ટિકટોક મુદ્દે છેલ્લી ઘડીએ અમેરિકા-ચીનની ખાસ 'ડીલ'! ટ્રમ્પે કહ્યું- જિનપિંગ સાથે વાત કરીશ
America-China TikTok Deal : અમેરિકન સરકારે શોર્ટ-વિડિયો એપ TikTokને અમેરિકી માલિકીની શરતોનું પાલન કરવા માટે 17 સપ્ટેમ્બરની ડેડલાઈન આપી હતી, જોકે હવે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક મામલે ચીન સાથે એક મહત્ત્વની સમજૂતી થઈ હોવાના સંકેત આપ્યા છે. નવી સમજૂતી મુજબ હવે ટિકટોક અમેરિકામાં કાર્યરત રહેશે.
અમેરિકા-ચીન વચ્ચે ખાસ સમજૂતી થઈ : ટ્રમ્પ
ટિકટોક મામલે ટ્રમ્પે (US President Donald Trump) એક્સ પર લખ્યું છે કે, ‘યુરોપમાં અમેરિકા-ચીન વચ્ચે યોજાયેલી મહત્ત્વની વ્યાપારી બેઠક સફળ થઈ છે. આ બેઠક ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. એક ખાસ કંપની મામલે સમજૂતી થઈ છે, જેને આપણા દેશના યુવાઓ બચાવવા માંગતા હતા અને હવે તેઓ ખૂબ ખુશ થશે ! હું શુક્રવારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શિ જિનપિંગ (China President Xi Jinping) સાથે વાત કરીશ. અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે !’
પ્રતિબંધ છતાં અમેરિકામાં ટિકટોક કાર્યરત
ઉલ્લેખનીય છે કે, ચીની કંપની બાઈટડાન્સની માલિકીની ટિકટોક એપ પર અમેરિકાએ 19 જાન્યુઆરી-2025ના રોજ કાયદાકીય પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ એપ હજુ પણ અમેરિકામાં કાર્યરત છે. 2024માં અમેરિકી સંસદે કાયદો બનાવ્યો હતો કે, જો બાઈટડાન્સ તેની અમેરિકી હિસ્સેદારી નહીં વેચે તો ટિકટોક પર સંપૂર્ણ પ્રતિબંધિત લાદી દેવાશે. ત્યારથી આ મુદ્દે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી.