ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- ‘પુતિન-ઝેલેન્સકી વચ્ચે નફરત, જોઈએ કે જો બંને સાથે બેસે તો શું થશે’
Russia-Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનો પ્રયાસ કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, તેમની પુતિન અને ઝેલેન્સ્કી સાથેની બેઠક નિષ્ફળ ગઈ છે. ટ્રમ્પે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેમણે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ટ્રમ્પે કહ્યું હતું કે, પુતિન-ઝેલેન્સ્કી સાથે સારી રીતે વાતચીત થઈ છે. આપણે ત્રિપક્ષીય (અમેરિકા-રશિયા-યુક્રેન) બેઠક યોજીશું. જોકે હવે તેમણે કહ્યું છે કે, પહેલા તેઓ બંને બેઠક કરે, પછી જરૂર પડશે તો તેઓ બંને સાથે બેઠક કરશે.
‘પહેલા પુતિન-ઝલેન્સ્કી પરસ્પર વાતચીત કરે’
ટ્રમ્પે માર્ક લેવિનના રેડિયો શોમાં કહ્યું કે, ‘પહેલા પુતિન-ઝલેન્સ્કીએ પરસ્પર વાતચીત કરવી જોઈએ. બંને નેતાઓએ પરસ્પર બેસીને વાત કરવી જોઈએ અને પછી જરૂર પડશે તો આગામી બેઠકમાં હું બંને નેતાઓ સાથે બેઠક કરીશ. પુતિન અને ઝેલેન્સ્કી એકબીજાના મુદ્દાઓ રજૂ કરી શકે તે માટે તેઓએ યુદ્ધવિરામ મામલે સમજૂતી કરાર કર્યા પહેલા પરસ્પર વાતચીત કરવી જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, ઝેલેન્સ્કી અને યુરોપના ટોચના નેતાઓએ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથે બેઠક યોજી હતી, જેમાં યુરોપીના ટોચના નેતાઓએ પણ પુતિન-ઝેલેન્સ્કી વચ્ચે પરસ્પર વાતચીત કરવાની સલાહ આપી હતી.
પુતિન-ઝેલેન્સ્કીએ મારા વગર એકવાર બેઠક કરવી જોઈએ : ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, ‘મારી પુતિન અને ઝેલેન્સકી સાથે સારી બેઠક થઈ છે. તેથી હવે હું માનું છું કે, બંને નેતાઓએ મારા વગર જ એકવાર બેઠક કરવી જોઈએ. હું જોવા માગું છું કે, આખરે બંને ભેગા મળીને દ્વિપક્ષીય બેઠકમાં શું ચર્ચા કરે છે. પુતિન-ઝેલેન્સ્કી વચ્ચે ખૂબ જ ખરાબ સંબંધો છે. હવે હું જોવા માગું છું કે, જો જરૂર છે તો બંને પરસ્પર શું બેઠક કરી રહ્યા છે. તેમની બેઠકમાં શું નિર્ણય લેવાય છે.’
ઝેલેન્સ્કી પુતિન સાથે બેઠક કરવા તૈયાર
અમેરિકન પ્રમુખે એમ પણ કહ્યું કે, ‘જો પુતિન-ઝેલેન્સ્કીની દ્વિપક્ષીય બેઠક બાદ એવું લાગશે કે, મારે પણ બેઠક કરવાની જરૂર છે, તો હું પણ તેમાં ભાગ લઈશ.’ ટ્રમ્પ સાથે બેઠક યોજ્યા બાદ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, તેઓ પુતિન સાથે બેઠક કરવા માટે તૈયાર છે. જોકે પુતિન તરફથી બેઠક અંગે કોઈપણ નિર્ણય લેવાયો નથી.
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિનની બેઠકમાં શું થયું હતું?
જ્યારે અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારે રશિયાનું કડક વલણ જોવા મળ્યું હતું. બેઠકમાં પુતિને યુદ્ધવિરામ અથવા યુક્રેન સમક્ષ ત્રણ શરતો રાખી હતી. તેમણે કહ્યું હતું કે, યુક્રેનના ક્રિમીયા અને ડોનબાસ જેવા શહેરોને રશિયામાં ભેળવી દેવા માટે સંમતી મળે અને માન્યતા પણ મળે. આ ઉપરાંત યુક્રેન નાટોમાં પણ સામેલ ન થાય. પુતિનની ત્રીજી શરત એ હતી કે, યુક્રેનમાં રશિયનોને સાંસ્કૃતિક અને રાજદ્વારી અધિકાર મળે. જો તેમને કોઈ મુશ્કેલી પડશે તો રશિયા કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હશે.