Get The App

ફ્રાન્સના દરિયામાં મળી રહસ્યમય દીવાલ, 7000 વર્ષ જૂની માનવસર્જિત રચના હોવાનું વિજ્ઞાનીઓનું અનુમાન

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
ફ્રાન્સના દરિયામાં મળી રહસ્યમય દીવાલ, 7000 વર્ષ જૂની માનવસર્જિત રચના હોવાનું વિજ્ઞાનીઓનું અનુમાન 1 - image


AI IMAGE

France Undersea Wall: હજારો વર્ષ પૂર્વેના માનવજીવનની એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય ઝલક વિજ્ઞાનીઓને હાલમાં મળી આવી છે. ફ્રાન્સના પશ્ચિમી કિનારે સ્થિત બ્રિટ્ટેની પ્રદેશના સમુદ્ર તળિયે અનાયાસે એક લાંબી પથ્થરની દીવાલ મળી આવી છે, જે આશરે 7000 વર્ષ જૂની માનવસર્જિત રચના હોવાનું માનવામાં આવે છે. અંડરવોટર આર્કિયોલોજી(પાણીની અંદરનું પુરાતત્વ શાસ્ત્ર)ની આ શોધથી પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોમાં ઉત્સુકતા ફેલાઈ ગઈ છે.

સાગર તળિયે શું-શું મળી આવ્યું? 

આ અદ્ભુત શોધ ફ્રાન્સના પશ્ચિમી તટ પર આવેલા બ્રિટ્ટેની પ્રદેશમાં 'ઇલે ડી સીન' નામના ટાપુની નજીક સમુદ્રની અંદર કરવામાં આવી છે. સમુદ્ર સપાટીથી આશરે 9 મીટર નીચે આવેલી આ રચના મુખ્યત્વે ગ્રેનાઈટ પથ્થરોથી બનેલી છે. સૌથી મોટી દીવાલની લંબાઈ 120 મીટર (આશરે 400 ફૂટ) જેટલી છે અને તેની આસપાસ એ જ સમયગાળાની અન્ય 12 નાની માનવનિર્મિત રચનાઓ પણ મળી આવી છે.

અનાયાસે થયેલી શોધે સૌને ચોંકાવી દીધા

આ શોધની શરૂઆત 2017માં થઈ હતી. નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રી યવેસ 'બાથીમેટ્રી' (સમુદ્રના તળિયાના નકશા બનાવવાની ટેકનોલોજી) વડે બનાવાયેલા હાઈ-રિઝોલ્યુશન નકશાઓની તપાસ કરી રહ્યા હતા ત્યારે નકશાઓમાં તેમને કેટલીક એવી રેખાઓ અને આકારો જોવા મળ્યા જે કુદરતી રીતે બનેલા લાગતા ન હતા. શંકાને આધારે શોધ-અભિયાન ચલાવાયું. વર્ષ 2022 થી 2024 દરમિયાન કુશળ ડાઇવર્સની ટીમે આ વિસ્તારમાં અનેક ડુબકીઓ મારીને ઝીણવટપૂર્વકની તપાસ કરી. તેમને પાણીની અંદર પથ્થરની કૃત્રિમ દીવાલો અને બાંધકામો જોવા મળ્યા. વધુ સંશોધનને આધારે પુષ્ટિ કરાઈ કે એ રચનાઓ માનવ હાથે બનાવવામાં આવી હતી.

ઓછામાં ઓછા 7000 વર્ષ જૂની છે આ રચના

રેડિયો કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ બાંધકામોનો સમયગાળો આશરે 5800 બીસી(બિફોર ક્રાઇસ્ટ - ઈસુ પૂર્વે)થી 5300 બીસી (એટલે કે આજથી 7000 થી 7300 વર્ષ પહેલા) વચ્ચેનો નક્કી કરવામાં આવ્યો છે. 'નિયોલિથિક' ('નવીન પાષાણયુગ' - પથ્થર યુગનો છેલ્લો તબક્કો) કાળની આ રચના વિશ્વમાં સમુદ્રની અંદર મળી આવેલી અત્યંત પ્રાચીન માનવસર્જિત રચનાઓમાંની એક ગણાવાઈ છે.

સમુદ્રની અંદર દીવાલો શા માટે બનાવાઈ?

વિજ્ઞાનીઓનું કહેવું છે કે, 7000 વર્ષો અગાઉ જ્યારે આ દીવાલો બનાવવામાં આવી હતી, ત્યારે સમુદ્રનું સ્તર આજના કરતાં નોંધપાત્ર રીતે નીચું હતું. આજે જે વિસ્તાર સમુદ્રમાં ડૂબેલો છે, એ સમયે તે દરિયાકિનારો અથવા તટીય મેદાન હતો, જ્યાં પ્રાચીન માનવ સમુદાયો રહેતા અને તેમની આજીવિકા ચલાવતા હતા. એટલે કે દીવાલો સમુદ્ર તળિયે નહોતી બનાવાઈ, જમીન પર જ બનાવાઈ હતી. કાળક્રમે એ વિસ્તાર સમુદ્રમાં ગરક થઈ ગયો હતો.

આ પણ વાંચો: અચાનક 100-100 ફૂટના 700 ભુવા પડતાં તૂર્કિયેમાં અચંબો! સૌથી વધુ નુકસાન ખેડૂતોને

દીવાલોનો હેતુ શું? માછીમારી કે રક્ષણ?

વિજ્ઞાનીઓ આ રચનાઓ પાછળના હેતુ બાબતે નીચે મુજબના બે અનુમાનો વ્યક્ત કરે છે:

1. માછીમારી: એવું માનવામાં આવે છે કે આ દીવાલોનો ઉપયોગ માછીમારી માટે કરવામાં આવતો હશે. પથ્થરોની આવી ગોઠવણી એક પ્રકારનો 'ફિશ ટ્રેપ' અથવા 'ટાઇડલ ટ્રેપ' હોઈ શકે છે, જેમાં સમુદ્રની ભરતી વખતે માછલીઓ પાણી સહિત અંદર પ્રવેશી શકે, પણ ઓટ વખતે તેમાં ફસાઈ જાય, પરત દરિયામાં ન જઈ શકે, જેથી માછીમારો સરળતાથી માછલીઓ પકડી શકે.

2. સમુદ્રી મોજાં સામે રક્ષણ: બીજી શક્યતા એ છે કે આ બાંધકામો તટીય વિસ્તારને સમુદ્રના મોજાથી બચાવવા માટે બનાવવામાં આવેલી રક્ષણાત્મક દીવાલો હોઈ શકે છે. સમુદ્રનું સ્તર વધવા લાગ્યું છે, એનો ખ્યાલ આવતાં આ વિસ્તારના રહેવાસીઓએ પોતાના વસવાટને સુરક્ષિત રાખવાના પ્રયાસ રૂપે આ દીવાલો બાંધી હશે.

પ્રાચીન બાંધકામ કુશળતા અને સામાજિક સંગઠનની સાબિતી

આ શોધ પ્રાચીન સમયના માનવ સમાજની બાંધકામ કુશળતા અને સામાજિક સંગઠનની પ્રતીક છે. આ દીવાલોમાં જોવા મળતા પથ્થરો સેંકડો કિલો વજનના છે. આટલા વજનદાર ગ્રેનાઈટના પથ્થરોને ખાણોમાંથી કાઢવા, ઘસીને ચોકસાઈપૂર્વક આકાર આપવા, દૂરથી ખેંચીને દરિયા સુધી લાવવા અને પછી યોગ્ય સ્થાને મૂકીને મજબૂતીથી ગોઠવવા, એ કોઈ એકલ-દોકલ માણસનું કામ નથી. એના માટે સામુદાયિક સહકાર અને બાંધકામના જ્ઞાનની જરૂર હતી. એ રીતે જોઈએ તો આ રચનાઓ બ્રિટ્ટેનીમાં આવેલા અન્ય 'મેગાલિથિક' સ્મારકો (મોટા પથ્થરોના બાંધકામ) જેટલી જ પ્રભાવશાળી છે, અને શક્યતઃ તેના કરતાં પણ પ્રાચીન હોઈ શકે છે.

સ્થાનિક દંતકથાઓ સાથેનો સંભવિત સંબંધ

સ્થાનિક બ્રેટોન લોકકથાઓમાં 'ખોવાઈ ગયેલા ડૂબેલા શહેરો'નો ઉલ્લેખ આવે છે. આ શોધ એની સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. શોધકો અનુમાન લગાવે છે કે, સમુદ્રસ્તર વધવાને કારણે આ પ્રાચીન વસાહતો ડૂબી ગઈ હશે અને એ પછી આ રચનાઓએ સ્થાનિક લોકસ્મૃતિમાં ડૂબેલા શહેરોની કથાઓને જન્મ આપ્યો હોઈ શકે છે.

આ પણ વાંચો: ગાઝામાં બેવડું સંકટ, ઈઝરાયલની નાકાબંધી વચ્ચે કુદરતનો પ્રકોપ, ઠંડી અને પૂરથી અનેક મોત