નોબેલની લાલચમાં યુક્રેનના ટુકડા કરાવવા રાજી ટ્રમ્પ ! બે મોટા શહેર રશિયાને અપાવવાના પ્લાનથી અનેક દેશો ચિંતિત
Donald Trump And Volodymyr Zelenskyy Meeting : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ નોબેલ મેળવવાની લાલચમાં યુક્રેનના ટુકડા કરવા બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ તો તેઓ રશિયા-યુક્રેનનું યુદ્ધ અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે યુદ્ધ મામલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક કરી હતી. અગાઉ તેમણે યુક્રેનને નાટોમાં સમાવવા માટે વિશ્વાસ પણ આપ્યો હતો, જોકે હવે તેઓ જાહેરમાં બોલી રહ્યા છે કે, યુક્રેન ક્રીમિયા શહેરને ભૂલી જાય. એટલું જ નહીં ટ્રમ્પ ડોનેટ્સ્ક અને લુહાન્સ્ક જેવા મોટા શહેરો પણ રશિયાને આપી દેવાના પક્ષમાં છે.
ટ્રમ્પ યુક્રેનના ત્રણ મોટા શહેરો રશિયાને આપવા માંગે છે
રિપોર્ટ મુજબ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાવાની છે. આ દરમિયાન ટ્રમ્પ ક્રીમિયા, ડોનેટ્સ્ક અને લુહાન્સ્ક જેવા મોટા શહેરો રશિયાને આપી દેવા માટે ઝેલેન્સ્કીને વાત કરે તેવી સંભાવના છે. જ્યારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠક યોજવાની વાતો સામે આવી હતી, ત્યારે ઝેલેન્સ્કીએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘અમેરિકા અમારા વગર પુતિન સાથે બેઠક યોજી રહ્યું છે. બેઠકમાં કોઈપણ ચર્ચા થાય, પરંતુ અમે અમારા હિતો વિરુદ્ધનો કોઈપણ નિર્ણય સ્વિકારીશું નહીં.’
અમેરિકન મીડિયામાં ટ્રમ્પની ટીકા
આમ જોઈએ તો ટ્રમ્પ યુક્રેનને નુકસાન પહોંચાડીને યુદ્ધ બંધ કરાવવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે. સીએનએન, ન્યુયોર્ક ટાઇમ્સ જેવી મીડિયા રાજદ્વારી રીતે ટ્રમ્પ-પુતિનની બેઠકને ટ્રમ્પની નિષ્ફળતા તરીકે જોઈ રહ્યા છે. અમેરિકન મીડિયાનું કહેવું છે કે, ‘અલાસ્કામાં યોજાયેલી બેઠકના કારણે પુતિન અને રશિયાને મુખ્ય કેન્દ્ર બનવાની તક મળી છે. બેઠક પછી જે વાતો સામે આવી છે, તેનાથી લાગી રહ્યું છે કે, ટ્રમ્પે પુતિનની શરતો માનીને જ બેઠક કરી છે.’
ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે યોજાશે બેઠક
ટ્રમ્પની ઇચ્છા છે કે, યુદ્ધવિરામ માટે પુતિને જે શરતો મૂકી છે, તે શરતોથી યુક્રેન રાજી થઈ જાય. સ્થિતિ એવી છે કે, ખુદ ઝેલેન્સ્કીનું માનવું છે કે, ટ્રમ્પ સાથે પુતિનની બેઠકમાં રશિયાની જ જીત થઈ છે. ખાસ વાત એ છે કે, હજુ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાવાની છે, જેમાં યુરોપના ટોચના નેતાઓ પણ જવાના છે. એવું કહેવાય છે કે, ટ્રમ્પે યુક્રેનના શહેરો રશિયાને આપી દેવાની જે વાતો કરી છે, તેનાથી અનેક દેશો નારાજ છે.
ટ્રમ્પ સાથે વિવાદ બાદ ઝેલેન્સ્કી ઍલર્ટ !
ટ્રમ્પ સાથે બેઠક યોજાય તે પહેલા ઝેલેન્સ્કી ઍલર્ટ થઈ ગયા છે, તેથી જ તેઓ યુરોપિયન નેતાઓને સાથે રાખીને ટ્રમ્પ સાથે બેઠક યોજવાના છે. અગાઉ ફેબ્રુઆરીમાં અમેરિકા પહોંચેલા ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) અને ટ્રમ્પ (US President Donald Trump) વચ્ચે બોલાચાલી થઈ હતી. ટ્રમ્પે યુક્રેનનો ઘણો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ જ કારણે ઝેલેન્સ્કી યુરોપિયન નેતાઓને સાથે રાખી ફરી ટ્રમ્પ સાથે બેઠક કરવાની યોજના ધરાવતાં હોઈ શકે છે. હવે યુરોપિયન નેતાઓની હાજરીથી આશા છે કે યુક્રેન પર કોઈપણ પ્રકારનું દબાણ ન આવે અને શાંતિ સમજૂતીની દિશામાં પારદર્શિતા જળવાઈ રહે.
ઝેલેન્સ્કી સાથે આ નેતાઓ પણ પહોંચશે અમેરિકા
આ બેઠકમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (France President Emmanuel Macron), જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને નાટોના મહાસચિવ માર્ક રુટ પણ સામેલ થશે. આટલી મોટી સંખ્યામાં યુરોપિયન નેતાઓનું વ્હાઇટ હાઉસ પહોંચવું એ વાત દર્શાવે છે કે, યુરોપ યુક્રેન મુદ્દે કોઈપણ સમજૂતીમાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જાળવી રાખવા માંગે છે. તાજેતરમાં ટ્રમ્પે પુતિન સાથે બેઠક કરી હતી, જેમાં ઝેલેન્સ્કીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ ઘટનાએ યુક્રેન અને યુરોપ બંનેની ચિંતામાં વધારો કર્યો છે કે, ક્યાંક અમેરિકા એકપક્ષીય નિર્ણય લેવાનો પ્રયાસ ન કરે.
આ પણ વાંચો : 'રશિયા પર મોટી પ્રગતિ, તેના પર નજર રાખો', ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરીને સસ્પેન્સ વધાર્યું