VIDEO: ઈરાનના પાંચ પોર્ટ પર તબાહી, વળતા જવાબમાં 4 દેશોમાં અમેરિકાને પહોંચાડ્યું મોટું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Strait Of Hormuz Conflict : ઈરાનમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને જંગ હવે પહેલાની જેમ જ ભભૂકી ઉઠી છે. આજે દિવસમાં બીજીવાર બંદર અબ્બાસ અને કેશમ આઇલૅન્ડ પર હુમલા થયા છે.
ઈરાન પર સોમવારે બીજીવાર હુમલો
ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પોર્ટ પાસે એકવાર ફરીથી ધડાકા થયા છે. બંદર અબ્બાસ અને કેશમ આઇલૅન્ડ પાસે આજે દિવસમાં બીજી વખત બ્લાસ્ટ થયો છે. આ માહિતી ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ આપી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફરી એકવાર ભીષણ બન્યું છે. બંને તરફથી એકબીજાના ટાર્ગેટ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ પહેલા અમેરિકન સેનાએ ઈરાનમાં આ સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઈરાનની મીડિયા IRIB એ આજે સવારે જ કહ્યું હતું કે, દુશ્મનની મિસાઇલોએ મશહર, જસ્ક, સિરિક, બંદર અબ્બાસ અને કેશમ પોર્ટને નિશાન બનાવ્યા છે. ત્યારબાદ આ નવો હુમલો થયો છે. તાજા હુમલામાં આ આઇલૅન્ડ્સ પર શું નુકસાન થયું છે, તેની માહિતી હજુ સામે આવી નથી.
મેહરના સમાચાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 'પાછલી કેટલીક રાતથી અમેરિકી આતંકવાદી દળોએ દેશના દક્ષિણ તટ પર હુમલા કર્યા છે, જેના પરિણામે કેટલાય માછીમારો અને દેશની રક્ષા કરનારાઓ શહીદ થયા છે.' આ હુમલાના જવાબમાં ઈરાને જોર્ડન, ઓમાન, બહેરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો. આ હુમલામાં ફ્યુઅલ ડેપો, દારૂગોળાના બંકર, પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન કમાન્ડ સેન્ટર નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
IRGCના હુમલા અંગે 3 અલગ અલગ નિવેદન
IRGCએ આ હુમલાઓ અંગે ત્રણ અલગ-અલગ નિવેદનો જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે, આ હુમલા હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળના સંઘર્ષ બાદ ઈરાની દરિયાકાંઠાના વિસ્તારો પર અમેરિકી હુમલાનો જવાબ હતા. પ્રથમ તબક્કામાં IRGCએ કહ્યું કે, તેમણે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને જોર્ડનના પ્રિન્સ હસન એરબેઝ પર કેટલાય મોટા મિસાઇલ ડેપો અને ફ્યુઅલ સ્ટોરેજ ટેન્કોમાં આગ લગાડી દીધી. બીજા તબક્કામાં IRGC એરોસ્પેસ ફોર્સે બહેરીનના શેખ ઈસા સ્થિત અમેરિકી બેઝ પર હેલિકોપ્ટર મેન્ટેનન્સ અને રિપેરિંગ સેન્ટર્સ, P-8 ઇલૅક્ટ્રોનિક વોરફેર એરક્રાફ્ટ હેંગર્સ અને ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર હુમલો કર્યો. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ લડાઈ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર કબજો મેળવવા અંગે છે. સોમવારે અમેરિકા અને ઈરાન બંનેએ દાવો કર્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટ પર તેમનું નિયંત્રણ છે. આ દાવો સમગ્ર મધ્ય પૂર્વ(મિડલ ઈસ્ટ)માં સપ્તાહના અંતે થયેલા હુમલાઓ બાદ કરવામાં આવ્યો છે, જેનાથી યુદ્ધ સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસો પર વધુ જોખમ મંડરાઈ રહ્યું છે.
ઈરાને કન્ટેઇનર જહાજ પર કર્યો હુમલો
આ હુમલા ત્યારે શરૂ થયા, જ્યારે ઈરાને રવિવારે ઓમાનના તટ પાસે આ સ્ટ્રેટમાં એક કન્ટેઇનર જહાજ પર હુમલો કર્યો. આ હુમલાઓએ એક વાર ફરી સ્પષ્ટ કરી દીધું છે કે, આ જળમાર્ગ વાતચીતમાં એક મહત્ત્વનો મુદ્દો બનેલો છે. યુદ્ધ શરૂ થયા પછીથી જ પર્શિયન ગલ્ફના આ સાંકડા મુખ પર જહાજોની અવરજવરમાં અવરોધ આવી રહ્યો છે, કારણ કે, ઈરાને તેની આસપાસ કોમર્શિયલ જહાજો પર હુમલા કરીને અને શિપિંગ કંપનીઓને ડરાવી-ધમકાવીને આના પર પોતાની પકડ મજબૂત રાખી છે.
ઈરાન અને અમેરિકા આ 60 દિવસના વચગાળાના કરારનો લગભગ અડધો સમયગાળો પૂરો કરી ચૂક્યા છે, જેનો હેતુ યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાતચીત શરૂ કરવાનો હતો. તેના બદલે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, આ સ્ટ્રેટ અને તેના ભવિષ્યને લઈને સતત હુમલા થઈ રહ્યા છે, જેનાથી વિશ્વના નેતાઓને ચિંતા સતાવી રહી છે કે, ઈરાન સાથેનું યુદ્ધ ફરીથી સંપૂર્ણ રીતે શરૂ થઈ શકે છે.









