100 foot Sinkholes in Turkey: ગ્લોબલ વોર્મિંગના અકલ્પનીય માઠા પરિણામ પૃથ્વી ભોગવી રહી છે. એમાંનું એક તાજું પર્યાવરણીય સંકટ તૂર્કિયેમાં સર્જાયું છે. તૂર્કિયેના 'અનાજનો ભંડાર' કહેવાતા સમૃદ્ધ ખેત-પ્રદેશ 'કોન્યા'ની ફળદ્રુપ જમીનમાં મસમોટા ભુવા પડવા લાગ્યા છે. તૂર્કિશ ભાષામાં 'ઓબ્રુક' અને અંગ્રેજીમાં 'સિંકહોલ' કહેવાતા આવા ભુવાની સંખ્યા પાંચ-દસ નહીં, પણ 700 જેટલી છે! જેમાંના ઘણા તો 100 ફૂટથી પણ વધુ પહોળા અને સેંકડો ફૂટ ઊંડા છે. આવા ભુવા ખેતરો, સડકો અને ગામડામાં અચાનક જ બની જાય છે. એક ક્ષણે સાજીસમી લાગતી જમીન એકાએક જ ધડ કરતી અંદર ધસી પડે છે, જેને લીધે ફક્ત ખેતપેદાશો જ બરબાદ નથી થઈ રહી, પણ ગામડાના લોકોના જીવન પણ જોખમમાં મુકાઈ ગયા છે. માથે લટકતી અદૃશ્ય તલવાર જેવા આ 'ઓબ્રુક' બનવાનું કારણ શું છે, ચાલો સમજીએ.
સમસ્યાના મૂળમાં ભૂગર્ભજળનો દુરુપયોગ છે
આ સમસ્યાનું મુખ્ય કારણ ભૂગર્ભજળનું અતિશય અને અનિયંત્રિત દોહન છે. કોન્યાના મેદાની પ્રદેશમાં ઘઉં, બીટ અને મકાઈ જેવા પાકોની ખેતી મોટા પાયે થાય છે. આ તમામ પાક લેવા માટે પુષ્કળ પાણી જોઈએ છે. તાજેતરના વર્ષોમાં તૂર્કિયેમાં વરસાદ પડવાનું પ્રમાણ ઘટી ગયું છે, જેને લીધે અહીં ખેતી ભૂગર્ભજળ આધારિત થઈ ગઈ છે. ખેડૂતો પાણી મેળવવા માટે વધુ ને વધુ ઊંડા કૂવા ખોદીને પાણી મેળવે છે. એક અંદાજ મુજબ આ પ્રદેશમાં 1 લાખથી વધુ કૂવા છે, જેમાંના અનેક ગેરકાયદેસર છે. અતિશય પંપિંગના કારણે ભૂગર્ભજળનું સ્તર 10 મીટરથી પણ વધુ નીચે ગયું છે, જે અત્યંત ભયજનક છે.
ઓબ્રુક કઈ રીતે બને છે?
કોન્યા પ્રદેશની જમીન મુખ્યત્વે ચૂનાના પથ્થર(કાર્સ્ટ લેન્ડસ્કેપ)ની બનેલી છે, જે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. સામાન્ય રીતે, ઊંચું ભૂગર્ભજળનું સ્તર આ ખડકોને પાણીમાં ડૂબાડીને ટેકો આપે છે અને સ્થિર રાખે છે. પરંતુ, ખેતી માટે અતિશય પંપિંગને કારણે જ્યારે પાણીનું સ્તર ખૂબ નીચું જાય છે, ત્યારે પાણીના ટેકા વિના ચૂનાના ખડકો ઓગળી જાય છે અને જમીનની નીચે વિશાળ ખાલી જગ્યાઓ(કેવર્ન) બનવા લાગે છે. જ્યારે આ કેવર્ન પરની ઉપરની માટી અને જમીનનું વજન સહન થઈ શકતું નથી, ત્યારે પાણીના ટેકાના અભાવે તે એકાએક તૂટી પડે છે, જેને કારણે સપાટી પર મોટા અને ઊંડા ખાડાઓ(ઓબ્રુક) બની જાય છે.
પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે
તાજેતરના વર્ષોમાં ઓબ્રુક બનવાની ઘટનાઓમાં ભયંકર વધારો થયો છે. અગાઉ વર્ષે એકાદ ઓબ્રુક બનતો, હવે તો વર્ષે પંદર-વીસ ઓબ્રુક બની જાય છે. છેલ્લા એક વર્ષમાં જ 20થી વધુ નવા ઓબ્રુક બની ગયા છે. એ ફક્ત ખેતરોમાં જ નહીં, પણ સડકો અને રહેણાંક વિસ્તારોમાં પણ પડવા લાગ્યા હોવાથી ઘરવખરી અને ઢોરઢાંખર ઉપરાંત માનવજીવન પર પણ ખતરો છે.
સેંકડો ખેડૂતો અસરગ્રસ્ત થયા
આ સંકટની સ્થાનિક ખેડૂતો પર સીધી અસર થઈ છે. ઘણા ખેડૂતોએ ખેતરોમાં પડેલા ભુવાને કારણે પોતાનો સંપૂર્ણ પાક ગુમાવ્યો છે. હવે ખેડૂતો ખેતરમાં ટ્રેક્ટર ચલાવતી વખતે પણ જમીન તૂટી પડવાના ભયમાં જીવે છે. ખેતીલાયક જમીનનો નાશ થવાથી તેમની આજીવિકા ખતરામાં છે. માતા કહેવાતી ધરતી જ હવે એના પુત્રોને ગળી જવા લાગી છે, એ કેવી વક્રતા!
આ પણ વાંચો: દેશના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત ભણાવાશે, લાહોર યુનિ.માં કોર્સનો પ્રારંભ
સંકટ નિવારણ માટે કેવા પગલાં લેવાઈ રહ્યા છે?
સરકાર અને વિજ્ઞાનીઓ આ સંકટને આગળ વધતું રોકવા માટે પ્રયત્નશીલ છે. જેને અટકાવવા નીચે મુજબના પગલાં લેવાઈ રહ્યાં છે.
- ગેરકાયદેસર કૂવાઓ પર નિયંત્રણ મૂકવામાં આવી રહ્યું છે.
- પાણીની બચત થાય એવી ડ્રિપ ઇરિગેશન જેવી સિંચાઈ પદ્ધતિઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
- જોખમી વિસ્તારોના નકશા બનાવવામાં આવી રહ્યા છે.
સમસ્યા દીર્ઘકાલિન છે
નિષ્ણાતો જણાવે છે કે આ સમસ્યાનું ટૂંકા ગાળામાં સમાધાન નહી આવે. જો વરસાદનું પ્રમાણ ન વધ્યું અને ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ ચાલુ રહ્યો, તો નવા ઓબ્રુક બનવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે. તૂર્કિયેની આ સમસ્યા એક સ્પષ્ટ ચેતવણી છે કે જ્યારે પ્રકૃતિની સીમાઓ ઓળંગીને કુદરતી સંસાધનોનો અવિચારી ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એના પરિણામ કેટલા વિનાશકારી હોઈ શકે છે.


