વેનેઝુએલાના પ્રમુખની માહિતી આપનારને 50 મિલિયન ડૉલરનું ઈનામ, ટ્રમ્પે કસ્યો સકંજો
Image: IANS |
Donald Trump: અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ માટે ઈનામી રકમને બમણી કરી દીધી છે. હવે માદુરોની ધરપકડ સાથે જોડાયેલી સૂચના આપનારને 50 મિલિયન ડૉલર (આશરે 417 કરોડ રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે. આ ઈનામ માદુરો પર નશીલા પદાર્થની તસ્કરી અને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે જોડાણના આરોપોને લઈને જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકન એટર્ની જનરલ પામ બૉન્ડીએ ગુરૂવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરી આ વિશે માહિતી આપી હતી.
આતંકવાદી સંગઠન સાથે જોડાણ?
બૉન્ડીએ કહ્યું કે, 'માદુરો આતંકવાદી સંગઠન જેમ કે ટ્રેન ડે અરાગુઆ, સિનાલોઆ અને કાર્ટેલ ઑફ ધ સન સાથે મળીને અમેરિકામાં ખતરનાક નશીલા પદાર્થ અને હિંસા ફેલાવી રહ્યા છે. તે દુનિયાના સૌથી મોટા ડ્રગ ટ્રાફિકર્સમાંથી એક છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. માદુરો દુનિયાના સૌથી મોટા નાર્કો-તસ્કરોમાંથી એક છે અને તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ બની ગયો છે.'
30 ટનથી વધુનો કોકીન જપ્ત
ડ્રગ એનફોર્સમેન્ટ એજન્સી (DEA)એ માદુરો અને તેના સહભાગી સાથે જોડાયેલા 30 ટનથી વધુના કોકીન જપ્ત કર્યા છે, જેમાં આશરે 7 ટન ખુદ માદુરો સાથે જોડાયેલું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ 700 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ (બે પ્રાઇવેટ જેટ અને નવ વાહન સહિત) પણ જપ્ત કરવામાં આવી છે.
અગણિત જિંદગી તબાહ
બૉન્ડીએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલું કોકીન હંમેશા ફેન્ટાલિન સાથે મિશ્રિત હોય છે, જે અમેરિકામાં ઓપિઓઇડ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યું છે. આ વેનેઝુએલા અને મેક્સિકો સ્થિત ડ્રગ કાર્ટેલ્સના પ્રમુખનો આર્થિક સ્ત્રોત છે અને અમેરિકન નાગરિકની અગણિત જિંદગી તબાહ કરવા માટે જવાબદાર છે.'
આ પહેલાં અમેરિકાએ માદુરોને પકડવા માટે 25 મિલિયન ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી. પરંતુ, હવે તેને વધારીને 50 મિલિયન ડૉલર કરી દીધી છે. બૉન્ડીએ કહ્યું કે, ઈનામને વધારીને 50 મિલિયન ડૉલર કરવાનો નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રનો છે, જે તેમને ન્યાયના કટઘરામાં લાવવાની દ્રઢતા દર્શાવે છે. ટ્રમ્પના નેતૃત્વમાં માદુરો ન્યાયથી બચી નહીં શકે.