'ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી....', હવે ટ્રમ્પના મંત્રીનો મોટો દાવો
Donald Trump Minister New Claim on India-Pak Conflict: ભારત સામેના ટેરિફ યુદ્ધ વચ્ચે, અમેરિકાએ વધુ એક મોટો દાવો કર્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, 'જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 'યુદ્ધ' શરૂ થયું ત્યારે અમેરિકા તેમાં સીધું સામેલ હતું.' નોંધનીય છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લઈ રહ્યા છે. જ્યારે, ભારતે કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકાનો ઇનકાર કર્યો છે.
ટ્રમ્પ શાંતિના પ્રમુખઃ રૂબિયો
ગુરૂવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન રુબિયોએ કહ્યું કે, 'ટ્રમ્પ શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને તેમને શાંતિના પ્રમુખ પણ કહેવાયા છે. જ્યારે અમે જોયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું છે, ત્યારે અમે તેમાં સીધા સામેલ થયા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ સ્થાપવામાં સફળ રહ્યા.'
આ સિવાય તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે 10 મેના દિવસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, ભારત અને પાકિસ્તાને વોશિંગ્ટનની મધ્યસ્થતામાં રાત્રે લાંબી વાટાઘાટો બાદ પૂર્ણ અને તત્કાલ યુદ્ધવિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે અનેક પ્રસંગે એવો દાવો કર્યો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ તેમણે રોકાવ્યું. ગત રવિવારે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આ યુદ્ધ વિરામનો શ્રેય લીધો હતો.
થોડા દિવસો પહેલા વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પણ કહ્યું હતું કે, ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સહિત દુનિયાભરમાં અનેક સંઘર્ષને સમાપ્ત કરવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપવો જોઈએ.
આ પણ વાંચોઃ અમેરિકામાં વધુ એક હેલિકોપ્ટર ક્રેશ, પાઈલટ સહિત 2ના મોત, વીજળીના તાર સાથે અથડાયું હતું
સોશિયલ મીડિયા પર કર્યો દાવો
ટ્રમ્પે રવિવારે 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં રેડિયો હોસ્ટ અને લેખક ચાર્લમેન થા ગૉડની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ગૉડને મારી કે મારા કામ વિશે કંઈ ખબર જ નથી. મેં પાંચ યુદ્ધોનો અંત લાવ્યો હતો, જેમાં કોંગો રિપબ્લિક અને રવાન્ડા વચ્ચેના 31 વર્ષના લોહિયાળ સંઘર્ષનો પણ સમાવેશ થાય છે. તેમાં લગભગ 70 લાખ લોકો મોતને ભેટ્યા હતા અને તેનો કોઈ અંત દેખાતો નહોતો.
થોડા દિવસ પહેલા, એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો તમે તાજેતરની ઘટનાઓ પર નજર નાખો, તો આપણે ઘણા મુદ્દાઓ ઉકેલી લીધા છે... ઘણા ગંભીર યુદ્ધને ખતમ કર્યા છે... આ યુદ્ધોમાંથી એક ભારત અને પાકિસ્તાન વચ્ચે હતું, જેમાં પરમાણુ સંઘર્ષની શક્યતા હતી.'
ભારતનો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું કે, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બદલામાં શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરને કોઈપણ દેશના નેતાએ બંધ કરવા ભારતને કહ્યું નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવામાં કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નહોતો. ટ્રમ્પના દાવા અનુસાર, લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય વેપાર સાથે પણ જોડાયેલો નથી.