Donald Trump Statement Israel Iran : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇઝરાયેલ અને ઈરાનને તાત્કાલિક અસરથી 'ગોળીબાર' (સૈન્ય હુમલા) રોકવા માટે અપીલ કરી છે. બંને દેશો વચ્ચે સીધી લડાઈનો એક નવો તબક્કો શરૂ થવાના કારણે સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ અને મોટા યુદ્ધનો ભય ઘણો વધી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બંને દેશોને શાંતિ રાખવાની અપીલ કરતા લખ્યું કે, 'ઇઝરાયેલ અને ઈરાને તરત જ પરસ્પર ગોળીબાર બંધ કરી દેવો જોઈએ.'
ટ્રમ્પની આ અપીલ એવા સમયે આવી છે, જ્યારે ઈરાને ઇઝરાયેલ પર ઉપરાઉપરી મિસાઈલો દાગી છે, અને તેના જવાબમાં ઇઝરાયેલે પણ ઈરાનની સરહદની અંદર ઘૂસીને ભયાનક જવાબી હુમલા કર્યા છે. ઇઝરાયેલના આ હુમલાઓમાં ઈરાનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેથી ઇઝરાયેલી ફાઇટર જેટ્સ માટે રસ્તો સાફ કરી શકાય. ઇઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું છે કે, 'તેમની સેના આગામી કેટલાક દિવસો સુધી ચાલનારી લડાઈ માટે સંપૂર્ણ તૈયાર છે, અને તેણે આગળના હુમલાની યોજનાઓને પણ મંજૂરી આપી દીધી છે.'
ઈરાને આપી તેલ-ગેસ પ્લાન્ટ્સ ઉડાવવાની ધમકી
બીજી તરફ, ઈરાને પણ ખુલ્લી ધમકી આપી છે કે, 'જો તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઊર્જા સંસાધનો) પર ઇઝરાયેલી હુમલા ચાલુ રહેશે, તો તે ઇઝરાયેલ, અમેરિકા અને તેમના સહયોગી દેશો સાથે જોડાયેલા તેલ અને ગેસ પ્લાન્ટ્સને નિશાન બનાવશે.' ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) ઇઝરાયેલના હાઇફા (Haifa) માં આવેલા ઇન્ડસ્ટ્રિયલ સાઇટ્સ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે, 'આ હુમલો ઈરાનની પેટ્રોકેમિકલ સુવિધા પર થયેલા ઇઝરાયેલી હુમલાનો બદલો હતો.'

હૂથીઓએ કરી દરિયાઈ નાકાબંધી
મધ્ય પૂર્વનો આ તણાવ હવે ઈરાન અને ઇઝરાયેલથી આગળ વધીને અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ ગયો છે. યમનના હૂથી બળવાખોરોએ જાહેરાત કરી છે કે, તેઓ ઇઝરાયેલ પર દરિયાઈ નાકાબંધી ફરી શરૂ કરી રહ્યા છે, અને ઇઝરાયેલી જહાજોની અવરજવર માટે 'બાબ અલ-મંડેબ સ્ટ્રેટ' (Bab al-Mandab Strait) ને સંપૂર્ણપણે બંધ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે તેલ અવીવ વિસ્તાર તરફ મિસાઈલ દાગી હોવાનો પણ દાવો કર્યો છે.
2 મહિનાના યુદ્ધવિરામનો ભંગ થયો : IDF
ઇઝરાયેલી સેના (IDF)ના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને જણાવ્યું કે, 'ઈરાને ઇઝરાયેલ પર હુમલો કરીને 2 મહિનાથી ચાલી રહેલા યુદ્ધવિરામ (Ceasefire)ના કરારનો ભંગ કર્યો છે, જ્યારે ઇઝરાયેલે ક્યારેય આ સમજૂતી તોડી નથી. તેમણે દાવો કર્યો કે રાતભર દરમિયાન ઈરાન તરફથી 22 મિસાઈલો અને યમન તરફથી 2 મિસાઈલો ઇઝરાયેલ પર દાગવામાં આવી છે, અને તેમની સેના આગામી દિવસો કે તેથી વધુ સમય સુધી ચાલનારી લડાઈ માટે સજ્જ છે.'


