શન
DHS અનુસાર, 1.9 મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સ્વેચ્છાએ અમેરિકા છોડી ગયા છે. જાન્યુઆરી 2025 થી હજારો લોકોએ 'CBP હોમ'નો ઉપયોગ કર્યો છે.


