Get The App

Explainer: મહાસત્તાઓના દબાણને ભારત વશ થયું નથી, ઈતિહાસ સાક્ષી છે કે ઊલટાનું વધુ મજબૂત થયું છે

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
Explainer: મહાસત્તાઓના દબાણને ભારત વશ થયું નથી, ઈતિહાસ સાક્ષી છે કે ઊલટાનું વધુ મજબૂત થયું છે 1 - image


USA Tariff Effects: રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% સુધીના ભારે ટેરિફ લાદીને દબાણ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતે મચક ના આપી. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરે. આ પહેલીવાર નથી થયું કે અમેરિકાએ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોય. ભૂતકાળમાં આવું ઘણીવાર બની ચૂક્યું છે અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આવું બન્યું છે, ત્યારે ભારતે મજબૂતાઈથી જવાબ આપ્યો છે.

અમેરિકાના દબાણ સામે ભારત વશ ના થયું 

રશિયા પાસેથી ભારતની તેલ-ખરીદીને કારણ બનાવીને અમેરિકાના ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ભારત દ્વારા ક્રૂડ ખરીદવાથી યુક્રેન યુદ્ધમાં રશિયાને પરોક્ષ રીતે સહાય મળે છે. ટ્રમ્પની આ નીતિ અને નિવેદને બંને દેશ વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો કર્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે હંમેશાં પોતાના હિતોને પ્રાથમિકતા આપશે અને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખશે. 

ઇતિહાસમાં ડોકિયું કરીએ તો અમેરિકન દબાણે ભારતને નબળું નથી પાડ્યું, બલકે તેને વધુ મજબૂત અને સ્વાવલંબી બનાવ્યું છે. 1965માં ખાદ્ય સંકટથી લઈને 1998ના પરમાણુ પરીક્ષણ સુધી, ભારતે અમેરિકન દબાણનો સામનો કર્યો છે અને તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કર્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ ભારત તેની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખીને ટ્રમ્પના ટેરિફને પ્રભાવહીન બનાવી રહ્યો છે. અમેરિકી દબાણ સામે ભારત અડીખમ ઊભું રહીને વિજેતા સાબિત થયું હોય એવા ભૂતકાળના પ્રસંગો પર એક નજર નાખીએ.

આ પણ વાંચોઃ શું છે શી જિનપિંગની GGI ફોર્મ્યુલા? જેના કારણે અમેરિકાનું વધ્યું ટેન્શન, ભારત અને રશિયા રાજી

1) જ્યારે અમેરિકાએ ભારતને ભૂખે મારવાની ચાલ અજમાવી

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, અમેરિકાના તત્કાલીન પ્રમુખ લિન્ડન જોહ્ન્સને ભારતને ધમકી આપી હતી કે જો યુદ્ધ બંધ નહીં થાય તો અમેરિકા ઘઉં નહીં આપે. તે સમયે અમેરિકા PL-480 યોજના હેઠળ ભારતને ઘઉં પૂરું પાડતું હતું. અમેરિકાની ધમકીથી દેશમાં ભૂખમરાનો ભય સર્જાયો, પરંતુ તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અમેરિકન દબાણ સામે ઝૂક્યા નહીં. તેમની અપીલ બાદ દેશ ખાદ્ય આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યો અને હરિત ક્રાંતિની શરૂઆત થઈ, જેનાથી સમયાંતરે ખાદ્ય સુરક્ષામાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું. 

2) 1971માં નિક્સનની નીતિને વશ ન થઈને પાકિસ્તાનના બે કટકા 

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને પાકિસ્તાનને સક્રિય સમર્થન આપ્યું હતું. અમેરિકાએ બંગાળની ખાડીમાં USS એન્ટરપ્રાઇઝ નેવી કાફલો તૈનાત કરીને ભારત પર લશ્કરી દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. નિક્સને ભારતને અપાતી આર્થિક બંધ કરી અને પ્રતિબંધો લાદ્યા. આમ છતાં ભારતે પાકિસ્તાનના બે કટકા કરીને બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું અને અમેરિકાના દબાણને નિષ્ફળ બનાવ્યું.

3) ભારતનું પરમાણુ પરીક્ષણ ક્લિન્ટનને પસંદ ના પડ્યું 

1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એ પછી, અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનની સરકારે ભારત પર આર્થિક અને લશ્કરી પ્રતિબંધો લાદી દીધા. અમેરિકાને ઈશારે વર્લ્ડ બેન્ક અને IMF લોન રોકાઈ તથા લશ્કરી સહકાર સ્થગિત કરાયો. ભારતે નોન-પ્રોલિફરેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ- પરમાણુ શસ્ત્ર અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો અને તેની ‘નો ફર્સ્ટ યુઝ’ (અણુશસ્ત્રોનો પ્રથમ ઉપયોગ નહીં) ની પરમાણુ નીતિ જાળવી રાખી. આ પ્રતિબંધોની મર્યાદિત અસર રહી કારણ કે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને રશિયા-ફ્રાન્સ જેવા દેશોના સહયોગથી ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત બનાવી.

આ પણ વાંચોઃ પાકિસ્તાન સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ...', પૂર્વ NSAના ટ્રમ્પ પર પ્રહાર

4) ટ્રમ્પે તોતિંગ ટેરિફ લાદ્યા 

ટ્રમ્પે પણ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ભારતને ‘ટેરિફ કિંગ’ કહીને સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉત્પાદનો પર 25% ટેરિફ લાદ્યો. બીજા કાર્યકાળમાં આ ટેરિફ 50% સુધી વધારાયો છે. ટ્રમ્પે ઇમિગ્રેશન નીતિઓમાં પણ કડકાઈ કરી છે. આ ઉપરાંત ટ્રમ્પે ક્વાડ સમિટમાં હાજરી આપવાનો ઇનકાર કરી ભારત સાથેના સંબંધોમાં વધુ કડવાશ પેદા કરી.

ભારતની પ્રતિક્રિયાત્મક વ્યૂહનીતિ

ભારતે ટેરિફનો જવાબ ટેરિફથી આપવાને બદલે રાજદ્વારી વાટાઘાટોને પ્રાધાન્ય આપ્યું છે. સરકારે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે અને યુરોપ તથા દક્ષિણ-પૂર્વ એશિયામાં વૈકલ્પિક બજારો શોધી કાઢ્યા છે. ભારતે રશિયા અને ચીન સાથે સંબંધો મજબૂત કર્યા છે અને BRICS તથા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) જેવા બહુપક્ષીય મંચો પર સક્રિય ભૂમિકા નિભાવી છે.

અમેરિકામાં જ થઈ રહ્યો છે ટ્રમ્પનો વિરોધ

ટ્રમ્પની ભારત-વિરોધી નીતિઓનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે. ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલી, પૂર્વ વિદેશ મંત્રી જોન કેરી અને અર્થશાસ્ત્રી જેફ્રી સાસ જેવા નિષ્ણાતોએ ટ્રમ્પની નીતિઓની ટીકા કરી છે. યુએસ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા છે, કારણ કે તેના કારણે અમેરિકન ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવા પડે છે અને ફુગાવો વધે છે.

નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા

ટ્રમ્પની નીતિઓએ એક નવી વૈશ્વિક વ્યવસ્થાને જન્મ આપ્યો છે જેમાં એકલછત્ર અમેરિકન વર્ચસ્વનો અંત આવી રહ્યો છે. રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહકાર અમેરિકન પ્રભુત્વને પડકારી રહ્યા છે. ભારતે આ પરિસ્થિતિને તકમાં ફેરવી દીધી છે અને વૈશ્વિક મંચો પર તેની સ્થિતિ મજબૂત કરી છે.

Explainer: મહાસત્તાઓના દબાણને ભારત વશ થયું નથી, ઈતિહાસ સાક્ષી છે કે ઊલટાનું વધુ મજબૂત થયું છે 2 - image

Tags :