Donald Trump Big Statement : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, 'જો હું ન હોત તો આજે ઇઝરાયેલ પણ ન હોત. હું કદાચ કોઈ દિવસ ઇરાનના અયાતુલ્લાને મળીશ.' ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઇરાન સાથેનો સંઘર્ષ હજુ સંપૂર્ણપણે ખતમ થયો નથી, અને ઇરાન તરફથી પણ નિવેદનબાજી ચાલી રહી છે. નોંધનીય છે કે અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઇરાન પર હુમલો કર્યો હતો, અને ત્યારથી જ ઇરાન સાથે સંઘર્ષની સ્થિતિ સર્જાયેલી છે.
ટ્રમ્પે ઇરાનને લઈને બીજું શું કહ્યું?
ઇરાન અંગે વાત કરતા ટ્રમ્પે કહ્યું, 'ઇરાન પહેલાથી જ પરમાણુ હથિયાર ન રાખવા પર સહમત થઈ ચૂક્યું છે. તે પોતાનો નિર્ણય બદલી શકે છે, પરંતુ આ જ સૌથી મહત્વની બાબત હતી. મને અયાતુલ્લાને મળવાનું સૌભાગ્ય નથી મળ્યું. તે બહુ સારું નથી કરી રહ્યા. તે ગેરહાજર છે. ઇરાન પાસે બહુ ઓછા સૈનિકો છે. હું કદાચ કોઈ દિવસ ઇરાનના અયાતુલ્લાને મળીશ.'
ઇરાન યુદ્ધ માટે નેતન્યાહૂ દ્વારા ભોળવવામાં આવ્યા હોવાના સવાલ પર ટ્રમ્પે જણાવ્યું, 'મેં જ આની શરૂઆત કરી હતી. હું કોઈને નિરાશ કરવા નથી માંગતો, પરંતુ મેં આની શરૂઆત એટલા માટે કરી કારણ કે, આપણે તેમને પરમાણુ હથિયાર રાખવા ન દઈ શકીએ. જો હું ન હોત તો ઇઝરાયેલનું અસ્તિત્વ જ ન હોત.'
જેડી વેન્સ અને રુબિયોના વખાણ કર્યા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નેતા જેડી વેન્સ (JD Vance) અને માર્કો રુબિયો (Marco Rubio) ના પણ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું, 'મને જેડી વેન્સ અને માર્કો રુબિયો બંને પસંદ છે. મને તે બંને સાથે સારા લાગે છે. જેડી અને માર્કો એક શાનદાર જોડી બની શકે છે. બંને અત્યંત પ્રતિભાશાળી છે.' 2024માં જો બાઇડન સાથે થયેલી ડિબેટ વિશે પણ ટ્રમ્પે નિવેદન આપતાં કહ્યું કે, 'મેં તેમને જોયા અને કહ્યું, આ કેટલા સફેદ થઈ ગયા છે! તેમને શું થઈ ગયું છે?'
પોતાની પ્રશંસા કરી, નેતન્યાહૂની ટીકા!
ટ્રમ્પે પોતાની પ્રશંસા કરતા કહ્યું કે, 'હું જેનું પણ સમર્થન કરું છું, તે જીતે છે. એટલે કે દરેક વ્યક્તિ. તમે જોયું જ હશે ને, ગયા અઠવાડિયે? હું જેને સપોર્ટ કરું છું તે જીતે જ છે.' આ સાથે જ ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની પ્રશંસા પણ કરી અને સાથે થોડી ટીકા પણ કરી. ટ્રમ્પે એક્સિયોસ (Axios)ના રિપોર્ટ પર કહ્યું કે, મેં નેતન્યાહૂને કહ્યું હતું કે 'તમે બિલકુલ પાગલ છો. મને હંમેશા ગુસ્સો આવે છે. હું તેમનાથી થોડો પરેશાન હતો, તેમ છતા તે સતત લેબનોન સાથે લડી રહ્યા હતા. એક સમયે મેં કહ્યું હતું કે આપણે આને રોકીશું.'


