પાકિસ્તાનમાં વરસાદ કહેર બનીને વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન, 13ના મોત, 90થી વધુ ઈજાગ્રસ્ત
Pakistan Rain: પાકિસ્તાન હાલ કુદરતના મારનો સામનો કરી રહ્યું છે. પાક.ના પંજાબ પ્રાંતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે તબાહી જેવા દ્રશ્યો સર્જાયા છે. PDMA (પ્રોવિન્શિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) અનુસાર, ઓછામાં ઓછા 13 નાગરિકોના મોત નિપજ્યા છે અને 92થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. PDMAના ડિરેક્ટર જનરલ ઈરફાન અલી કથિયાએ જણાવ્યું કે, તેજ હવા અને વરસાદની ચેતવણી બાદ તમામ ડેપ્યુટી કમિશનર અને બચાવ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
કંટ્રોલ રૂમથી 24/7 કરાઈ રહ્યું છે નિરીક્ષણ
ઈરફાન કથિયાએ કહ્યું કે, 'PDMA કંટ્રોલ રૂમથી 24/7 મોનિટર કરીને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે. તમામ સંબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, કોઈપણ ઈમરજન્સી સ્થિતિ માટે તૈયાર રહો. આ સિવાય નાગરિકોને પણ અપીલ કરી છે કે, વીજળીના થાંભલા, લટકતા તારથી દૂર રહે, વાવાઝોડો અથવા વીજળી પડવાના સમયે ખુલ્લી જગ્યાએ ન રહે, જ્યાં સુધી જરૂરી ન હોય કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળે અને ધીમી ગતિએ વાહન ચલાવો. વાવાઝોડા અને વરસાદના સમયે સૌથી નજીકની સુરક્ષિત જગ્યાએ પહોંચી જાવ.'
ભારે નુકસાન આશંકા
PDMA એ પણ સ્પષ્ટ કર્યું કે, અમુક જિલ્લામાં તેજ હવા અને વીજળી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે ઘર અને અનેક જાહેર વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. જોકે, બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવાયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવી રહ્યા છે.