વિરોધ છતાં નેતન્યાહુની પ્રતિષ્ઠા જળવાઈ, સત્તા મળવી મુશ્કેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇઝરાયેલની ચૂંટણીમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી ૫૩, વિપક્ષ ૪૮ બેઠક પર આગળ
- ઇઝરાયેલની ૧૨૦ સભ્યોની સંસદ પર સત્તા મેળવવા માટે કુલ ૬૧ બેઠકો જીતવી પડે છે, ચૂંટણીમાં ૭૭.૧ ટકા મતદાન
- સરકાર ન રચાય તો આગામી વર્ષે ફરીથી ચૂંટણી યોજાઈ શકે પ્રમુખની નવેસરથી ચૂંટણી ટાળવા રાજકીય પક્ષોને અપીલ
- મારી અપીલથી લોકોએ નેતન્યાહુને મત આપ્યા, ટ્રમ્પે ઇઝરાયેલી પીએમને મળેલી સરસાઈનું શ્રેય પોતે જ લઈ લીધુ
- ઇઝરાયેલમાં ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે સંપૂર્ણ બહુમતીના અભાવે પાંચ વખત ચૂંટણી યોજાતા રાજકીય અસ્થિરતા હતી
જેરુસલેમ : ઇઝરાયેલની સંસદીય ચૂંટણીમાં લિકુડ પાર્ટીના પીએમ નેતન્યાહુના નેજા હેઠળની સરકારે બહુમતી ગુમાવી હોવા છતાં તે ૫૩ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે તેવી પ્રબળ સંભાવના છે. જ્યારે તેમના મુખ્ય હરીફ ગડી આઇઝનકોટનું વિપક્ષી જોડાણ ૪૮ બેઠકો સુધી જસીમિત રહે તેમ મનાય છે. જ્યારે આરબ પાર્ટી ૧૯ બેઠકો સાથે ૧૨૦ બેઠકોની નેસેટમાં સરકાર બનાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી શકે છે. લગભગ ૯૩ ટકા મતપત્રકોની ગણતરી થઈ ચૂકી છે ત્યારે હવે પરિણામમાં કોઈ ખાસ ફેર પડે તેવી સંભાવના નથી.
આમ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની સામે વિરોધનો વાવાવંટોળ હોવા છતાં પણ તેમની લિકુડ પાર્ટીએ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવવામાં સફળતા મેળવી છે, પરંતુ ઇઝરાયેલની સંસદમાં બહુમતી માટે ૬૧ બેઠક મળવી જરૂરી છે. આ વિજય માટે તેનો પનો ટૂંકો પડયો છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સે સેન્ટ્રલ ઇલેકશન્સ કમિટી (સીઇસી)ને ટાંકીને જણાવ્યું હતું કે ૯૩ ટકા સામાન્ય બેલોટની ગણતરી અને કુલ મતના ૮૫.૬ ટકાની ગણતરી થઈ ચૂકી છે. ઇઝરાયેલમાં સત્તા મેળવવા માટે ૧૨૦ સભ્યોની નેસેટમાં ૬૧ બેઠકની જરુર પડે છે. હવે જો નેતન્યાહુ કોઈપણ રીતે તડજોડ કરીને ૬૧ બેઠક ન મેળવી શકે તો પછી બીજુ આમંત્રણ ૪૮ બેઠક મેળવનારા ગડી આઇઝનકોટની આગેવાની હેઠળના વિપક્ષને મળે. જો તેઓ આરબ પાર્ટી સાથે રાજકીય મતભેદો ભૂલાવે તો કુલ તેના ૧૭થી ૧૯ સભ્યોને ટેકો મેળવીને સરકાર બનાવી શકે. સીઇસીએ જણાવ્યું હતું કે હવે બાકીના સાત ટકા બેલોટની ગણતરી પૂરી થઈ જાય પછી સ્પષ્ટ ચિત્ર ઉભરીને આવી શકે. સ્થાનિક પ્રસારમાધ્યમોએ સીઇસીને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ છ લાખ ડબલ એન્વેલપ બેલોટની ગણતરી બાકી છે. આ મતો સૈનિકોના અને પોતાના ઘરથી દૂર રહેતા પાત્ર મતદાતાઓના છે. આગામી કેટલાક દિવસોમાં તેની ટેલી ઉમેરાય તેવી સંભાવના છે. આ સિવાય ત્રણ રાજકીય પક્ષો ચૂંટણીની નિયત મર્યાદા ૩.૨૫ ટકાના અધિકૃત મતથી પણ દૂર રહ્યા હતા અને તેમના મત અનુક્રમે ૨.૬ ટકા, ૧.૬૦ ટકા અને ૦.૨ ટકા રહ્યા હતા. જો કે કાઉન્ટિંગ ચાલતું હોવાથી અંતિમ વોટશેર હજી પણ બદલાઈ શકે છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ નેતન્યાહુનો પક્ષ સૌથી આગળ ચાલતો હોવાના લીધે તેમને અત્યારથી જ અભિનંદન આપી દીધા છે. તેની સાથે તેઓ જીતે તો તેનું શ્રેય પણ અત્યારથી પોતે લઈ લીધું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે નેતન્યાહુ તો હારી જ જવાના હતા, પરંતુ ૧૮મી ઓક્ટોબરે તેઓએ નેતન્યાહુને જાહેર સમર્થન કર્યુ અને તેમને ફરીથી ચૂંટવાની અપીલ કરી એને નેતન્યાહુ ન ચૂંટાયા તો ઇઝરાયેલનું ભવિષ્ય અંધકારમય થઈ જશે તેમ જણાવ્યું તેના પછી લોકો તેમના સમર્થનમાં બહાર આવ્યા.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલની ચૂંટણીમાં ૧૯૯૯ પછી સૌથી વધુ ૭૭.૭ ટકા મતદાન થયું છે. આમ ૭૭ વર્ષના નેતન્યાહુને રાખવા આટલું મતદાન થયું છે કે કાઢવા આટલું મતદાન થયું છે તે તો સમય જ કહેશે. નેતન્યાહુ માટે સૌથી મોટો પડકાર જોડાણવાદી સરકાર રચવાનો રહેશે.
એક્ઝિટપોલના અંદાજ મુજબ નેતન્યાહુના બ્લોકને ૫૦થી ૫૨ તો વિપક્ષના ૫૧થી ૫૩ બેઠક અને આરબ પાર્ટીઓને ૧૭થી ૧૮ બેઠક મળી શકે છે. આઇ૨૪ન્યૂઝે પીએમ નેતન્યાહુના બ્લોકની નેતાગીરીના બ્લોકને ૫૫ તો વિપક્ષના ૪૯ બેઠકનો અંદાજ મૂક્યો છે. પ્રેસિડેનટ્ ઇસાક હેર્ઝોગે રાજકીય પક્ષોને વિનંતી કરી છે કે તેઓ વધુ એક ચૂંટણી ટાળે. તેઓ ખુલ્લા મનથી સરકાર રચવાનો પ્રયત્ન કરે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન ઇઝરાયેલમાં રાજકીય અસ્થિરતા જોવા મળી હતી અને તેના લીધે ત્રણ વર્ષમાં પાંચ વખત ચૂંટણી આવી હતી. તેના કારણે લોકો સમજ્યા હતા અને તેના પછી ૨૦૨૨માં આવેલી ચૂંટણીમાં નેતન્યાહુને બહુમતી આપી હતી. આ પહેલા પણ નેતન્યાહુ ઇઝરાયેલ પર સળંગ ૧૭ વર્ષ સત્તા ભોગવી ચૂક્યા છે. કુલ ૧૯ વર્ષ સુધી સત્તા ભોગવી છે. આ ચૂંટણી શરુ થઈ ત્યારે નેતન્યાહુનો પરાજય નિશ્ચિત મનાતો હતો, તેઓ પોતે પણ હારી જશે તેમ કહેતા હતા અને વિપક્ષી જોડાણ સરળતાથી સત્તા કબજે કરશે તેમ મનાતુ હતુ, પરંતુ તેના બદલે તેઓ વિપક્ષી જોડાણને પાછળ છોડીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા છે અને ફરીથી સત્તા કબ્જે કરશે તો આશ્ચર્ય નહી થાય.




