World

ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર : એપસ્ટિન ફાઈલ્સના 3 લાખ દસ્તાવેજો જાહેર

By GS TEAM
20 Dec 20253 mins read
ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર : એપસ્ટિન ફાઈલ્સના 3 લાખ દસ્તાવેજો જાહેર

બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન, રિચાર્ડ બ્રેસ્નનની તસીવરો સામે આવી

ક્લિન્ટનની સ્વિમિંગ પૂલમાં મહિલાઓ સાથે તસવીરથી હોબાળો, પ્રમુખ ટ્રમ્પની મર્યાદિત તસવીરો જાહેર, વધુ ફાઈલો જાહેર કરાશે

વોશિંગ્ટન: અમેરિકામાં જાતીય શોષણના કુખ્યાત ગુનેગાર જેફરી એપસ્ટિનના દસ્તાવેજો જાહેર કરવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી ભારે હોબાળો મચ્યો હતો. સંસદ અને લોકોના ભારે દબાણના પગલે અંતે અમેરિકન ન્યાય વિભાગે શુક્રવારે ૭ સેટમાં કુલ ૩ લાખ દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન, રિચર્ડ બ્રેસ્નન સહિત અમેરિકાની અનેક સેલિબ્રિટીઓની તસવીરો જાહેર કરાઈ હતી અને હજુ અનેક નવા દસ્તાવેજો જાહેર થવાની શક્યતા છે. આ ફાઈલો જાહેર થવાથી એપસ્ટીનના અનેક હાઈપ્રોફાઈલ લોકો સાથે સંબંધો અંગે ઘટસ્ફોટ થશે તેવી અપેક્ષા સેવાતી હતી. પરંતુ આ ફાઈલો જાહેર થયા પછી દુનિયા માટે ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નવા દસ્તાવેજોમાં કોઈની પણ સામે નવા ગુના સાબિત થઈ શકે તેમ નથી.

અમેરિકન સંસદમાં નવેમ્બરમાં પસાર થયેલા એપસ્ટિન  ફાઈલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ ન્યાય વિભાગે શુક્રવારે લાખો દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં સૌથી વધુ ચર્ચા અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન અંગે થઈ રહી છે. એપસ્ટિન ફાઈલ્સની નવી જાહેર કરાયેલી તસવીરોમાં ક્લિન્ટન કેટલીક છોકરીઓ સાથે સ્વિમિંગ પૂલમાં નહાતા, પાર્ટી કરતા જોવા મળે છે. બિલ ક્લિન્ટનની હોટ ટબમાં આડા પડયા હોય તેવી તેમજ અન્ય તસવીરો પણ જાહેર કરાઈ છે. આતસવીરો અંગે બિલ ક્લિન્ટને દાવો કર્યો કે તેને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે. એપસ્ટિનની તપાસ બિલ ક્લિન્ટન અંગે નથી. એપસ્ટિનની કોઈપણ પીડિતાએ ક્યારેય બિલ ક્લિન્ટન પર આરોપ નથી લગાવ્યા.

આ સિવાય પોપ સ્ટાર માઈકલ જેક્સન, બ્રિટનના પ્રિન્સ એન્ડ્રયુ અને તેમની પત્ની સારા ફર્ગ્યુસન, પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રા વિનફ્રે, હોલિવડૂ અભિનેતા કેવિન સ્પેસી અને ક્રિસ ટકર, ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેસ્નન, મિક જૈગર, વુડી એલન અને નોમ ચોમ્સ્કીની જેફરી એપસ્ટિન સાથેની તસવીરો પણ જાહેર કરાઈ છે. જોકે, ન્યાય વિભાગે કહ્યું છે કે આ દસ્તાવેજોમાં કોઈપણ તસવીર અથવા નામનું દેખાવું એ કોઈ ગૂનાનો પુરાવો નથી.  

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ એપસ્ટિનની કોન્ટેક્ટ બૂક અને ફ્લાઈટ લોગ્સ જેવા રેકોર્ડ્સમાં સામે આવે છે. જોકે, ટ્રમ્પ સંબંધિત મોટાભાગના દસ્તાવેજો આ પહેલા જ જાહેર કરી દેવાયા હતા. ટ્રમ્પે તે સમયે જણાવ્યું હતું કે ૧૯૯૦ના દાયકામાં પોતે એપસ્ટિનના સામાજિક દાયરામાં હતો, પરંતુ ૨૦૦૦ પછી એપસ્ટિન સાથે તેના સંબંધો તૂટી ગયા હતા.

અમેરિકન ન્યાય વિભાગે જાહેર કરેલા દસ્તાવેજોમાં મોટાભાગે તસવીરો, ઈમેલ, તપાસ નોટ્સ અને અન્ય રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં ૨૫૪ મસાજ કરનારી મહિલાઓની યાદીના સાત પાના પણ છે. આ બધા જ પાનામાં માત્ર નામ હતા, જેને સંપૂર્ણપણે કાળા કરી દેવાયા હતા. ન્યાય વિભાગે કહ્યું કે, સંભવિત પીડિતોની ઓળખને સુરક્ષિત રાખવા માટે તેમની વિગતો છુપાવવામાં આવી છે.

અમેરિકામાં સગીર છોકરીઓને વેશ્યાલયના ધંધામાં ધકેલવાના આરોપો હેઠળ સજા પામેલા અને ૨૦૧૯માં આત્મહત્યા કરી લેનારા ફાઈનાન્સર તથા અબજોપતિ જેફરી એપસ્ટિનને અમેરિકાના નેતાઓ, હોલિવૂડના અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ સહિત દુનિયાની અનેક સેલિબ્રિટીઓ સાથે ઘરોબો હતો અને તે અનેક જાણિતી હસ્તીઓને છોકરીઓ પૂરી પાડતો હોવાના આક્ષેપો થયા હતા. આ કારણે એપસ્ટિન સંબંધિત ફાઈલો જાહેર કરવા ટ્રમ્પ સરકાર પર ભારે દબાણ હતું. અમેરિકન સંસદે આ ફાઈલો જાહેર કરવા માટે વિશેષ કાયદો બનાવ્યો હતો અને ટ્રમ્પ સરકારને ૧૯ ડિસેમ્બર સુધીમાં આ ફાઈલો જાહેર કરવા આદેશ આપ્યો હતો. 

અમેરિકન કોંગ્રેસમાં નવેમ્બરમાં પસાર થયેલા આ કાયદા મુજબ ન્યાય વિભાગે શુક્રવારે ભારે રેડેક્શન સાથે એટલે કે આ દસ્તાવેજો, તસવીરો, રિપોર્ટ, ફાઈલ અથવા માહિતીમાંથી સંવેદનશીલ અથવા ગુપ્ત બાબતો છુપાવીને તેમજ તેના પર કાળી પટ્ટી લગાવીને એપસ્ટિન સાથે સંકલાયેલા દસ્તાવેજોનો પહેલો ભાગ જાહેર કર્યો હતો. ન્યાય વિભાગે કહ્યું કે, હજુ કેટલીક ફાઈલ્સ રોકવામાં આવી છે, કારણ કે તેના સંબંધિત તપાસ ચાલુ છે અથવા તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી છે. જોકે, આગામી સપ્તાહોમાં હજુ વધુ દસ્તાવેજો જાહેર કરવામાં આવશે.